સ્વ.વિજયભાઈ રૂપાણીની પુણ્યતિથિ નિમિત્તે જૈન વિઝન દ્વારા સેવાકાર્યોની હારમાળા
ભજન, ભોજન, ભકિત જીવદયા, સેવા અને માનવતાલક્ષી કાર્યોની જાહેરાત
અગ્ર ગુજરાત, રાજકોટ
૧૨મી જુન ૨૦૨૫ના રોજ બનેલી એક વિમાની દુર્ઘટનામાં ગુજરાતે એક કુશળ વહીવટકર્તા,સ્વપ્નદ્રષ્ટા, પ્રભાવશાળી વ્યક્તિત્વના માલિક આધુનિક રાજકોટના શિલ્પી, સંવેદનશીલ નેતા અને સૌના હૃદયમાં સદૈવ અમર રહેનારા ગુજરાતના લોકપ્રિય અને પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને ખોયા હતા અને આગામી ૧૨મી જુને આ દુર્ઘટનાને એક વર્ષ થવા જઈ રહ્યું છે ત્યારે સામાજિક સંસ્થા જૈન વિઝન દ્વારા સ્વ. વિજયભાઈના સેવા કાયોનું સ્મરણ કરીને અનેક સેવા કાર્યોની જાહેરાત કરી છે. જૈન વિઝનનાં સંયોજક મિલન કોઠારીએ કહ્યુ હતું કે, ભજન, ભોજન, ભક્તિ, જીવદયા, સેવા અને માનવતાલક્ષી કાર્યો કરવામાં આવશે અને સ્વ. વિજયભાઈ તથા આ દુર્ઘટનામાં મૃત્યુ પામેલા અન્ય મૃતકોને શ્રધ્ધાંજલિ આપવામાં આવશે.
મિલન કોઠારીએ જણાવ્યુ છે કે, જૈન વિઝન દ્રારા 12/6 ના રોજ સૂર્યોદયથી સૂર્યાસ્ત સુધી અનેકવિધ સુકૃત કરી પ્લેન ક્રેશમા અવસાન પામેલા હ્રદયસ્થ સ્વ.વિજયભાઈ રૂપાણી સહિત દિવગંત આત્માઓને સાચા અર્થમાં સ્મરણાંજલિ પાઠવવામાં આવશે.. સવારે 8:00 થી 9:00 દરમિયાન રોયલ પાર્ક સ્થા.જૈન સંઘ,ઓમાનવાલા ઉપાશ્રય,સી એમ પૌષધ શાળા ખાતે ચતુર્વિધ સંઘની પ્રેરક ઉપસ્થિતિમાં નમસ્કાર મહામંત્રના જાપનુ આયોજન કરવામાં આવ્યુ છે. આ જાપ અને સાધના પૂર્ણ થયા બાદ પ્રભાવના પણ આપવામાં આવશે.
જૈન વિઝન મહિલા વીંગ દ્રારા અનુકંપા અને કરુણાના ભાવ સાથે રાજકોટ મહાજનશ્રીની પાંજરાપોળ ખાતે અબોલ જીવોને ૨૫૦ કીલો લાડવા તથા પારેવાને ચણ ૧૦૦ કિલો અર્પણ કરી જીવદયાનું કાર્ય કરવામાં આવશે.
આ ઉપરાંત પૂ.ધીર ગુરુદેવ દ્રારા નૂતનીકરણ કરવામાં આવેલ છે તે છગનલાલ શામજી વિરાણી મૂક- બુધિર શાળા સંસ્થાના દિવ્યાંગ બાળકોને જૈન વિઝન દ્વારા મિષ્ટ ભોજન કરાવવામાં આવશે તથા
પૂ.ગુરુદેવ નમ્રમુનિ મહારાજ સાહેબ પ્રેરિત રોટી અભિયાનમાં એક દિવસનો લાભ લઈ ઝૂપડપટ્ટી અને છેવાડાના લોકોને ભોજન કરાવવામાં જૈન વિઝન મદદરૂપ બનશે..
પૂ.ગુરુદેવ પારસ મુનિ મ.સા. પ્રેરિત જૈન ભોજનાલયમાં એક દિવસ દરેકને ભોજન કરાવવામાં આવશે. શ્રી રામચરિત ફાઉન્ડેશન ટ્રસ્ટમાં જરુરીયાતમંદ નિર્ધારિત લોકોને ભોજન તેમજ ટિફિન પાર્શલ પહોંચાડીને પુણ્ય ઉપાર્જન કાર્યમાં નિમિત્ત બનશે.
તેમણે ઉમેર્યું છે કે, બોલબાલા ટ્રસ્ટ દ્વારા ચાલી રહેલા અન્નપૂર્ણા રથમાં 12/6 ના રોજ દીન – દુ:ખીયા લોકોની જઠરાગ્નિ ઠારવામાં ટિમ જૈન વિઝન નિમિત્ત બનશે.
આમ, સ્વ. વિજયભાઈ અને અન્ય દિવંગતોના સ્મરણાર્થે જૈન વિઝન દ્વારા સેવા કાર્યોની હારમાળા રાખવામાં આવી છે અને આ રીતે તમામ મૃતાત્માઓને ભાવાંજલિ આપવામાં આવશે.


