રાજકોટમાં દબાણ હટાવ શાખાએ ૧૫ દિવસમાં ૨૫૮ રેકડી-કેબીન અને ૨૬૩૫ બોર્ડ-બેનરો કર્યા જપ્ત, રૂ. ૪.૦૯ લાખનો વહીવટી ચાર્જ વસૂલ્યો
૧ થી ૧૫ જુલાઈ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર મેગા ઝુંબેશ: ૩૪૨૮ કિલો શાકભાજી-ફળો તેમજ ૭૫૦ પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરાઈ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા શહેરમાં જાહેર માર્ગો અને ફૂટપાથો પર થતા અસ્થાઈ દબાણો સામે લાલઆંખ કરવામાં આવી છે. તા.૧ થી ૧૫ જુલાઈ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં હાથ ધરવામાં આવેલી આક્રમક ઝુંબેશમાં રસ્તા પર નડતરરૂપ રેકડી-કેબીનો, શાકભાજી, પરચુરણ સામાન તેમજ ગેરકાયદે બોર્ડ-બેનરો જપ્ત કરી મોટી દંડાત્મક કાર્યવાહી કરવામાં આવી છે. તંત્ર દ્વારા ૧૫ દિવસની આ કામગીરી દરમિયાન કુલ રૂ. ૪,૦૯,૨૯૫/- નો વહીવટી ચાર્જ તથા ભાડું વસૂલ કરવામાં આવ્યું છે.
જેમાં કાલાવડ રોડ, ૧૫૦ ફીટ રિંગ રોડ, ઢેબર રોડ, મવડી મેઈન રોડ, સાધુ વાસવાણી રોડ, રૈયાધાર, જ્યુબેલી અને યાજ્ઞિક રોડ સહિતના મુખ્ય માર્ગો પરથી રસ્તાને અડચણરૂપ ૨૫૮ રેકડી/કેબીન અને ૭૫૦ થી વધુ પરચુરણ ચીજવસ્તુઓ જપ્ત કરાઈ હતી. આ પરાંત ધરાર માર્કેટ, પારેવડી ચોક, પુષ્કરધામ રોડ અને કેસરી હિન્દ પુલ સહિતના વિસ્તારોમાંથી ૩૪૨૮ કિલોગ્રામ શાકભાજી અને ફળો જપ્ત કરવામાં આવ્યા હતા.
રેસકોર્સ રિંગ રોડ, ગોંડલ ચોકડી, મોરબી રોડ અને જામનગર રોડ સહિતના વિસ્તારોમાંથી ૨૬૩૫ જેટલા બોર્ડ, બેનરો અને પતાકા દૂર કરી સીઝ કરવામાં આવ્યા હતા.તેમજ મંડપ કમાન અને છાજલી ભાડા પેટે રૂ. ૪૮,૦૦૦/- તેમજ વહીવટી ચાર્જ પેટે રૂ. ૩,૬૧,૨૯૫/- મળીને કુલ રૂ. ૪.૯ લાખથી વધુની રકમ વસૂલ કરવામાં આવી છે.


