‘યુનિવર્સલ એફિડેવિટ’ અમલમાં મૂકવાના લેવાયેલા નિર્ણયને આવકારતા ધારાસભ્ય ઉદય કાનગડ
યુનિવર્સલ એફિડેવિટથી સેવાઓ વધુ સરળ અને પારદર્શક બનશે : ધારાસભ્ય
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં એક જ ‘યુનિવર્સલ એફિડેવિટ’ અમલમાં મૂકવાનો લેવાયેલો નિર્ણય નાગરિક સુવિધા અને સુશાસનની દિશામાં એક મહત્વપૂર્ણ અને આવકારદાયક પગલું હોવાનું ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું છે.
વધુમાં કાનગડે જણાવ્યું હતું કે અત્યાર સુધી વિવિધ સરકારી સેવાઓ માટે અલગ-અલગ પ્રકારના એફિડેવિટની જરૂરિયાતને કારણે સામાન્ય નાગરિકોને સમય ખર્ચ અને પ્રક્રિયાગત મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. હવે કાયદા વિભાગ દ્વારા જાહેર કરાયેલા એક જ સત્તાવાર ફોર્મેટના યુનિવર્સલ એફિડેવિટને સમગ્ર ગુજરાતની જિલ્લા, તાલુકા ગ્રામ્ય તથા શહેરી કક્ષાની તમામ સરકારી કચેરીઓ, જન સેવા કેન્દ્રો અને સત્તાધિકારીઓ દ્વારા ફરજિયાત સ્વીકારવામાં આવશે, જેનાથી નાગરિકોને મોટી રાહત મળશે.
તેમણે વધુમાં જણાવ્યું કે ડિજિટલ ગુજરાત પોર્ટલ અને જન સેવા કેન્દ્રો ખાતે પણ આ વ્યવસ્થાનો સમાન અમલ થવાથી ઓનલાઈન અરજદારો માટે પ્રક્રિયા વધુ સરળ, ઝડપી અને પારદર્શક બનશે. રાજ્ય સરકારનો આ નિર્ણય “સરળ વહીવટ – સુલભ સેવા”ના અભિગમને વધુ મજબૂત બનાવે છે.
ધારાસભ્ય ઉદય કાનગડે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કાયદા વિભાગનો આ લોકહિતલક્ષી નિર્ણય બદલ આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે, ભાજપ સરકાર સતત નાગરિકોને કેન્દ્રમાં રાખીને વહીવટી સુધારાઓ કરી રહી છે જેના પરિણામે સામાન્ય જનતાને સીધો લાભ મળી રહ્યો છે.
તેમણે એ બાબતનું પણ સ્વાગત કર્યું કે જ્યાં કાયદાકીય રીતે એફિડેવિટની જરૂરિયાત નિર્ધારિત કરવામાં આવી નથી તેવી સેવાઓમાં અગાઉની જેમ માત્ર સ્વઘોષણાની સરળ પ્રક્રિયા જ ચાલુ રાખવામાં આવી છે. આથી નાગરિકો પર બિનજરૂરી પ્રક્રિયાનો બોજો નહીં વધે અને સેવાઓ વધુ સરળતાથી ઉપલબ્ધ બનશે.
અંતમાં ધારાસભ્ય ઉદય કાનગડે જણાવ્યું હતું કે રાજ્ય સરકારનો આ નિર્ણય નાગરિકમૈત્રી વહીવટ, પારદર્શિતા અને ડિજિટલ ગવર્નન્સને નવી દિશા આપનાર સાબિત થશે.


