મધ્યપ્રદેશથી સૌરાષ્ટ્ર સુધી દેશી હથિયારોના નેટવર્ક પર પ્રહાર
રથયાત્રા પહેલાં રાજકોટમાં વેપન કાર્ટેલનો પર્દાફાશ: , 16 હથિયારો સાથે પાંચ શખ્સો ઝડપાયા
PCB નું મેગા ઓપરેશન; પાંચ આરોપીઓ પાસેથી 10 પિસ્ટલ, 5 તમંચા, 1 રિવોલ્વર અને 30 જીવતા કાર્ટીસ જપ્ત
અનેક ગંભીર ગુનાઓનો ઇતિહાસ ધરાવતા આરોપીઓ સામે આર્મ્સ એક્ટ હેઠળ કાર્યવાહી
અગ્ર ગુજરાત, રાજકોટ
અષાઢી બીજની રથયાત્રા પહેલાં શહેરમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેમજ કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે રાજકોટ શહેર પોલીસ દ્વારા ગેરકાયદેસર હથિયારો સામે ચલાવવામાં આવેલી ઝુંબેશમાં મોટી સફળતા મળી છે. રાજકોટ શહેર પી.સી.બી.એ મધ્યપ્રદેશથી રાજકોટ અને ત્યારબાદ સૌરાષ્ટ્રના વિવિધ વિસ્તારોમાં દેશી બનાવટના હથિયારોનું વેચાણ કરતી સક્રિય ‘વેપન કાર્ટેલ’નો પર્દાફાશ કરીને પાંચ શખ્સોને ઝડપી લીધા છે. તેમની પાસેથી કુલ 16 દેશી બનાવટના હથિયારો, 30 જીવતા કાર્ટીસ, ચાર મોબાઇલ ફોન સહિત રૂ. 2.03 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
રાજકોટ શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝાના માર્ગદર્શન અને સૂચના મુજબ પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલિયાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન પો.હેડ કોન્સ્ટેબલ કુલદીપસિંહ જાડેજા, વિજયભાઈ મેહતા અને પો.કોન્સ્ટેબલ યુવરાજસિંહ રાણાને ખાનગી બાતમી મળી હતી કે સકીલ સાદીક મન્સુરી (ઉં.વ. 38), રહે. મીરજાપુર ગામ, તા. મના, જી. ધાર (મધ્યપ્રદેશ) રાજકોટથી કુવાડવા તરફ જતા હાઇવે પર વાંકાનેર ચોકડી પાસે ગેરકાયદેસર હથિયારોની ડિલિવરી આપવા આવવાનો છે.
બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન સકીલ મન્સુરીને ઝડપી લેવામાં આવ્યો હતો. તેની સાથે જયસુખ ઉર્ફે જેસો વલ્લભભાઈ વાઘેલા (ઉં.વ. 35), રહે. બોઘરાવદર ગામ, તા. જસદણ, જી. રાજકોટ પણ ઝડપાયો હતો. બંને પાસેથી દેશી બનાવટના પાંચ હથિયારો અને 20 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા.
પૂછપરછ દરમિયાન સકીલે અગાઉ ચોટીલાના બે શખ્સોને પણ હથિયારો સપ્લાય કર્યા હોવાની કબૂલાત આપતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. જેના આધારે ગાવસ્કર ઉર્ફે દર્શન ચંદ્રમૌલિકભાઈ ઉર્ફે અનિલભાઈ રોજાસરા, રહે. રુદ્રભૂમિ શેરી નં. 1, મકાન નં. 3, ચોટીલા, જી. સુરેન્દ્રનગર, અનિલભાઈ વિરાભાઈ ખેતરીયા (ઉં.વ. 30), રહે. વૃંદાવન સોસાયટી, શેરી નં. 1, સપના હોટલ પાછળ, ચોટીલા, જી. સુરેન્દ્રનગર તેમજ પ્રદીપભાઈ અનકભાઈ કરપડા (ઉં.વ. 32), રહે. ગેલેક્સી સોસાયટી, સુર્યા વોટર પ્લાન્ટ પાસે, ચોટીલા, જી. સુરેન્દ્રનગર (મૂળ રહે. ચાંદ્રેલિયા, તા. થાન)ને પણ ઝડપી લેવામાં આવ્યા હતા.
