રાજકોટ પીડીયુમાં દૈનિક 3૦૦૦થી વધારે દર્દીઓની આધુનિક સારવાર
હોસ્પિટલની વહિવટી કામગીરી અને કચેરીના અન્ય ખર્ચાઓ માટે રૂ.૧૮.૪૧ કરોડનું આયોજન : 3૬૫ દિવસમાં સંચાલન પાછળ રૂ.૧૭૧ કરોડનો ખર્ચ કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટની સરકારી હોસ્પિટલ સૌરાષ્ટ્ર અને કચ્છની સૌથી મોટી સંસ્થા છે. દૈનિક 3૦૦૦થી વધારે દર્દીઓ સારવાર લઇ રહ્યા છે. આધુનિક મશીનો અને સુવિધા વધતા દર્દીઓના વિશ્વાસમાં પણ વધારો થયો છે. મોટાભાગના ગંભીર બિમારીના દર્દીઓને અમદાવાદ સુધીના ધક્કામાંથી રાહત મળી છે. સુત્રોના જણાવ્યા મુજબ ૨૦૨૫-૨૬માં દર્દીઓની સારવાર પાછળ ૧૭૦ કરોડથી વધુનો ખર્ચ કરવામાં આવ્યો છે. ઉત્તમ સારવાર થકી દર્દીઓ સ્વસ્થ થઇ ગયા છે.
હોસ્પિટલના વહીવટી તંત્ર દ્વારા જાહેર કરાયેલા આંકડા મુજબ, વર્ષ 2025-26માં કાયમી કર્મચારીઓના પગાર પાછળ જ રૂ.89.09 કરોડ ફાળવવામાં આવ્યા છે. જો આઉટસોર્સિંગ સ્ટાફના પગારનો સમાવેશ કરવામાં આવે તો આ રકમ અંદાજે રૂ. 100 કરોડ સુધી પહોંચે છે. ઉપરાંત, હોસ્પિટલની વહીવટી કામગીરી અને કચેરીના અન્ય ખર્ચાઓ માટે 18.41 કરોડનું આયોજન કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના રોજિંદા સંચાલન માટે જરૂરી અન્ય સેવાઓ જેવી કે મટિરિયલ્સ સપ્લાય, દર્દીઓ માટેનો ખોરાક, અને ટેકનિકલ મેન્ટેનન્સ (AMC/CMC) પાછળ કુલ 63.60 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ રીતે છેલ્લા એક વર્ષમાં સિવિલ હોસ્પિટલનાં સંચાલન પાછળ કુલ રૂ. 171 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે. અહીં જટિલ ઓપરેશનો પણ સફળતાપૂર્વક થતા હોવાથી દર્દીઓને ખાનગી હોસ્પિટલોમાં લાખો રૂપિયાનો ખર્ચ કરવાથી રાહત મળી રહી છે. જેને લઈને ભૌતિક અને આંતરમાળખાકીય વિકાસ પાછળ થયેલું આ કરોડોનું રોકાણ છેવાડાના માનવી માટે આરોગ્ય કવચ પૂરું પાડી રહ્યું છે.


