રાજકોટ જિલ્લામાં સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની યોજનાઓની સમીક્ષા કરતા કેન્દ્રીય મંત્રી
ગરીબ અને પછાત વર્ગના તમામ લાભાર્થીઓને મળવાપાત્ર યોજનાકીય લાભ મળે તે સુનિશ્ચિત કરવા માર્ગદર્શન
અગ્ર ગુજરાત, રાજકોટ
સમાજના તમામ વર્ગોના ઉત્કર્ષ માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સરકારે અનેકવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવી છે. જેનો લાભ તમામ લાભાર્થીઓ સુધી પહોંચે અને સમરસ સમાજ અને સશક્ત રાષ્ટ્રના નિર્માણમાં નાગરિકોની સહભાગિતા વધે તે માટે યોજનાઓનું સુચારુ અમલીકરણ કરવા સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગના કેન્દ્રીય રાજ્ય મંત્રી રામદાસ આઠવલેએ સુચન કર્યું હતું.
રાજકોટના સર્કિટ હાઉસ ખાતે આયોજિત સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગની સમીક્ષા બેઠકમાં કેન્દ્રિય મંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાના અમલીકરણની સરાહના કરતા જણાવ્યું હતું કે, ગરીબો, વંચિતો, વૃદ્ધ અને વિધવા મહિલાઓને સામાજિક અને આર્થિક સહયોગ પ્રાપ્ત થાય અને તમામ લોકો સમાજના મુખ્ય પ્રવાહમાં જોડાયેલા રહે, સમાન અધિકાર અને ન્યાય મળે તે માટેના સહિયારા પ્રયાસને વધુ સક્રિય બનાવવા મંત્રીએ ભાર મુક્યો હતો. આ તકે તેઓએ રાજ્ય સરકાર દ્વારા પણ અનેક યોજનાઓ અમલી હોવાનું જાણી આનંદની લાગણી વ્યક્ત કરી હતી.
બેઠકમાં કલેક્ટર ડો. ઓમ પ્રકાશ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગના આનંદબા ખાચરે કેન્દ્ર અને રાજ્ય સરકારની અનુસૂચિત જાતિ, વિકસતિ જાતિ, સમાજ કલ્યાણની વિવિધ યોજનાઓમાં છાત્રો માટે રહેણાંક, સ્કોલરશીપ, આંબેડકર આવાસ યોજના, કુંવરબાઇનું મામેરું, મરણોત્તર યોજના, ગ્રામ્યમાં ગેપ ફીલિંગ દૂર કરતી અભ્યુદમ યોજના, વયોશ્રી યોજના, દિવ્યાંગો માટે સાધન સહાય સહિતની યોજનાની અમલવારીની માહિતી પૂરી પાડી હતી.
રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરાએ મહાનગરપાલિકામાં અનુસુચિત જાતિના સફાઈ કર્મચારીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થા તેમજ પછાત વર્ગના કર્મચારીઓની સહભાગિતા અંગે પણ મંત્રીશ્રીને માહિતગાર કર્યા હતાં.
આ બેઠકમાં પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, જિલ્લા વિકાસ અધિકારી અનંદુ સુરેશ ગોવિંદ, જિલ્લા પોલીસ વડા વિજયસિંહ ગુર્જર, નિવાસી અધિક કલેક્ટર જયકુમાર બારોટ, વિકસતી જાતિ નાયબ નિયામક ડી.એસ. પીપળીયા, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી સર્વે સૈયદ, રાઠોડ સહીત વિવિધ વિભાગના વરિષ્ઠ અધિકારીઓ જોડાયા હતા.


