રાજકોટના નવનિયુક્ત પદાધિકારીઓને સરસ્વતી શિશુમંદિર પરિવારે પાઠવી શુભેચ્છા
સરસ્વતી શિશુમંદિરના ટ્રસ્ટીઓએ મેયર, ડે. મેયર સહિતના પદાધિકારીઓ સાથે મનપા કચેરીએ મુલાકાત કરી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના નવનિયુક્ત મેયર નેહલભાઈ શુક્લ, ડેપ્યુટી મેયર દક્ષાબેન વસાણી, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન પરેશભાઈ પીપળીયા, શાસક પક્ષના નેતા હિરેનભાઈ ખીમાણીયા અને દંડક સંજયસિંહ રાણાએ પોતાનો પદભાર સંભાળતા જ શહેરની અગ્રણી શૈક્ષણિક સંસ્થા સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ સંચાલિત સરસ્વતી શિશુમંદિર ટ્રસ્ટ પરિવાર દ્વારા તમામ પદાધિકારીઓને મનપા કચેરીએ ઉત્સાહપૂર્વક આવકારીને ઉજ્જવળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી છે.
ટ્રસ્ટના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર અને મેનેજિંગ ટ્રસ્ટી ડૉ. બળવંતભાઈ જાનીએ પદાધિકારીઓની મુલાકાત દરમિયાન સંયુક્ત નિવેદનમાં જણાવ્યું છે કે, રાજકોટના વિકાસની ધૂરા સક્ષમ અને ઉર્જાવાન ટીમની લીડરશિપ હેઠળ આવી છે. નવનિયુક્ત ટીમ મહાનગરના નાગરિકોની સુખાકારી, પ્રાથમિક સુવિધાઓ અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ્સને વેગ આપી રાજકોટને વિકાસના એક નવા શિખરે લઈ જશે તેવો પૂર્ણ વિશ્વાસ છે. આ સાથે જ ટ્રસ્ટના અન્ય સભ્યો ખંતીલભાઈ મહેતા, રક્ષિતભાઈ પટેલ અને સમીરભાઈ પંડિત સહિતના તમામ ટ્રસ્ટી મંડળે નવા પદાધિકારીઓની મુલાકાત દરમિયાન પ્રગતિશીલ રાજકોટના નિર્માણમાં યશસ્વી બને તેવી મંગલ કામનાઓ વ્યક્ત કરી શુભેચ્છા પાઠવી હતી.


