સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર લગાવ્યા બાદ અસંગત બિલિંગથી સ્થાનિકો ત્રાહિમામ
પીજીવીસીએલ કચેરીમાં ગ્રાહકોનો હલ્લાબોલ, લેખીતમાં કરાઇ રજૂઆત
અગ્ર ગુજરાત, સુરેન્દ્રનગર
સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં પીજીવીસીએલ દ્વારા લગાવવામાં આવી રહેલા નવા સ્માર્ટ વીજ મીટર સામે ગ્રાહકોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. સ્માર્ટ મીટર લાગ્યા બાદ અસંગત બિલિંગ અને ટેકનિકલ ખામીઓથી ત્રસ્ત બનેલા સ્થાનિક વીજ ગ્રાહકોએ આજે પીજીવીસીએલની વર્તુળ કચેરીના કાર્યપાલક ઈજનેરને લેખિતમાં એક ઉગ્ર અરજી સુપ્રત કરી છે.
ગ્રાહકોએ તમામ સ્માર્ટ મીટર તાત્કાલિક અસરથી દૂર કરી અગાઉના પરંપરાગત નિયમિત વીજ મીટર પુનઃ સ્થાપિત કરવાની મજબૂત માંગ ઉઠાવી છે. સુરેન્દ્રનગરમાં સ્માર્ટ મીટર નાંખવા અંગે આમ આદમી પાર્ટીના આગેવાનો અને વીજ ગ્રાહકો પીજીવીસીએલ કચેરી ધસી ગયા હતા. જ્યાં તેઓ દ્વારા કરવામાં આવેલી સામૂહિક રજૂઆતમાં સ્માર્ટ મીટરના કારણે ઊભી થતી ગંભીર સમસ્યાઓની પોલ ખોલવામાં આવી છે.
સુરેન્દ્રનગરના જાગૃત નાગરિકોએ પીજીવીસીએલ તંત્ર સમક્ષ સ્પષ્ટ માંગણીઓ મૂકી છે કે માત્ર સ્માર્ટ મીટર સંબંધિત વિવાદ અથવા બેલેન્સ પૂરું થવાના બહાને કોઈપણ ગ્રાહકનું વીજ કનેક્શન કાપવામાં ન આવે. ગ્રાહકોની વ્યાપક ફરિયાદોના નિવારણ માટે વહીવટી તંત્ર દ્વારા વિશેષ ન્યાયિક કેમ્પ અથવા જાહેર સુનાવણી લોક દરબાર યોજવામાં આવે. તંત્રને વહેલી તકે યોગ્ય નિર્ણય લેવા ચીમકી ઉચ્ચારી છે અન્યથા આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બને તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે.


