ધોરાજીમાં બે મોટરસાયકલ ચોરી કરનાર આરોપી ઝડપાયો
ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ગેરેજ કામદારની ધરપકડ, ચોરાયેલી બંને બાઈક કબજે કરાઇ
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી તાલુકા પોલીસને વાહન ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલવામાં વધુ એક મહત્વની સફળતા મળી છે. ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશન તથા ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં નોંધાયેલા બે અલગ-અલગ મોટરસાયકલ ચોરીના ગુનાઓનો ભેદ ઉકેલી પોલીસે એક આરોપીને ઝડપી પાડી તેની પાસેથી ચોરાયેલી બંને મોટરસાયકલો કબજે કરી છે.
પોલીસ તપાસ દરમિયાન જાણવા મળ્યું હતું કે 10 જુલાઈ, 2026ના રોજ ધોરાજી તાલુકાના સુપેડી ગામે ઉમા પાન સેન્ટર પાસે પાર્ક કરાયેલી હીરો સાઇન મોટરસાયકલ (રજી. નં. GJ-03-FR-8523) કિંમત રૂ. 30 હજારની કોઈ અજાણ્યો શખ્સ ચોરી કરી ફરાર થયો હતો. આ અંગે ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનમાં BNS કલમ 303(2) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો હતો.
તે જ દિવસે ગોંડલ તાલુકાના ત્રાકુડા ગામે ફરિયાદીના ઘર પાસે પાર્ક કરાયેલી હીરો સ્પ્લેન્ડર પ્લસ મોટરસાયકલ (રજી. નં. GJ03AS3716) કિંમત રૂ. 15 હજારની પણ અજાણ્યા શખ્સે ચોરી કરી હતી. આ અંગે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનમાં પણ BNS કલમ 303 હેઠળ ગુનો નોંધાયો હતો.
તપાસ દરમિયાન પોલીસે બંને ગુનાઓનો ભેદ ઉકેલી નજીરહુશૈન સુલતાનમીયા કાદરી (ઉંમર 20 વર્ષ), રહે. વેલારીયા, તા. ધોરાજી, જી. રાજકોટ, જે વ્યવસાયે ગેરેજ કામદાર છે, તેને ઝડપી પાડ્યો હતો. આરોપીની પૂછપરછ દરમિયાન બંને ચોરાયેલી મોટરસાયકલો કબજે લેવામાં આવી હતી.
આ સમગ્ર કામગીરી ધોરાજી તાલુકા પોલીસ સ્ટેશનના PI ડો. એમ. એમ. ઠાકોરના માર્ગદર્શન હેઠળ UHC દિવ્યરાજસિંહ પઢીયાર, HC જગદીશભાઈ સુવાણ, HC કેવિનભાઈ બોરખતરીયા, PC સંજયભાઈ મકવાણા તથા PC વાઘાભાઈ મોરી દ્વારા સફળતાપૂર્વક પાર પાડવામાં આવી હતી.


