રાજુલાના રામપરા-૨ ગામમાં છેલ્લા ૨૦ દિવસથી સિંહના આંટાફેરાથી ભય
પશુઓનું મારણ : સુરક્ષાવાળા કાર્યવાહી કરવા સરપંચનો વનમંત્રીને પત્ર
અગ્ર ગુજરાત, રાજુલા
અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના રામપરા-૨ ગામમાં છેલ્લા ૨૦ દિવસથી સિંહોની સતત અવરજવરને કારણે સ્થાનિક ગ્રામજનોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સિંહો દ્વારા ગામમાં અવારનવાર પશુઓનું મારણ કરવામાં આવી રહ્યું હોવાથી ખેડૂતો ચિંતિત બન્યા છે. આ ગંભીર પરિસ્થિતિ અંગે રામપરા ગામના સરપંચ સનાભાઇ વાઘ દ્વારા રાજ્યના વનમંત્રી અર્જૂન મોઢવાડિયાને લેખિત પત્ર પાઠવીને રજૂઆત કરવામાં આવી છે. સરપંચના જણાવ્યા અનુસાર, વનવિભાગ દ્વારા છેલ્લા ૨૦ દિવસથી સ્થાનિક ગ્રામ સેવકો (ટ્રેકર્સ)ને છૂટા કરી દેવામાં આવ્યા છે. જેના કારણે ગામમાં સિંહોની અવરજવર પર નજર રાખવાનું વ્યવસ્થાપન ખોરવાઈ ગયું છે. જ્યારે આ ગ્રામ સેવકો ફરજ પર હતા ત્યારે તેઓ સિંહોની હિલચાલ પર સતત નજર રાખતા હતા અને ગ્રામજનોને સાવચેત કરતા હતા. સરપંચ સનાભાઇ વાઘે વનમંત્રી સમક્ષ માંગ કરી છે કે વનવિભાગ દ્વારા વહેલામાં વહેલી તકે છૂટા કરાયેલા ગ્રામ સેવકોને ફરીથી ફરજ પર પરત લેવામાં આવે જેથી ગામ લોકોની સુરક્ષા સુનિશ્ચિત થઈ શકે છે.
આર.એફ.ઓ ડી.કે. મકવાણાએ જણાવ્યું કે, ફોરવે પર ટ્રેકરોની ખાસ જરૂરિયાત હતી. આથી બે ટ્રેકરોની ડ્યુટી ફોરવે પર બદલવામાં આવી હતી. રામપરા ગામના ગ્રામસેવકો ફોરવે પર ડ્યુટી માટે આવી શક્યા નહોતા જેથી તેઓ પોતાની મેળે સ્વેચ્છાએ છૂટા થયા છે. વનવિભાગે તેમને છૂટા કર્યા નથી. રામપરા ગામમાં દેખરેખ માટે હાલ બે વનવિભાગના બે ટ્રેકરો કાર્યરત છે તેઓને ફરજ તરીકે ગામની વધારાની ડ્યુટી આપવામાં આવી છે. જેમાં રામપરાના રેવન્યુ વિસ્તારના બે ટ્રેકરોને પોતાની રેવન્યુ ડ્યુટી સાથે જ ઉપરાંત ગ્રામ સેવકોની પણ વધારાની ડ્યુટી આપી છે. વનવિભાગ સ્ટાફ દ્વારા સિંહોની અવરજવર પર પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસકરીને રાજુલા રેન્જમાં સ્ટાફની અછત હોવાના લીધે ફોરવે પર ગ્રામ સેવકોની લેવાની ફરજ પડી છે. જોકે ફોરવે પર સ્ટાફની જગ્યાની ભરતી પૂર્ણ થઇ જાય તો સ્થાનિક ગ્રામસેવકોને ફરીથી ત્યાં ફરજ સોંપવામાં આવશે. ફોરવે પર સિંહોની અવરજવર વધુ રહેતી હોવાથી ટ્રેકરો સતત તેમની મૂવમેન્ટ પર નજર રાખી રહ્યા છે. ખાસ કરીને આગામી ચોમાસાની સીઝનમાં ફોરવે પર સિંહો આવી જતા હોય છે. વનવિભાગે જે ગ્રામસેવકોની ડ્યુટી ફોરવે પર ફાળવી છે જો તેઓ એક્સચેન્જ ડ્યુટી મુજબ ત્યાં આવવા માંગતા હોય તો આવી શકે છે. RFOએ વધુમાં ઉમેર્યું હતું કે, સિંહોની મૂવમેન્ટના આધારે જ ટ્રેકરોની કામગીરી અને સ્થળમાં ફેરફાર કરવામાં આવતા હોય છે.


