રાજુલાના ખેરા ગામમાં પોલીસ પર હુમલો કરનાર ૯ આરોપીઓની ધરપકડ
આધેડને અપહરણમાંથી મુક્ત કરાવવા ગયેલી પોલીસ ટીમ પર થયો હતો હુમલો
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલીના રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ખેરા ગામમાં ગત ૧૫ જૂનના રોજ રાત્રે બનેલ એક ચોંકાવનારી ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ છે. પ્રેમ સંબંધની અદાવત રાખીને એક યુવતીના પરિવારજનોએ યુવકના પિતા દેવશીભાઈ ગુજરીયાનું અપહરણ કરી લીધું હતું. એટલું જ નહીં તેમને એક સ્થળે બંધક બનાવીને ઢોર માર મારવામાં આવી રહ્યો હતો. આ ઘટનાની જાણ થતાં જ પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનના પીએસઆઈ કે.ડી. હડિયા સહિતની પોલીસ ટીમ તાત્કાલિક એક્શનમાં આવી અને ઘટના સ્થળે દોડી ગઈ હતી. પોલીસ જ્યારે અપહરણના ભોગ બનેલા દેવશીભાઈને બચાવવાનો પ્રયાસ કરી રહી હતી ત્યારે કાયદાનો કોઈ ખોફ ન હોય તેમ ઉશ્કેરાયેલા શખ્સોએ પોલીસ ટીમ પર જ જીવલેણ હુમલો કર્યો હતો. આ હુમલામાં પીએસઆઈ કે.ડી. હડિયા સહિત ૩ પોલીસ કર્મચારીઓ ફરજ દરમિયાન ઘાયલ થયા હતા. અને તમામ ઘાયલ પોલીસકર્મીઓ અને યુવકના પિતાને તાત્કાલિક સારવાર અર્થે રાજુલાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પર હુમલો કરવો આ શખ્સોને ભારે પડ્યો છે. સમગ્ર ઘટના બે અલગ-અલગ વિસ્તારમાં ઘટી હોવાથી પીપાવાવ મરીન પોલીસ અને રાજુલા પોલીસ મથકમાં ફરજમાં રુકાવટ તેમજ અપહરણ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો. આ ઘટનાની ગંભીરતાને જોતા અમરેલી એસપી સંજય ખરાત અને ડીવાયએસપી નયના ગોરડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા અને હુમલો કરનાર ૯ આરોપીઓને મરીન પોલીસે દબોચી લીધા છે. અન્ય આરોપીઓને પકડી પાડવા માટે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. કાયદો હાથમાં લેનારા આ શખ્સો સામે હવે પોલીસે કડક કાર્યવાહી હાથ ધરી છે.


