રાજકોટ મનપામાં ૭૬ દિવસ બાદ સત્તાનો તાજ વિતરણ
લોબિંગ, ચર્ચા અને રાજકીય ગણિત વચ્ચે આખરે નેહલ શુકલ બન્યા રાજકોટના ૨૩મા મેયર
ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પીપળીયા, શાસક નેતા તરીકે હીરેન ખીમાણીયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની નિમણૂંક
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકામાં આખરે ૭૬ દિવસ સુધી ચાલેલા સસ્પેન્સનો અંત આવ્યો છે. લાંબા સમયથી અટવાયેલા પદાધિકારીઓના નામોને લઈને શહેરના રાજકીય વર્તુળોમાં ચાલી રહેલી અટકળો અને અંદરખાને ચાલતી જોરદાર લોબિંગ બાદ આજે સત્તાના શિખરે નવા ચહેરાઓની સત્તાવાર એન્ટ્રી થઈ હતી. રાજકોટને આજે ૨૩મા મેયર, ૩૫મા ડેપ્યુટી મેયર અને ૩૫મા સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન મળ્યા હતા.
રાજકોટ મહાનગરપાલિકાના ઇતિહાસમાં કદાચ આ પહેલીવાર એવું બન્યું છે કે પદાધિકારીઓની નિમણૂંક માટે આટલો લાંબો સમય લાગ્યો હોય. ૭૬ દિવસ સુધી સત્તા વિના પદાધિકારીઓનું અદૃશ્ય રાજ ચાલતું રહ્યું અને આખરે આજે ભાજપે સંગઠન, સમાજ અને રાજકીય સમીકરણોને સંતુલિત કરતાં નવા નામોની જાહેરાત કરી હતી.ભાજપે આજે જાહેર કરેલા નામોમાં પૂર્વ સાંસદ ચીમનભાઈ શુકલાના પુત્ર અને યુવા કોર્પોરેટર નેહલ શુકલાને રાજકોટના નવા મેયર તરીકે પસંદ કર્યા છે. જ્યારે ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન તરીકે પરેશ પીપળીયા, શાસક નેતા તરીકે હીરેન ખીમાણીયા અને દંડક તરીકે સંજયસિંહ રાણાની નિમણૂંક કરવામાં આવી હતી.
આ નિમણૂંક માત્ર પદોની વહેંચણી નહોતી, પરંતુ ભાજપની આંતરિક રાજનીતિ, સમાજ આધારિત લોબિંગ અને સંગઠનના ગણિત વચ્ચેની મોટી રાજકીય કસરત માનવામાં આવી રહી છે. છેલ્લા ઘણા દિવસોથી મેયર પદ માટે અનેક નામો ચર્ચામાં હતા. શહેરના અલગ અલગ સમાજો અને જૂથોએ પોતાના ઉમેદવાર માટે ભારે દબાણ બનાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ આખરે તમામ અટકળો પર વિરામ મૂકી નેહલ શુકલાના નામ પર મહોર મારવામાં આવી હતી.
ખાસ વાત એ રહી કે ચૂંટણી સમયે પણ નેહલ શુકલાએ છેલ્લી ક્ષણે રાજકીય બાજી મારી હતી. તે સમયે શૈલેષ જાનીની ટિકિટ કપાઈ હતી અને અંતિમ ઘડીએ નેહલ શુકલાને મેન્ડેટ મળ્યું હતું. હવે ફરી એકવાર છેલ્લી ક્ષણ સુધી ચાલી રહેલા રાજકીય સસ્પેન્સ વચ્ચે નેહલ શુકલાએ મેયર પદ મેળવતા રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યા છે. રાજકોટમાં મેયર પદ માટે પાટીદાર અને ક્ષત્રિય સમાજનું જોરદાર લોબિંગ ચાલતું હતું. બંને સમાજના આગેવાનો અને ચૂંટાયેલા પ્રતિનિધિઓએ પોતાની રીતે દબાણ ઊભું કર્યું હતું. છતાં ભાજપે અંતે સામાજિક સમીકરણોથી અલગ જઈ યુવા ચહેરા પર વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.
મહાનગરપાલિકાના ઇતિહાસમાં આ વખતની નિમણૂંક પ્રક્રિયા સૌથી વધુ ચર્ચાસ્પદ રહી હતી. સવારથી જ ભાજપ કાર્યાલય અને મનપા વર્તુળોમાં બેઠકોનો દોર શરૂ થયો હતો. બંધ બારણે સતત ચર્ચા-વિચારણા ચાલી રહી હતી. ધારાસભ્યો, શહેર પ્રમુખ અને સંગઠનના આગેવાનો વચ્ચે મેરેથોન બેઠક યોજાઈ હતી.
જાણવા મળતી વિગતો મુજબ સંકલન બેઠક દરમિયાન શહેર ભાજપ પ્રમુખ ડો. માધવ દવે, ધારાસભ્ય ડો. દર્શિતાબેન શાહ, ઉદય કાનગડ તથા મહામંત્રી વલ્લભભાઈ દુધાત્રા બેઠકમાંથી બહાર આવ્યા હતા અને અલગ ચેમ્બરમાં ફરી ચર્ચા શરૂ થઈ હતી. ધારાસભ્યો દ્વારા પોતાના વિસ્તાર અને સમાજના ઉમેદવારો માટે ભારે લોબિંગ કરવામાં આવ્યું હતું.
