મતદાતાઓ, કર્મઠ કાર્યકર્તાઓ અને સમર્થકોનો જાહેર આભાર વ્યક્ત કરતાં ધારાસભ્ય ઉદય કાનગડ
ભાજપની ભવ્ય જીત જનતાના વિશ્વાસ અને વિકાસના માર્ગ પર ચાલવાની પ્રતિબદ્ધતાનું પ્રતિબિંબ છે : કાનગડ
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ભવ્ય વિજય બદલ તમામ મતદાતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોનો જાહેર આભાર વ્યક્ત કરતાં ધારાસભ્ય ઉદય કાનગડએ જણાવ્યું હતું કે સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ નોંધાવ્યો ભવ્ય અને ઐતિહાસિક વિજય માત્ર આંકડાઓનો ખેલ નથી, પરંતુ તે જનવિશ્વાસની ઊંડી છાપ છે. શહેરના ૧ થી ૧૮ વોર્ડની કુલ ૭૨ બેઠકોમાંથી ભાજપે ૬૫ બેઠકો પર વિજય મેળવી પ્રચંડ બહુમતી સાથે રાજકીય દિશાને નવી દિશા આપી છે. રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય અને ઐતિહાસિક જીત મેળવીને એકવાર ફરી સાબિત કર્યું છે કે જનતા વિકાસ, પારદર્શિતા અને મજબૂત નેતૃત્વ પર વિશ્વાસ મૂકે છે. શહેરના દરેક ખૂણામાં કમળ ખીલી ઊઠ્યું છે અને આ વિજય માત્ર મતગણતરીનો આંકડો નથી, પણ લોકોના આશીર્વાદ અને અપેક્ષાઓનું પ્રતિબિંબ છે.
આ ઐતિહાસિક પ્રસંગે ધારાસભ્ય ઉદય કાનગડ દ્વારા તમામ મતદાતાઓ, કાર્યકર્તાઓ અને સમર્થકોનો દિલથી આભાર વ્યક્ત કરવામાં આવ્યો. તેમણે ખાસ કરીને યુવા શક્તિ, મહિલાઓ અને પ્રથમવાર મતદાન કરનારાઓના ઉત્સાહને બિરદાવ્યો , જેમણે લોકશાહીનો પર્વ ઉમંગભેર ઉજવ્યો.
આ જીત પાછળ પાર્ટીના બૂથ લેવલથી શહેર સ્તર સુધીના કાર્યકર્તાઓની અથાગ મહેનત, નિષ્ઠા અને સંગઠનની મજબૂત રચના મુખ્ય આધારસ્તંભ બની છે. દિવસ-રાતની મહેનત અને એકતાએ આ વિજયને શક્ય બનાવ્યો છે.
વિજયી બનેલા તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવતા ધારાસભ્ય ઉદય કાનગડએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે, તેઓ નગરસેવક તરીકે પોતાના વોર્ડમાં વિકાસકાર્યોને નવી ગતિ આપશે અને જનતાના વિશ્વાસને અડગ રાખશે. વધુ સુવિધાસભર, આધુનિક અને વ્યવસ્થિત રાજકોટ માટે ભાજપની ટીમ સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.


