સમય મર્યાદામાં કામગીરી પૂર્ણ નહી થતા જોવા મળનારી અસર
રાજકોટ-જેતપુર હાઇવે પર ચોમાસામાં વધશે હેરાનગતિ
ટ્રાફિકજામ પોઇન્ટ ઓળખી પોલીસ કર્મચારીઓને ફરજ સોંપવા, એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરીડોર બનાવવા માંગ
ટોલ ફ્રી નંબર જાહેર કરવા સહિત વિવિધ ૧૦ માંગણીઓની રજૂઆત કલકેટર સમક્ષ કરતી કોંગ્રેસ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ – જેતપુર સિક્સલેન હાઈવે પર કોરાટ ચોક પાસેનો એલિવેટેડ ઓવર પાસ નવો મંજૂર થતા આ કામ હવે જૂન – 2027 માં પૂર્ણ થશે અને જેથી પ્રોજેક્ટ કોસ્ટ પણ રૂ.1200 કરોડથી વધુ રૂ.1500 કરોડ થઈ ગઈ છે. જોકે આ દરમિયાન હવે ચોમાસુ નજીક છે ત્યારે અહીં દૈનિક અઢી લાખ વાહન ચાલકોને હાલાકી ન પડે તે માટે પ્રિ મોન્સૂન કામગીરી તાકીદે હાથ ધરવા પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તાએ નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ મેનેજર અને જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી છે.
કોંગ્રેસ દ્વારા મુખ્ય 10 માંગણીઓ કરવામાં આવી છે. જેમાં (1) ટ્રાફિક જામ પોઈન્ટની ઓળખ અને તાત્કાલિક નિરાકરણ : રાજકોટ-જેતપુર હાઈવે પર જ્યાં જ્યાં વારંવાર ટ્રાફિક ચક્કાજામ સર્જાય છે તે તમામ સ્થળોની તાત્કાલિક ઓળખ કરી તેના કારણોનું તકનીકી સર્વેક્ષણ કરીને ચોમાસા પૂર્વે કાયમી અથવા અસરકારક કામચલાઉ ઉકેલ લાવવામાં આવે. 2) સર્વિસ રોડનું મજબૂત સમારકામ : જ્યાં ઓવરબ્રિજ, અંડરપાસ અથવા અન્ય બાંધકામ કામગીરી ચાલી રહ્યા હોય અને વાહન વ્યવહાર સર્વિસ રોડ પરથી પસાર થતો હોય ત્યાં તમામ સર્વિસ રોડનું લેવલિંગ, મેટલિંગ, પેચવર્ક, પાણી નિકાલ અને મજબૂત સમારકામ તાત્કાલિક પૂર્ણ કરવામાં આવે. (3) માર્ગ પરની અન્ય ખામીઓનું નિવારણ : ખાડા, ધૂળ, પાણી ભરાવાની સમસ્યા, ડાયવર્ઝન સ્થળોની દયનીય સ્થિતિ, અધૂરા ડ્રેનેજ કામો તથા ટ્રાફિક અને માર્ગ સલામતીને અસર કરતી તમામ ખામીઓ દૂર કરવા કોન્ટ્રાક્ટરને કડક સૂચનાઓ આપવામાં આવે. (4) અધિકારીઓની જવાબદારી નિશ્ચિત કરવી : પ્રિ-મોન્સૂન કામગીરીના ભાગરૂપે હાઈ વેના અલગ-અલગ કિલોમીટર વિભાગો માટે NHAIના જવાબદાર અધિકારીઓની નિમણૂક કરી તેમની દેખરેખ હેઠળ કોન્ટ્રાક્ટર પાસેથી ગુણવત્તાસભર કામગીરી લેવામાં આવે તથા જવાબદારી નિશ્ચિત કરવામાં આવે. (5) ઈંધણનો બગાડ અને આર્થિક નુકસાન અટકાવવું: ટ્રાફિક ચક્કાજામના કારણે દરરોજ હજારો લિટર ઇંધણનો બિનજરૂરી વેડફાટ થાય છે તેમજ વાહનચાલકોને આર્થિક નુકસાન ભોગવવું પડે છે. તેથી સરળ ટ્રાન્સપોર્ટેશન સુનિશ્ચિત કરવા જરૂરી પગલાં લેવામાં આવે. (6) ટ્રાફિક ફરિયાદ માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન : હાઈવે પર ટ્રાફિક જામ, અકસ્માત અથવા અન્ય સમસ્યાઓ અંગે વાહનચાલકો તાત્કાલિક જાણ કરી શકે તે માટે ટોલ-ફ્રી હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવે તથા તેના બેનર અને સાઈનબોર્ડ હાઈ વે પર મુખ્ય સ્થળોએ લગાવવામાં આવે. (7) રોડ સેફ્ટી અને સૂચક ચિહ્નોની વ્યવસ્થા: NHAIના નિયમો મુજબ તમામ ડાયવર્ઝન, જોખમી સ્થળો અને બાંધકામ વિસ્તારોમાં રિફ્લેક્ટિવ સાઇનબોર્ડ, સ્પીડ લિમિટ બોર્ડ, ચેતવણી સૂચનાઓ, ડેન્જર માર્કિંગ, કૅટ આઈ, બેરિકેડિંગ અને અન્ય તમામ માર્ગ સલામતીના સાધનો પૂરતી સંખ્યામાં ઉપલબ્ધ કરાવવામાં આવે. (8) ગત વર્ષના ટ્રાફિક જામના સ્થળોએ વિશેષ આયોજન: ગયા ચોમાસા દરમિયાન જ્યાં