રાજકોટની ભાગોળે તંગી વચ્ચે દૈનિક ૫૦ હજાર લીટર પાણીની ચોરી
૨૨ જેટલા ગામોને પીવાનું પાણી પુરૂ પાડતી સૌની યોજનાની પાઇપલાઇનમાં ભંગાણ કરી બે વાલ્વ દ્વારા પાણી ચોરીનું કૌભાંડ : છ મહિનાથી ચાલતુ કારસ્તાન : પોલીસ ફરિયાદ અને દંડની વસુલાત
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) દ્વારા કાર્યરત બલ્ક વોટર સપ્લાય સ્કીમ હેઠળના 22 ગામો પૈકીના માલીયાસણ ગામને સપ્લાય થતા પીવાના પાણીમાં મોટું ગાબડું પાડતી સનસનાટીભરી ઘટના પ્રકાશમાં આવી છે.
અમદાવાદ બાયપાસ રોડ પર આવેલા રૂડાના સંપમાંથી માલિયાસણ ગામના સંપ સુધી જતી 300 ડાયલની ડી.આઈ. મુખ્ય પાઈપલાઈનમાં બે સ્થળોએ પંક્ચર પાડીને રોજેરોજ 50 હજાર લીટર પાણીની ચોરી કરવામાં આવતી હોવાનું ઝડપાયું છે.
સરપંચ અને ગ્રામજનોની વ્યાપક ફરિયાદો બાદ રૂડાની ટીમે 10 જૂન 2026 ના રોજ જેસીબી સાથે દરોડો પાડી ખોદકામ કરાવતા ગેરકાયદે કનેક્શનો પકડાઈ ગયા હતા. આ મામલે જવાબદાર ખેડૂત સામે પોલીસ ફરિયાદ અને ભારે દંડની વસૂલાત સહિતની કડક કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
માલિયાસણ ગામમાં પીવાના પાણીની અછત વર્તાતા અને અંદાજે 50 હજાર લીટર પાણી ઓછું મળતું હોવા અંગે માલિયાસણ ગ્રામ પંચાયત દ્વારા રૂડા કચેરીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. આ ગંભીર રજૂઆતના પગલે રૂડા કચેરીના પ્રોજેક્ટ મેનેજમેન્ટ યુનિટ સ્ટાફે સ્થળ ચકાસણી હાથ ધરી હતી.
અમદાવાદ બાયપાસ રોડ પર શંકાસ્પદ સ્થળોએ જેસીબી વડે ખોદકામ કરાવતા, ત્યાં સ્થાનિક ખેડૂત વાઘજીભાઈ બોરડ (રાઠોડ) દ્વારા 300 ડાયલની મુખ્ય પાઈપલાઈનમાંથી 63 એમ.એમ. ડાયલના બે મોટા પાઈપ જોડીને ગેરકાયદેસર રીતે કનેક્શન મેળવ્યા હોવાનું નજરે પડ્યું હતું. આ કનેક્શન સીધા ખેડૂતની વાડીના કૂવામાં જતા હતા. રૂડાના અધિકારીઓએ તાત્કાલિક અસરથી બંને કનેક્શન કાપી નાખ્યા છે.
મુખ્ય પાઈપલાઈન જેવી હાઈ-પ્રેશર લાઈનમાંથી કનેક્શન લેવું કોઈ જાણકાર વગર શક્ય નથી. આથી ખેડૂત વાઘજી રાઠોડની ધરપકડ બાદ, આ ગેરકાયદેસર જોડાણ કરી આપનાર પ્લમ્બરની શોધખોળ અને તપાસ શરૂ કરાશે. પ્લમ્બરે ક્યારે આ કનેક્શન કરી આપ્યું હતું, અને આ ચોરી કેટલા લાંબા સમયથી ચાલી રહી હતી તે તમામ દિશામાં પોલીસ આકરી પૂછપરછ હાથ ધરશે.
પાણી ચોરીથી ખેતરમાં ઉત્પાદન
રાજકોટ અને મોરબીમાં દૂધની ડેરી ધરાવતા સંપન્ન ખેડૂત વાઘજીભાઈ રાઠોડે સરકારી પાણીની ચોરી કરીને પોતાની 20 વીઘા જમીનમાં ખેતી ઊભી કરી દીધી હતી. જેમાંથી 15 વીઘા જમીનમાં મગફળીનું વાવેતર અને 5 વીઘામાં વ્યાપારી ધોરણે ફૂલની ખેતી કરવામાં આવતી હતી. રૂડા દ્વારા વહેલી સવારે જ્યારે ગામ માટે પાણી વિતરણ શરૂ કરાતું, ત્યારે જ આ ખેડૂત ગેરકાયદે પાઈપો ચાલુ કરી રોજના 50 હજાર લીટર કિંમતી પાણી પોતાના કૂવામાં ઠાલવી દેતો હતો.
પ્લાન્ટ અને ગામના મીટરમાં વિસંગતતા
માલિયાસણ ગામના મહિલા સરપંચના પતિ રાજેશભાઈ કીસલાએ જણાવ્યું હતું કે, રૂડાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાંથી પ્રતિદિન 5 લાખ લીટર પીવાનું પાણી સવારે છોડવામાં આવતું હતું. જોકે, પ્લાન્ટના મીટર અને ગામના સંપના મીટરના આંકડા ક્યારેય સરખા નહોતા આવતા. રોજ 5 લાખ લીટરને બદલે ગામના સંપમાં 4,50,000 લીટર પાણી જ પહોંચતું હતું. જેથી શંકા ઘેરી બની.


