ગોંડલમાં તંત્રનું બુલડોઝર ફર્યું: પાંજરાપોળ પુલ નજીકના ગેરકાયદેસર બાંધકામો જમીનદોસ્ત
નવા બ્રિજના કામમાં નડતરરૂપ કાચા-પાકા મકાનો હટાવાયા; નોટિસ આપવા છતાં જગ્યા ખાલી ન કરાતા નગરપાલિકાએ લીધા કડક પગલાં
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલી નદી પર પાંજરાપોળ નજીક બની રહેલા નવા બ્રિજની કામગીરીને વેગ આપવા માટે નગરપાલિકા દ્વારા દબાણ હટાવો ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. બ્રિજના એપ્રોચ રોડના નિર્માણમાં અવરોધરૂપ બનતા ગેરકાયદેસર કાચા અને પાકા મકાનો પર તંત્રએ બુલડોઝર ફેરવી દઈને કરોડોની જગ્યા ખુલ્લી કરાવી છે.
નગરપાલિકાના ચીફ ઓફિસર એ.જે. વ્યાસની કડક સૂચના બાદ સેનિટેશન ઇન્સ્પેક્ટર કેતનભાઈ મકવાણા તેમની ટીમ અને જેસીબીના મોટા કાફલા સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તંત્રની અચાનક આવેલી ટીમે ગેરકાયદેસર રીતે ઊભા કરાયેલા તમામ બાંધકામોને તોડી પાડવાની કામગીરી શરૂ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા તંત્ર દ્વારા આશરે બે મહિના અગાઉ જ આ તમામ દબાણકર્તાઓને કાયદેસરની નોટિસ ફટકારવામાં આવી હતી. આ ઉપરાંત અધિકારીઓએ અનેકવાર રૂબરૂ આવીને સમજાવ્યા હોવા છતાં પણ ગેરકાયદેસર બાંધકામ ખાલી કરવામાં આવ્યું ન હતું. આખરે નગરપાલિકાએ આકરો મૂડ ધારણ કરી જેસીબીની મદદથી તમામ મકાનો ધરાશાયી કરી દીધા હતા.
“પાંજરાપોળ પાસે માર્ગ અને મકાન વિભાગ (R&B) દ્વારા જે નવો બ્રીજ બનાવવામાં આવી રહ્યો છે, તેમાં નડતરરૂપ બનતા કોમર્શિયલ અને નદીની અંદર આવેલા અન્ય પ્રકારના દબાણો આજે દૂર કરવામાં આવ્યા છે. R&B વિભાગ દ્વારા રોડની બંને સાઇડ જે એપ્રોચ રોડ બનાવવાનો છે તેના માટે આ કામગીરી અત્યંત જરૂરી હતી. હાલ બ્રિજના આશરે 70 મીટરની ત્રિજ્યામાં આવતા તમામ કાચા-પાકા મકાનો સંપૂર્ણપણે દૂર કરાયા છે. એપ્રોચ રોડનું કામ પૂરું થયા બાદ બાકી રહેતા અન્ય દબાણોને પણ તબક્કાવાર હટાવવામાં આવશે.”
નગરપાલિકાની આ આકરી અને મક્કમ કાર્યવાહીને પગલે ગોંડલ શહેરમાં ગેરકાયદેસર દબાણ કરનારા તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. તંત્રના જણાવ્યા અનુસાર, આગામી દિવસોમાં પણ ગેરકાયદેસર દબાણો સામે આ ઝુંબેશ આ જ રીતે ચાલુ રાખવામાં આવશે.


