સૌરાષ્ટ્ર-કચ્છના જળાશયોમાં વિકટ સ્થિતિ, માત્ર 3૧.3૧ ટકા જથ્થો ઉપલબ્ધ
રાજયના ૧૧ ડેમમાં તળીયા દેખાવા લાગ્યા : જળસંકટ ચિંતાજનક સ્થિતિએ
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં ભીષણ ગરમી વચ્ચે લોકો હવે ચોમાસાના આગમનની કાગડોળે રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન રાજ્યના જળાશયોને લઈને એક ચિંતાજનક અહેવાલ સામે આવ્યો છે. ઉનાળાની આકરી ગરમીના કારણે ગુજરાતના ડેમોમાં પાણીનો સંગ્રહ નોંધપાત્ર રીતે ઘટ્યો છે. જો કે, હવામાન વિભાગ દ્વારા આ વર્ષે સારા ચોમાસાની આગાહી કરવામાં આવી હોવાથી વહીવટી તંત્ર અને નાગરિકોને આશા છે કે આગામી દિવસોમાં પાણીની કોઈ મોટી સમસ્યા સર્જાશે નહીં.
સરકારી આંકડાઓ અનુસાર, રાજ્યના કુલ 206 જળાશયોમાં હાલમાં સરેરાશ માત્ર 51% જળસ્તર નોંધાયું છે, જેમાંથી 111 જેટલા જળાશયોમાં તો પાણીનો સંગ્રહ 25% કરતા પણ ઓછો થઈ ગયો છે. જો અલગ-અલગ ઝોનની વાત કરીએ તો, ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 43.55%, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 53.12% અને દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 40.24% પાણી બચ્યું છે. સૌથી વધુ ચિંતાજનક સ્થિતિ કચ્છ અને સૌરાષ્ટ્રની છે, જ્યાં અનુક્રમે 20 જળાશયોમાં 29.39% અને 141 જળાશયોમાં માત્ર 31.31% જળસંગ્રહ રહ્યો છે.
આ કપરી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર નર્મદા ડેમ હજુ પણ રાહત આપી રહ્યો છે, જેમાં હાલમાં 68.01% જળસંગ્રહ ઉપલબ્ધ છે. જો આગામી દિવસોમાં વરસાદ વધુ ખેંચાશે, તો રાજ્યના કેટલાક ભાગોમાં જળસંકટ ઊભું થઈ શકે છે. પરંતુ હવામાન નિષ્ણાતોના મતે ચાલુ વર્ષે મેઘરાજા મન મૂકીને વરસવાના હોવાથી નદી-નાળા અને ડેમો ફરીથી છલકાઈ જશે, જેના કારણે લાંબા ગાળે પીવાના કે સિંચાઈના પાણીની કોઈ તકલીફ નહીં પડે.


