સૌરાષ્ટ્ર ડ્રગ મેન્યુફેકચર્સ એસો.ની બેઠક યોજાઇ : વિવિધ મુદ્દે ચર્ચા
આજના ઉધોગકારો એ રેમ્બો ની જેમ કામ કરવું પડશે : મૌલેશભાઈ ઉકાણી
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર ડ્રગ્સ મેન્યુફેક્ચરર્સ એસોસિએશનની વાર્ષિક સામાન્ય સભા સફળતાપૂર્વક યોજાઈ હતી. સભામાં સૌરાષ્ટ્ર ના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગના વર્તમાન વિકાસ, ભવિષ્યની તકો અને આંતરરાષ્ટ્રીય ધોરણોને અનુરૂપ ઉત્પાદન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી.
એસોસિએશન સાથે એલોપેથીક દવાઓ, આયુર્વેદિક દવાઓ, હર્બલ ઉત્પાદનો, API અને ઇન્ટરમીડિયેટ ઉત્પાદકો તેમજ કોસ્મેટિક્સ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉત્પાદકો જોડાયેલા છે. છેલ્લા કેટલાક વર્ષોમાં આ વિસ્તારનો ફાર્માસ્યુટિકલ ઉદ્યોગ ગુણવત્તા, સંશોધન અને ઉત્પાદન ક્ષમતાના ક્ષેત્રે નોંધપાત્ર પ્રગતિ હાંસલ કરી રહ્યો છે.
એસોસિએશનના પ્રમુખ મૌલેશભાઈ ઉકાણીએ સભાને સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, ઉદ્યોગના વિકાસ અને આવનારા પડકારોનો સામનો કરવા માટે તમામ સભ્યોની એકજૂથતા ખૂબ જ અનિવાર્ય છે. આજના ઉદ્યોગકારો એ રેમ્બો ની જેમ કામ કરવું સામે આવી રહેલા પડકાર, મુશ્કેલીઓ સામે આક્રમક રીતે લડી ને લક્ષ્ય પ્રાપ્ત કરવું.રેમ્બો ફિલ્મ શ્રેણી ના મુખ્ય પાત્ર જે અડગ, હિંમતવાન અને કોઈપણ પરિસ્થિતિ માં ટકી રહેવા માટે જાણીતું છે, તેજ પ્રમાણે આજના ઉદ્યોગકારો એ સંગઠન કરી એકતા દર્શાવવી અને ઉદ્યોગો ને આગળ લઇ જવાનો છે.
ઉદ્યોગના અનુભવી અને વરિષ્ઠ ઉદ્યોગપતિઓના માર્ગદર્શન હેઠળ અનેક એકમોએ GMP, WHO-GMP તેમજ US FDA જેવા આંતરરાષ્ટ્રીય ગુણવત્તા ધોરણો પ્રાપ્ત કરીને દેશ-વિદેશના બજારોમાં પોતાની મજબૂત ઓળખ ઉભી કરી છે. આ સિદ્ધિઓના પરિણામે સૌરાષ્ટ્ર વિસ્તાર ફાર્માસ્યુટિકલ અને હેલ્થકેર ઉત્પાદનોના મહત્વપૂર્ણ ઉત્પાદન કેન્દ્ર તરીકે ઉભરી રહ્યો છે.
સભામાં ઉદ્યોગના સતત વિકાસ, નિકાસ વૃદ્ધિ, નવી ટેક્નોલોજીના ઉપયોગ, કુશળ માનવબળના વિકાસ તથા વૈશ્વિક બજારમાં સ્પર્ધાત્મકતા વધારવા માટે સંયુક્ત પ્રયાસો કરવાની જરૂરિયાત પર ભાર મૂકવામાં આવ્યો હતો. ગૌતમભાઈ મેહતા(ઉપપ્રમુખ) વિરેન્દ્રભાઈ કોઠારી (સેક્રેટરી) તથા રાજેશભાઈ મેહતા (ટ્રેઝરર)તરફથી સૌનો સાથ સહકાર માટે આભાર માનવામાં આવ્યો હતો.