કલાકો સુધી ટ્રાફિકજામની પરિસ્થિતિ સર્જાઈ હતી તે તમામ સ્થળોની સમીક્ષા કરી જિલ્લા પોલીસ તંત્ર સાથે સંકલન કરીને કાયમી અથવા અસ્થાયી ટ્રાફિક પોલીસ પોઈન્ટ ઉભા કરવામાં આવે. (9) એમ્બ્યુલન્સ અને આરોગ્ય સેવાઓને પ્રાથમિકતા: રાજકોટ સમગ્ર સૌરાષ્ટ્ર માટે આરોગ્ય ક્ષેત્રનું મુખ્ય કેન્દ્ર હોવાથી અનેક ગંભીર દર્દીઓને લઈ જતી એમ્બ્યુલન્સ આ માર્ગ પરથી પસાર થાય છે. ટ્રાફિક જામને કારણે દર્દીઓના જીવન પર ગંભીર અસર થાય છે. તેથી એમ્બ્યુલન્સ માટે ગ્રીન કોરિડોર પ્રકારની વ્યવસ્થા તથા ટ્રાફિક મેનેજમેન્ટના વિશેષ પગલાં હાથ ધરવામાં આવે. (10) ટોલ પ્લાઝા પર NHAIના નિયમોનો કડક અમલ: હાઇ વે પર આવેલા બંને ટોલ પ્લાઝાના સંચાલકોને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે NHAIના નિયમો મુજબ વાહનોની કતાર અથવા રાહ જોવાનો સમય નિર્ધારિત મર્યાદાથી વધુ થાય તો ટોલ લેન તાત્કાલિક ખુલ્લી મૂકી વાહન વ્યવહાર સરળ બનાવવામાં આવે. ગત વર્ષે ટોલ પ્લાઝા પર સર્જાયેલી ટ્રાફિક સમસ્યાઓનું પુનરાવર્તન ન થાય તેની ખાસ તકેદારી રાખવામાં આવે.
આ તમામ બાબતોને ગંભીરતાથી ધ્યાને લઈ આગામી 15 દિવસમાં સમગ્ર પ્રિ-મોન્સૂન કામગીરી પૂર્ણ કરવામાં આવે તથા કરવામાં આવેલી કામગીરીનો જાહેર અહેવાલ પ્રસિદ્ધ કરવામાં આવે તેવી અમારી વિનંતી છે.રાજકોટ-જેતપુર હાઈ વે સૌરાષ્ટ્રની અર્થવ્યવસ્થા, ઔદ્યોગિક વિકાસ, પ્રવાસન, આરોગ્ય સેવાઓ તથા સામાન્ય જનજીવન માટે જીવાદોરી સમાન છે. તેથી માર્ગ વપરાશકર્તાઓની સુરક્ષા અને સુવિધાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપી તાત્કાલિક અસરકારક કાર્યવાહી કરવામાં આવે તેવી અપેક્ષા છે.
ચોમાસાને ધ્યાનમાં રાખી કામગીરી કરવી જરૂરી : રોહિતસિંહ રાજપૂત
પ્રદેશ કોંગ્રેસના ઝોનલ પ્રવક્તા રોહિત રાજપૂતે નેશનલ હાઇવે ઓથોરિટી ઓફ ઇન્ડિયાના પ્રોજેક્ટ ડાયરેક્ટરને કરેલી રજૂઆતમાં જણાવ્યું હતું કે, રાજકોટ-જેતપુર સિક્સલેન હાઈવેનું નિર્માણકાર્ય હજુ પ્રગતિ હેઠળ છે. આ માર્ગ સમગ્ર સૌરાષ્ટ્રનો અત્યંત મહત્વનો ધોરી માર્ગ છે. જેના પર રોજિંદા હજારો વાહનો, ઔદ્યોગિક એકમો સાથે સંકળાયેલ પરિવહન, પ્રવાસન ક્ષેત્ર તેમજ સામાન્ય નાગરિકોની અવરજવર નિર્ભર છે. ટેન્ડરની મૂળ સમયમર્યાદા પૂર્ણ થયા બાદ વધારાનો સમય આપવામાં આવ્યો હોવા છતાં હાઇવેનું કાર્ય હજુ અધૂરું હોવાથી માર્ગ વપરાશકર્તાઓને સતત મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ચોમાસાની ઋતુ નજીક આવી રહી હોય ગત વર્ષના અનુભવના આધારે ટ્રાફિક જામ, રોડની ખરાબ સ્થિતિ તથા અકસ્માતોની શક્યતાઓને ધ્યાનમાં રાખીને પ્રિ-મોન્સૂન કામગીરી તાકીદે હાથ ધરવી જોઇએ.
હાઇ-વે પર તમામ વ્યવસ્થા કરી છે : કલેકટર
રાજકોટ કલેકટર ડૉ. ઓમ પ્રકાશે જણાવ્યું હતું કે, રાજકોટ – જેતપુર હાઈવે પર પ્રિ મોન્સૂન કામગીરીના ભાગરૂપે રોડના સમારકામની કામગીરી કરવામાં આવી રહી છે. વરસાદી પાણીનો યોગ્ય રીતે નિકાલ થાય તે માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ ઉપરાંત ટ્રાફિકને અડચણ ન આવે તે માટે ટ્રાફિક શાખા તેમજ નેશનલ હાઇવેના માણસોને રાખવામાં આવેલા છે. આ ઉપરાંત ગત વર્ષની જેમ વરસાદ દરમિયાન ક્રેનથી પાણીનો નિકાલ થશે. અત્યાર સુધીમાં હાઈવેની 70 ટકા જેટલી કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. કોરાટ ચોક પાસે થતી ટ્રાફિક્સ સમસ્યા દૂર કરવા માટે વધારાની લેન ઊભી કરવાનું આયોજન છે.