આ દરમિયાન લાંબા સમયથી રાજકીય રીતે નિષ્ક્રિય ગણાતા નીતિન ભારદ્વાજ પણ અચાનક સક્રિય દેખાયા હતા. પાર્ટીએ ચૂંટણી પહેલાં જ તેમને સક્રિય થવા સૂચના આપી હતી અને આજે તેઓ બેઠકમાં હાજર રહેતા રાજકીય ચર્ચાઓ વધુ ગરમાઈ હતી.
ભાજપે આ વખતે અનુભવીઓ સાથે યુવા શક્તિનો સમન્વય સાધવાનો પ્રયાસ કર્યો હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. નવી ટીમમાં યુવા કોર્પોરેટરોને મહત્વપૂર્ણ જવાબદારીઓ સોંપવામાં આવી છે. મનપાની પ્રથમ અઢી વર્ષની ટર્મ માટે તમામ પદાધિકારીઓ સર્વાનુમતે ચૂંટાયા હોવાનું જાહેર કરવામાં આવ્યું હતું.
નવા પદાધિકારીઓના નામ જાહેર થતા શહેર ભાજપમાં ક્યાંક ખુશીનો માહોલ જોવા મળ્યો હતો તો ક્યાંક નિરાશા પણ છવાઈ ગઈ હતી. કેટલાક દાવેદારો છેલ્લી ઘડીએ રેસમાંથી બહાર થઈ જતા તેમના સમર્થકોમાં ગમનો માહોલ જોવા મળ્યો હતો. તેમ છતાં સંગઠન દ્વારા “સબ રાજી તો હમ રાજી”ની લાઈન અપનાવી અંતે તમામને સાથે રાખવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજકોટ મનપામાં હવે નવી ટીમ સામે શહેરના વિકાસ, ટ્રાફિક, પાણી, સફાઈ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેવા અનેક મહત્વના પડકારો ઉભા છે. લાંબા સમય બાદ રચાયેલી આ નવી ટીમ શહેરની અપેક્ષાઓ પર કેટલી ખરી ઉતરે છે તે હવે આવનારો સમય નક્કી કરશે. પરંતુ હાલ તો શહેરની રાજનીતિમાં એક જ ચર્ચા છે, લાંબા સસ્પેન્સ બાદ આખરે રાજકોટને મળ્યું નવું રાજકીય નેતૃત્વ.
રાજકોટના નવા પદાધિકારીઓ
મેયર : નેહલ શુકલા
ડેપ્યુટી મેયર : દક્ષાબેન વસાણી
સ્ટેન્ડિંગ કમિટિ ચેરમેન : પરેશ પીપળીયા
શાસક નેતા : હીરેન ખીમાણીયા
દંડક : સંજયસિંહ રાણા
૭૬ દિવસ બાદ પદાધિકારીઓની જાહેરાત
રાજકોટ મનપાના ઇતિહાસમાં પહેલીવાર પદાધિકારીઓની નિમણૂંક માટે આટલો લાંબો વિલંબ થયો. ૭૬ દિવસ સુધી રાજકીય સસ્પેન્સ જળવાયું હતું.
નેહલ શુકલાએ ફરી મારી રાજકીય બાજી
ચૂંટણી વખતે છેલ્લી ક્ષણે મેન્ડેટ મેળવ્યા બાદ હવે મેયર પદની રેસમાં પણ નેહલ શુકલાએ તમામ અટકળોને પાછળ છોડી જીત મેળવી.
સમાજ આધારિત લોબિંગ ભારે રહ્યું
મેયર પદ માટે પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે ભારે લોબિંગ થયું હતું. અંતે ભાજપે યુવા ચહેરા પર વિશ્વાસ મૂક્યો.
બંધ બારણે મેરેથોન બેઠક
સવારથી ભાજપના આગેવાનો, ધારાસભ્યો અને સંગઠનના નેતાઓ વચ્ચે સતત બેઠકો અને ચર્ચાઓ ચાલી હતી.
નીતિન ભારદ્વાજની એન્ટ્રી ચર્ચામાં
લાંબા સમયથી નિષ્ક્રિય રહેલા નીતિન ભારદ્વાજ બેઠકમાં પહોંચતા રાજકીય વર્તુળોમાં નવી ચર્ચાઓ શરૂ થઈ હતી.
ભાજપનો યુવા કાર્ડ
આ વખતે ભાજપે અનુભવી નેતાઓ સાથે યુવા કોર્પોરેટરોને મહત્વના પદ આપીને નવી રાજકીય લાઈન સ્પષ્ટ કરી.
ક્યાંક ખુશી, ક્યાંક નિરાશા
નવા નામ જાહેર થતા કેટલાક સમર્થકોમાં ખુશીનો માહોલ રહ્યો તો કેટલાક દાવેદારોના સમર્થકોમાં નિરાશા જોવા મળી.
