અમદાવાદ એરક્રેશ: એક વર્ષ બાદ થશે સસ્પેન્સનો અંત?
બ્લેક બોક્સ શું કહે છે? કાલે ખુલશે 260 મોતનું રહસ્ય
ફ્યુઅલ સ્વીચ બંધ થવાથી એન્જિન બંધ થયા કે ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ખામી બની કારણ?
કાળજુ કંપાવી દેનારી દુર્ઘટનાના સત્ય પરથી આવતીકાલે પડદો ઉઠે તેવી શક્યતા
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદમાં 12 જૂન, 2025ના રોજ સર્જાયેલી એર ઈન્ડિયાની ભયાનક વિમાન દુર્ઘટનાના એક વર્ષ પૂર્ણ થવા સાથે હવે તેની તપાસનો મહત્વપૂર્ણ રિપોર્ટ આવતીકાલે જાહેર થવાની સંભાવના છે. આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 260 લોકોએ જીવ ગુમાવ્યો હતો. દેશના નાગરિક ઉડ્ડયન ઇતિહાસની સૌથી ગંભીર દુર્ઘટનાઓમાં સામેલ આ ઘટનાના કારણોને લઈને છેલ્લા એક વર્ષથી અનેક અટકળો અને ચર્ચાઓ ચાલી રહી છે.
દુર્ઘટનાની તપાસ એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (AAIB) દ્વારા કરવામાં આવી રહી છે. આંતરરાષ્ટ્રીય નાગરિક ઉડ્ડયન સંગઠન (ICAO)ના એનેક્સ-13 મુજબ કોઈપણ વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ એક વર્ષની અંદર જાહેર કરવો ફરજિયાત હોય છે. તેથી આવતીકાલે વચગાળાનો અથવા અંતિમ રિપોર્ટ જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું હતું કે વિમાનના બંને ફ્યુઅલ કટ-ઓફ સ્વીચ ‘રન’ સ્થિતિમાંથી ‘કટ-ઓફ’ સ્થિતિમાં પહોંચી ગયા હતા. તેના કારણે બંને એન્જિનને ઇંધણનો પુરવઠો બંધ થઈ ગયો અને ઉડાન ભર્યાના થોડા જ સમયમાં વિમાન નિયંત્રણ ગુમાવી જમીન પર તૂટી પડ્યું હતું. જોકે સૌથી મોટો સવાલ એ છે કે આ સ્વીચ માનવ ભૂલના કારણે બંધ થઈ હતી કે કોઈ ટેકનિકલ ખામીના કારણે?
પ્રાથમિક રિપોર્ટમાં કોકપિટમાં રહેલા બંને પાયલોટ વચ્ચે થયેલી વાતચીતનો એક મહત્વપૂર્ણ અંશ પણ જાહેર કરાયો હતો. જેમાં એક પાયલોટે બીજા પાયલોટને પૂછ્યું હતું કે તમે ફ્યુઅલ સ્વીચ કેમ બંધ કરી?, ત્યારે સામે જવાબ મળ્યો હતો કે મેં સ્વીચ બંધ કરી નથી. આ સંવાદ બાદ અનેક નવા પ્રશ્નો ઊભા થયા હતા. નિષ્ણાતોનું માનવું છે કે વિમાનમાં ફ્યુઅલ સ્વીચ બંધ થાય તે પહેલાં જ રેમ એર ટર્બાઇન (RAT) સક્રિય થઈ ગઈ હતી. સામાન્ય રીતે આ સિસ્ટમ ત્યારે કાર્યરત થાય છે જ્યારે વિમાનની મુખ્ય વીજ પુરવઠા વ્યવસ્થા નિષ્ફળ જાય. તેથી એવી પણ શક્યતા વ્યક્ત થઈ રહી છે કે વિમાનની ઇલેક્ટ્રિકલ સિસ્ટમમાં કોઈ ગંભીર ખામી સર્જાઈ હોય, જેના કારણે અન્ય સિસ્ટમો પણ પ્રભાવિત થઈ હોય.
તપાસમાં એ પણ સામે આવ્યું હતું કે ઉડાન પહેલાં અને દરમિયાન વિમાનની કેટલીક લાઈટો અનિયમિત રીતે ચાલુ-બંધ થતી હતી. આ બાબત પણ ઇલેક્ટ્રિકલ સિસ્ટમની ખામી તરફ ઈશારો કરતી હોવાનું નિષ્ણાતો માને છે. જો આવું સાબિત થાય તો દુર્ઘટનાનું કારણ માત્ર પાયલોટની ભૂલ નહીં પરંતુ ટેકનિકલ નિષ્ફળતા પણ હોઈ શકે છે.
