રાજકોટ રેલવે ડિવીઝનના ત્રણ કર્મચારીઓનું મેન ઓફ મંથ સેફટી પુરસ્કારથી સન્માન
સજાગતાથી અકસ્માતો અટકતા રેલવે દ્વારા એવોર્ડ અપાયા : કર્મચારીઓમાં ઉત્સાહ છવાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
પશ્ચિમ રેલવેના જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ ફેબ્રુઆરી 2026 માટે વિવિધ ડિવિઝનના 14 કર્મચારીઓને પ્રતિષ્ઠિત “મેન ઓફ ધ મંથ” સેફ્ટી પુરસ્કારથી સન્માનિત કર્યા. આમાં રાજકોટ ડિવિઝનના ત્રણ કર્મચારીઓની પસંદગી થવી એ ડિવિઝન માટે ગૌરવની બાબત છે. આ સન્માન પશ્ચિમ રેલવે મુખ્યાલય, મુંબઈ ખાતે આયોજિત એક સમારોહમાં આપવામાં આવ્યું હતું. આ કર્મચારીઓને તેમની ઉત્કૃષ્ટ સતર્કતા, નિષ્ઠા અને ત્વરિત નિર્ણય લેવાની ક્ષમતા માટે સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમના પ્રયત્નોથી સંભવિત રેલ અકસ્માતો ટાળીને સુરક્ષિત રેલ સંચાલન સુનિશ્ચિત થયું છે.
રાજકોટ ડિવિઝનના સિનિયર ડિવિઝનલ કોમર્શિયલ મેનેજર સુનીલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર રવીન્દ્ર કુમાર ચૌધરી, ટ્રેક મેન્ટેનર ગ્રેડ-1 તારીખ 09 ફેબ્રુઆરી 2026 ના રોજ વગડિયા-થાન સેક્શનમાં કી-મેન તરીકે ડ્યુટી દરમિયાન OHE લોકેશન 672/5-7 પર નિરીક્ષણ કરતી વખતે અપ લાઇનના SEJ નંબર 1 ની ટંગ રેલમાં ફ્રેક્ચર જોવા મળ્યું હતું. તેમણે તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરી. ત્વરિત સમારકામ કાર્ય કરીને સવારે લગભગ 07:02 કલાકે ટ્રેકને સુરક્ષિત રીતે પુનઃસ્થાપિત કરવામાં આવ્યો હતો. આ દરમિયાન સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 10 કિમી પ્રતિ કલાકનો કોશન ઓર્ડર (ઝડપ મર્યાદા) લાગુ કરવામાં આવ્યો હતો.
મંગલ સિંહ મીણા, પોઈન્ટ્સમેન તારીખ 07 ફેબ્રુઆરી 2026 ના રોજ ભાસ્કરપારા સ્ટેશન પર ડ્યુટી દરમિયાન માલગાડીના પ્રસ્થાન સમયે એક વેગન (WR 42089861073 – BTPGLNE) માંથી અસામાન્ય તણખા અને બળવાની ગંધ જોવા મળી હતી. તત્પરતા દાખવીને તેમણે લાલ ઝંડો બતાવી ટ્રેનને રોકાવી હતી. તપાસમાં વેગનની ટ્રોલી જામ હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ વેગનને અલગ (આઈસોલેટ) કરી સુરક્ષિત સંચાલન સુનિશ્ચિત કરવામાં આવ્યું હતું.
કૃષ્ણ એ. બૈરવા, સ્ટેશન સુપરિન્ટેન્ડેન્ટ તારીખ 22 ફેબ્રુઆરી 2026 ના રોજ કેસરિયા રોડ સ્ટેશન પર ડ્યુટી દરમિયાન માલગાડીના નિરીક્ષણમાં એક વેગન (WCR 421613822 – BTPGLN) ની ટ્રોલીમાંથી તણખા નીકળતા જોયા હતા. તરત જ રેડ હેન્ડ સિગ્નલ બતાવી ટ્રેનને રોકવામાં આવી હતી. તપાસમાં બ્રેક બ્લોક ફસાયેલો જોવા મળ્યો હતો, જેમાં આગ લાગી હતી. ડ્યુટી પરના સ્ટાફ દ્વારા અગ્નિશામક યંત્રથી આગ ઓલવવામાં આવી હતી. ત્યારબાદ વેગનને અલગ કરી ટ્રેનને સુરક્ષિત રીતે રવાના કરવામાં આવી હતી. તેમની સતર્કતાથી એક સંભવિત મોટી દુર્ઘટના ટળી ગઈ હતી.
જનરલ મેનેજર રામાશ્રય પાંડેએ સન્માનિત કર્મચારીઓની પ્રશંસા કરતા જણાવ્યું હતું કે તેમની નિષ્ઠા, સતર્કતા અને ફરજ પ્રત્યેનું સમર્પણ સમગ્ર પશ્ચિમ રેલવે માટે પ્રેરણારૂપ છે.
રાજકોટ ડિવિઝનલ રેલવે મેનેજર ગિરિરાજ કુમાર મીનાએ પણ ત્રણેય કર્મચારીઓને અભિનંદન પાઠવી તેમના ઉત્કૃષ્ટ કાર્યની પ્રશંસા કરી હતી અને ભવિષ્યમાં પણ આવી જ રીતે સતર્કતાપૂર્વક કાર્ય કરવા માટે પ્રેરણા આપી હતી.
રાજકોટ ડિવિઝનને તેના આવા કર્તવ્યનિષ્ઠ અને સતર્ક કર્મચારીઓ પર ગર્વ છે, જેઓ પડકારજનક પરિસ્થિતિઓમાં પણ સમજદારી અને જવાબદારી સાથે કાર્ય કરીને રેલ સુરક્ષાને સર્વોચ્ચ અગ્રતા આપે છે.