હવે નવી ટીમ સામે મોટા પડકાર
ટ્રાફિક, પાણી, રોડ, સફાઈ અને શહેર વિકાસ જેવા મુદ્દાઓ પર નવી ટીમની કામગીરી પર સૌની નજર રહેશે.
સબ રાજી તો હમ રાજી, નો ફોર્મ્યુલા
ભાજપે અંતિમ નિર્ણય બાદ તમામ નેતાઓ અને દાવેદારોને સાથે રાખવાનો પ્રયાસ કર્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
બ્રાહ્મણ ચહેરા પર ભાજપનો વિશ્વાસ
રાજકોટના 23મા મેયર તરીકે ડો. નેહલ શુક્લના નામની સત્તાવાર જાહેરાત થતા શહેર ભાજપમાં આનંદનો માહોલ છવાયો છે. છેલ્લી ઘડીએ શૈલેષ જાનીની ટિકિટ કાપીને પાર્ટીએ નેહલ શુક્લ પર વિશ્વાસ મૂક્યો હતો અને હવે તેઓ શહેરના પ્રથમ નાગરિક બન્યા છે. બ્રાહ્મણ સમાજમાંથી આવતા નેહલ શુક્લ મેયર બનતા રૂપાણી પરિવાર, શુક્લ પરિવાર અને નથવાણી પરિવારમાં હરખની લાગણી જોવા મળી રહી છે. ભાજપે શહેરના સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને યુવા અને શિક્ષિત ચહેરાને આગળ ધપાવ્યો હોવાનું રાજકીય વર્તુળોમાં ચર્ચાઈ રહ્યું છે.
સ્ટેન્ડિંગ ચેરમેન પદ લેઉઆ પાટીદાર સમાજને ફાળે
રાજકોટ મહાનગરપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પરેશ પીપળીયાના નામની જાહેરાત કરવામાં આવી છે. લેઉવા પાટીદાર સમાજમાંથી આવતા પરેશ પીપળીયા વોર્ડ નંબર 6માંથી ચૂંટાઈ આવ્યા હતા. સંગઠનમાં સક્રિય કામગીરી અને સંગઠન પ્રત્યેની વફાદારીને ધ્યાનમાં રાખીને પાર્ટીએ તેમને મહત્વપૂર્ણ જવાબદારી સોંપી છે. શહેરના વિકાસકાર્યોમાં સ્ટેન્ડિંગ કમિટી સૌથી મહત્વપૂર્ણ માનવામાં આવતી હોવાથી પરેશ પીપળીયાની પસંદગીને રાજકીય રીતે અગત્યની ગણવામાં આવી રહી છે. પાટીદાર સમાજને પ્રતિનિધિત્વ આપવાના ભાગરૂપે પણ આ નિમણૂકને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે.
આગામી ચૂંટણીને ધ્યાને રાખી લોહાણા સમાજને મનાવી લેવાયો
રાજકોટના ડેપ્યુટી મેયર તરીકે દક્ષાબેન વસાણીના નામની જાહેરાત કરવામાં આવી છે. લોહાણા સમાજમાંથી આવતા દક્ષાબેન વસાણીને મહત્વપૂર્ણ પદ આપીને ભાજપે સમાજમાં સંતુલન સાધવાનો પ્રયાસ કર્યો છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી દરમિયાન લોહાણા જ્ઞાતિના પુરુષોને ટિકિટ ન અપાતા અસંતોષ ઉભો થયો હતો. હવે 2027ની ચૂંટણીને ધ્યાનમાં રાખીને મહિલાને ડેપ્યુટી મેયર પદ આપીને પાર્ટીએ સમાજને સંદેશ આપ્યો હોવાનું માનવામાં આવે છે. દક્ષાબેન વસાણીની વરણી બાદ લોહાણા સમાજમાં પણ ખુશીની લાગણી જોવા મળી રહી છે.
સામાજિક સમીકરણો સાથે નવી ટીમ જાહેર
રાજકોટ મનપાની નવી ટીમ જાહેર કરતાં ભાજપે વિવિધ સમાજોને પ્રતિનિધિત્વ આપવાનો સ્પષ્ટ પ્રયાસ કર્યો છે. મેયર તરીકે બ્રાહ્મણ સમાજના ડો. નેહલ શુક્લ, સ્ટેન્ડિંગ ચેરમેન તરીકે લેઉવા પાટીદાર સમાજના પરેશ પીપળીયા અને ડેપ્યુટી મેયર તરીકે લોહાણા સમાજની દક્ષાબેન વસાણીની પસંદગી કરવામાં આવી છે. સાથે જ શાસક પક્ષના નેતા તરીકે ઓબીસી સમાજમાંથી આવતા હિરેન ખીમાણીયા અને દંડક તરીકે ક્ષત્રિય સમાજના સંજયસિંહ રાણાની જાહેરાત કરવામાં આવી છે. આગામી રાજકીય અને સામાજિક સમીકરણોને ધ્યાનમાં રાખીને ભાજપે સંતુલિત ટીમ ઉભી કરી હોવાનું માનવામાં આવી રહ્યું છે.


