વોર્ડ નં.૧૨-૧૫માં કામ મંજૂર થતાં કોર્પોરેટરે નિર્ણયને આવકાર્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૫માં ₹૧૪.૨૧ લાખના ખર્ચે ગંજીવાડા શેરી નં.૧ થી ૦૭માં ડ્રેનેજની પાઈપલાઈન અપગ્રેડ કરવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થવાથી આ વિસ્તારમાં જુની ડ્રેનેજ લાઇનના કારણે થતા ડ્રેનેજ ચોક-અપ, લીકેજ તેમજ ઓવરફ્લોના ગંદા પાણીથી થતી સમસ્યાનું નિરાકરણ થશે. સાથો સાથ આ વિસ્તારમાં રહેતા હજારો શહેરીજનોને પડતી મુશ્કેલીનુ નિવારણ થશે. ઉક્ત કામ મંજુર કરવા બદલ સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય અને વોર્ડ નં.૧૫ના કોર્પોરેટર નિલેશભાઈ હેરભા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પિપળીયા તથા સ્ટેન્ડિંગ કમિટીનો આભાર વ્યક્ત કરેલ છે.
રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં.૧૨માં ₹૨.૨૪ કરોડના ખર્ચે સર્વોદય સ્કુલથી રાધે-રાધે પાર્ટી પ્લોટ સુધી તથા ઓમ પાર્ક મેઈન રોડ અને નંદનવન મેઈન રોડ પર પાણીનું વ્હેણ હોઇ, આ વિસ્તારમાં વરસાદી પાણીના નિકાલ માટે સ્ટોર્મ વોટર લાઈન નાખવાનું કામ સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં મંજુર કરવામાં આવેલ છે. આ કામ થવાથી વરસાદી ઋતુ દરમ્યાન રસ્તા પર પાણી ભરાવાની સમસ્યાનું નિરાકરણ થશે, લાગુ વિસ્તારોમાંથી પસાર થનાર રાહદારીઓ તેમજ વાહનચાલકોને પરિવહનમાં સરળતા રહેશે.
ઉક્ત કામ મંજુર કરવા બદલ વોર્ડ નં.૧૨ના કોર્પોરેટરો ડૉ. પ્રદિપ ડવ, કિશનભાઈ ટીલવા, કિરણબેન હરસોડા તથા જયશ્રીબા જાડેજા દ્વારા સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પરેશભાઈ પીપળીયા તથા સ્ટેન્ડિંગ કમિટીના તમામ સભ્યોનો આભાર વ્યક્ત કરેલ છે.


