જામનગરમાં બે નવી શાખાનો પ્રારંભ કરતી બેંક ઓફ ઈન્ડિયા
રાજકોટ ઝોનના વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતી
અગ્ર ગુજરાત, રાજકોટ
ગ્રાહક કેન્દ્રિત બેંકિંગ સેવાઓના વિસ્તરણ અને ગુજરાતમાં પોતાની હાજરીને વધુ મજબૂત બનાવવાના સંકલ્પ સાથે બેંક ઓફ ઇન્ડિયાએ જામનગર ખાતે સમર્પણ સર્કલ અને રણજીત સાગર રોડ ખાતે બે નવી શાખાઓનું ઉદ્ઘાટન કર્યું.
બંને શાખાઓના ઉદ્ઘાટન સમારોહમાં અજય કુમાર ત્રિપાઠી, ફીલ્ડ જનરલ મેનેજર, એફજીએમઓ અમદાવાદ મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા.
સમર્પણ સર્કલ શાખાના ઉદ્ઘાટન પ્રસંગે હર્ષવદનસિંહ ઝાલા, રજિસ્ટ્રાર, ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી તથા કનુભાઈ કોટક, જાણીતા ઉદ્યોગપતિ વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બેંક ઓફ ઇન્ડિયાના આધુનિક બેંકિંગ સુવિધાઓને ગ્રાહકો સુધી પહોંચાડવા અને નાણાકીય સમાવેશને પ્રોત્સાહન આપવાના પ્રયાસોની પ્રશંસા કરી હતી.
રણજીત સાગર રોડ શાખાના ઉદ્ઘાટન પ્રસંગે ડૉ. તનુજા નેસારી, ડિરેકટર, આઈટીઆરએ જામનગર તથા મહંત દેવ પ્રસાદજી મહારાજ, આનંદબાવા સેવા સંસ્થા, જામનગર વિશિષ્ટ અતિથિ તરીકે ઉપસ્થિત રહ્યા હતા. તેમણે બેંક ઓફ ઇન્ડિયાને આર્થિક વિકાસ અને સર્વસામાન્ય લોકો સુધી બેંકિંગ સેવાઓ પહોંચાડવાના તેના સતત યોગદાન બદલ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે સંતોષ કુમાર સિંહ, ઝોનલ મેનેજર, રાજકોટ ઝોન અને પારસનાથ પાંડે, ઉપ આંચલિક પ્રબંધક, રાજકોટ ઝોન સહિત બેંકના વરિષ્ઠ અધિકારીઓ, પ્રતિષ્ઠિત ગ્રાહકો, સ્થાનિક આગેવાનો, વેપારીઓ અને જામનગરના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
આ નવી શાખાઓના પ્રારંભ સાથે બેંક ઓફ ઇન્ડિયા નાણાકીય સશક્તિકરણ, સર્વસમાવેશક વિકાસ અને ઉત્તમ બેંકિંગ સેવાઓ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાવે છે તથા પ્રદેશના આર્થિક વિકાસમાં પોતાનું યોગદાન આગળ પણ ચાલુ રાખશે.


