ઉપલેટામાં ૧૫ લાખના ચેક રિટર્ન કેસમાં ગોંડલના શખ્સને ૨ વર્ષની કેદ
ત્રણ અલગ-અલગ કેસમાં દોષિત ઠેરવી ૧૫ લાખનું વળતર ચૂકવવા કોર્ટનો આદેશ
અગ્ર ગુજરાત, ઉપલેટા
ઉપલેટાના જ્યુડિશિયલ મૅજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસની કોર્ટે ચેક રિટર્ન (બાઉન્સ) ના ત્રણ અલગ-અલગ કેસમાં ગોંડલના એક શખ્સને કસૂરવાર ઠેરવી આકરી સજા ફટકારી છે. કેસની વિગત મુજબ, ઉપલેટાના ફરિયાદી સુરેશભાઇ ગોરધનભાઇ સોજીત્રાએ ગોંડલના રહેવાસી ચીરાગભાઇ વ્રજલાલ લક્કડને RTGS મારફતે કુલ રૂ. ૧૫,૦૦,૦૦૦/- ટ્રાન્સફર કરી આપ્યા હતા. આ રકમ ચૂકવવા માટે આરોપીએ HDFC બેન્ક, ગોંડલ શાખાના રૂ. ૫,૦૦,૦૦૦/- ના ત્રણ અલગ-અલગ ચેક (ચેક નં. ૦૦૦૦૬૮, ૦૦૦૦૬૯ અને ૦૦૦૦૭૦) ફરિયાદીને આપ્યા હતા. ફરિયાદીએ આ ચેક બેન્કમાં જમા કરાવતા તે “અપુરતુ ભંડોળ” ના શેરા સાથે પરત ફર્યા હતા.
આ કેસમાં ફરિયાદપક્ષ તરફથી વિદ્વાન વકીલ જે.ડી.ચંદ્રવાડીયાએ રોકાઈને રજૂઆતો કરી હતી. વકીલ મારફતે નોટિસ મોકલવા છતાં નિયત સમયમાં રકમ ન ચૂકવતા, ફરિયાદીએ નેગોશિયેબલ ઈન્સ્ટ્રુમેન્ટ એક્ટની કલમ-૧૩૮ હેઠળ ઉપલેટા કોર્ટમાં ત્રણ અલગ ફોજદારી કેસ દાખલ કર્યા હતા. કેસની સુનાવણી દરમિયાન આરોપી કોર્ટમાં સતત ગેરહાજર રહ્યો હતો અને વોરન્ટ કાઢવા છતાં હાજર થયો ન હતો.
કોર્ટે તમામ દસ્તાવેજી અને મૌખિક પુરાવાઓ ધ્યાને લઈ તારીખ ૨૩/૦૪/૨૦૨૬ ના રોજ મહત્વનો ચુકાદો આપ્યો હતો. ન્યાયાધીશ દેવલ યજ્ઞેશ્વર પટેલે ત્રણેય કેસમાં આરોપી ચીરાગભાઈ લક્કડને દોષિત ઠેરવી પ્રત્યેક કેસમાં ૦૨ (બે) વર્ષની સાદી કેદની સજા ફટકારી છે. આ ઉપરાંત, દરેક કેસમાં રૂ. ૫ લાખ લેખે કુલ રૂ. ૧૫ લાખનો દંડ ફટકાર્યો છે, જે રકમ ફરિયાદીને વળતર રૂપે ચૂકવી આપવા આદેશ કરવામાં આવ્યો છે. આરોપી ચુકાદા સમયે ગેરહાજર હોવાથી તેની વિરુદ્ધ ફરતું નોન-બેઈલેબલ વોરંટ (પકડ વોરંટ) ઈસ્યુ કરવાનો પણ હુકમ કરવામાં આવ્યો છે.