આ સમગ્ર ઘટનાની ચાવી બ્લેક બોક્સના ડેટામાં સમાયેલી છે. વિમાનના આગળના ભાગમાંથી મળેલા ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરની માહિતી તપાસ માટે મહત્વપૂર્ણ બની છે. જોકે વિમાનની પૂંછડીમાં રહેલું બીજું બ્લેક બોક્સ આગ અને વિસ્ફોટના કારણે ગંભીર રીતે નુકસાન પામ્યું હોવાથી તેનો સંપૂર્ણ ડેટા મેળવવામાં મુશ્કેલી પડી રહી છે.
દુર્ઘટના સમયે હજારો લિટર ઇંધણના વિસ્ફોટથી ભીષણ આગ લાગી હતી, જેના કારણે અનેક પુરાવાઓ નષ્ટ થયા હતા. ઉપરાંત ઇમરજન્સી લોકેટર ટ્રાન્સમીટર પણ સક્રિય ન થયું હોવાનું સામે આવ્યું છે. વિમાનની મેન્ટેનન્સ પ્રક્રિયા અને ઉડ્ડયન ક્ષમતાની તપાસ સંબંધિત પ્રશ્નો પણ હજુ અનઉકેલાયેલા છે.
હવે સમગ્ર દેશની નજર આવતીકાલે જાહેર થનારા તપાસ રિપોર્ટ પર છે. આ રિપોર્ટ માત્ર દુર્ઘટનાનું સાચું કારણ જ નહીં, પરંતુ ભવિષ્યમાં આવી ઘટનાઓ અટકાવવા માટે ઉડ્ડયન ક્ષેત્રમાં જરૂરી સુધારાઓ અંગે પણ મહત્વપૂર્ણ માર્ગદર્શન આપશે.
એક વર્ષ બાદ રિપોર્ટ ફરજિયાત
ICAOના નિયમો મુજબ કોઈપણ મોટી વિમાન દુર્ઘટનાનો તપાસ રિપોર્ટ એક વર્ષની અંદર જાહેર કરવો જરૂરી છે. અમદાવાદ દુર્ઘટનાનો સમયગાળો પૂર્ણ થતાં આવતીકાલે રિપોર્ટ જાહેર થવાની સંભાવના છે.
260 લોકોના જીવ ગયા હતા
આ દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી સહિત કુલ 260 લોકોના મોત થયા હતા. તેને ભારતની સૌથી ગંભીર વિમાન દુર્ઘટનાઓમાં સ્થાન મળ્યું છે.
ફ્યુઅલ સ્વીચ સૌથી મોટું રહસ્ય
પ્રાથમિક તપાસ મુજબ બંને ફ્યુઅલ કટ-ઓફ સ્વીચ બંધ થતાં એન્જિન બંધ થઈ ગયા હતા. હવે પ્રશ્ન એ છે કે સ્વીચ માનવ ભૂલથી બંધ થઈ કે ટેકનિકલ કારણસર?
પાયલોટોના સંવાદે વધાર્યું રહસ્ય
કોકપિટમાં એક પાયલોટે પૂછ્યું હતું, “સ્વીચ કેમ બંધ કરી?, જ્યારે બીજા પાયલોટે જવાબ આપ્યો હતો, મેં નથી કરી. આ સંવાદ તપાસનું કેન્દ્ર બન્યો છે.
ઇલેક્ટ્રિકલ સિસ્ટમ પણ શંકાના ઘેરામાં
ઉડાન દરમિયાન કેટલીક લાઈટો અનિયમિત રીતે ચાલુ-બંધ થતી હોવાના સંકેતો મળ્યા હતા. નિષ્ણાતો તેને ઇલેક્ટ્રિકલ ખામી સાથે જોડીને જોઈ રહ્યા છે.
RAT સિસ્ટમ કેમ સક્રિય થઈ?
વિમાનની રેમ એર ટર્બાઇન (RAT) સમય પહેલાં સક્રિય થઈ હતી. સામાન્ય રીતે આ સિસ્ટમ વીજ પુરવઠો ખોરવાય ત્યારે જ કાર્યરત થાય છે.
બ્લેક બોક્સ આપશે સાચા જવાબ
ફ્લાઇટ ડેટા રેકોર્ડર અને કોકપિટ વોઈસ રેકોર્ડરની માહિતી તપાસ માટે સૌથી મહત્વપૂર્ણ પુરાવો છે. અંતિમ સત્ય તેમાં જ છુપાયેલું માનવામાં આવે છે.
સરકારના નિવેદન પર પણ નજર
તપાસ રિપોર્ટ જાહેર થયા બાદ કેન્દ્ર સરકાર અને નાગરિક ઉડ્ડયન મંત્રાલય દ્વારા પણ સત્તાવાર પ્રતિસાદ આપવામાં આવે તેવી શક્યતા છે.


