રાજકોટ સહિત રાજયમાં આકરી ગરમીથી લૂ લાગવાના કેસમાં ૨૦ ટકાથી વધુનો વધારો
છેલ્લા એક પખવાડીયામાં ૧૧૬૭ કેસ નોંધાયા : ચાર દિવસમાં ઝડપી ઉછાળો આવ્યો : આરોગ્ય વિભાગ એકશનમાં
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ સહિત રાજયમાં છેલ્લા ઘણા સમયથી ગરમીનો પારો ૪૨ ડિગ્રી સુધી પહોંચી ગયો છે. કાળઝાળ ગરમીના કારણે લૂ લાગવાના બનાવોમાં વધારો થયો છે. રાજયમાં અત્યાર સુધીમાં ૧૧૦૦થી વધારે લોકોને અસર થતા સારવાર લેવાની ફરજ પડી છે. આકરા ઉનાળાના કારણે સરકારી હોસ્પિટલોમાં સ્પેશ્યલ વોર્ડ બનાવવામાં આવ્યા છે. વોર્ડમાં એસી, કુલર, પંખા સહિતની સુવિધા ઉભી કરવામાં આવી છે. રાજકોટ સહિત રાજયમાં લૂ લાગવાના કેસમાં ૨૦ ટકા ઉછાળો આવ્યો છે.
રાજ્યમાં હીટવેવની આગાહી વચ્ચે ગરમીનો પ્રભાવ સતત વધી રહ્યો છે, જેના કારણે સામાન્ય જનજીવન પર તેની સીધી અને ગંભીર અસર જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી તાપમાનમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે અને હીટસ્ટ્રોક તથા લૂ લાગવાના કેસોમાં નોંધપાત્ર ઉછાળો આવ્યો છે.
માહિતી મુજબ 108 ઈમરજન્સી સર્વિસ દ્વારા આપવામાં આવેલા આંકડાઓ અનુસાર છેલ્લા 21 દિવસમાં રાજ્યભરમાં લૂ લાગવાના કુલ 1167 કેસ નોંધાયા છે. તેમાં સૌથી વધુ કેસ અમદાવાદમાંથી 243 નોંધાયા છે, જે શહેરમાં વધતી ગરમીની ગંભીર સ્થિતિ દર્શાવે છે. છેલ્લા 4 દિવસમાં હીટસ્ટ્રોકના કેસોમાં પણ ઝડપથી વધારો થયો છે.
હવામાન વિભાગના નિષ્ણાતોના જણાવ્યા મુજબ આગામી દિવસોમાં પણ ગરમીનું પ્રમાણ ઊંચું રહેવાની શક્યતા છે, જેના કારણે હીટવેવની સ્થિતિ વધુ ગંભીર બની શકે છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આરોગ્ય વિભાગ અને તંત્ર દ્વારા નાગરિકોને બપોરના સમયે અનાવશ્યક બહાર ન નીકળવા, પૂરતું પાણી પીવા, હળવા કપડાં પહેરવા અને સીધી ધુપથી બચવા માટે અપીલ કરવામાં આવી છે.
નિષ્ણાતોનું માનવું છે કે યોગ્ય સાવચેતી રાખવામાં આવે તો લૂ અને હીટસ્ટ્રોક જેવી પરિસ્થિતિઓથી મોટા ભાગે બચી શકાય છે. છતાં, સતત વધતી ગરમીને કારણે તંત્ર પર પણ આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા દબાણ વધી રહ્યું છે.