પોલીસે તપાસ દરમિયાન અનિલ ખેતરીયા પાસેથી ત્રણ દેશી હથિયારો, ગાવસ્કર ઉર્ફે દર્શન પાસેથી પાંચ દેશી હથિયારો અને 10 જીવતા કાર્ટીસ તેમજ પ્રદીપ કરપડા પાસેથી ત્રણ દેશી હથિયારો કબજે કર્યા હતા. આમ પાંચેય આરોપીઓ પાસેથી કુલ 10 દેશી પિસ્ટલ, પાંચ દેશી તમંચા, એક દેશી રિવોલ્વર અને 30 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા. ઉપરાંત ચાર મોબાઇલ ફોન પણ જપ્ત કરવામાં આવ્યા હતા. સમગ્ર મુદ્દામાલની કિંમત રૂ. 2.03 લાખ હોવાનું પોલીસે જણાવ્યું છે.
તપાસમાં સામે આવ્યું છે કે ઝડપાયેલા આરોપીઓ પૈકી જયસુખ ઉર્ફે જેસો વાઘેલા ગુનાખોરીની દુનિયામાં જાણીતો છે. તેની સામે આર્મ્સ એક્ટ, હત્યાના પ્રયાસ, દારૂબંધી, મારામારી, અકસ્માત સહિતના નવ જેટલા ગુનાઓ રાજકોટ, બોટાદ, ઉમરાળા, ચોટીલા અને ડી.સી.બી. પોલીસ સ્ટેશનોમાં નોંધાયેલા છે.
તે જ રીતે ગાવસ્કર ઉર્ફે દર્શન રોજાસરા સામે શાપર-વેરાવળ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ અને ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં જી.પી. એક્ટ હેઠળ ગુનાઓ નોંધાયેલા છે. જ્યારે પ્રદીપ કરપડા સામે ચોટીલા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને જસદણ પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ હેઠળ અગાઉ ગુનાઓ નોંધાઈ ચૂક્યા હોવાનું તપાસમાં બહાર આવ્યું છે.
પોલીસના જણાવ્યા મુજબ, મધ્યપ્રદેશથી દેશી બનાવટના હથિયારો લાવી સૌરાષ્ટ્રમાં સપ્લાય કરવામાં આવતા હોવાની મહત્વની કડી હાથ લાગી છે. રથયાત્રા પહેલાં આ કાર્યવાહી થતાં શહેરમાં કોઈ અનિચ્છનીય ઘટના સર્જાય તે પહેલાં જ ગેરકાયદે હથિયારોના નેટવર્કને મોટો ફટકો પહોંચાડવામાં સફળતા મળી છે.
આ સમગ્ર કાર્યવાહી પી.સી.બી. પોલીસ ઇન્સ્પેક્ટર એમ.આર. ગોંડલિયા, પી.એસ.આઈ. પી.બી. ત્રાજીયા, આર.કે. જાડેજા, એ.એસ.આઈ. મથુરભાઈ પાલરિયા, સંતોષભાઈ મોરી, મહીપાલસિંહ ઝાલા, હરદેવસિંહ રાઠોડ, ઘનશ્યામસિંહ ચૌહાણ સહિત પી.સી.બી.ની ટીમે અંજામ આપી હતી. હાલ પોલીસે આ હથિયારોનો મૂળ સ્ત્રોત, અન્ય ગ્રાહકો અને સમગ્ર સપ્લાય ચેઇન અંગે વધુ તપાસ શરૂ કરી છે.


