ક્રાઇમ કરવાથી પોતાના કરતાં વધુ પરિવાર અને બાળકો હેરાન થાય – મુક્ત થયેલ કેદી
ગુજરાત સરકાર દ્વારા 14 વર્ષ કરતા વધુ સજા ભોગવી ચૂકેલા પાકા કામના કેદીઓને જેલમુક્ત કરવા અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત જેલ પ્રશાસનની ભલામણને ધ્યાનમાં રાખીને સારી વર્તણુક ધરાવતા કેદીઓની બાકી રહેલી સજા માફ કરી મુક્ત કરવામાં આવી રહ્યા છે. આ અભિયાન અંતર્ગત રાજકોટ જેલ પ્રશાસન દ્વારા કુલ 21 કેદીઓની મુક્તિ માટે દરખાસ્ત કરવામાં આવી હતી. જે પૈકી 14 કેદીઓની દરખાસ્ત મંજુર થતા તેઓને સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. આઝાદ થનાર કેદીઓએ કહ્યું હતું કે, એકવાર ક્રાઇમ થઈ જાય પછી અફસોસ કરવા સિવાય બીજું કાંઈ રહેતું નથી અને પરિવાર-બાળકો પોતાના કરતા પણ વધુ હેરાન થાય છે. મુક્ત થયેલા કેદીઓએ લોકોને ક્રાઇમથી દુર રહેવાની સલાહ આપવામાં આવી છે. 14 વર્ષ કરતા વધુ સજા ભોગવી કેદીઓ છુટતા તેમના પરિવારમાં ખુશીનો માહોલ સર્જાયો હતો.
પાકા કામના કેદી તરીકે 14 વર્ષ કરતા વધુ સમયથી આજીવન કેદની સજા ભોગવતા 21 કેદીઓને મુક્ત કરવાની દરખાસ્ત રાજ્ય સરકારને કરવામાં આવી હતી. આ પૈકી જે કેદીઓને સંબંધિત પોલીસ દ્વારા જામીન આપેલા હોય તેવા 14 કેદીઓને મુક્ત કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં રાજકોટ જેલ પ્રશાસન દ્વારા 84 કેદીઓને મુક્ત કરવાની દરખાસ્ત કરાઈ હતી. જેમાંથી 32 કેદીઓને મુક્ત કરી દેવામાં આવ્યા છે. આગામી દિવસોમાં બાકીના કેદીઓની પણ તબક્કા વાર મુક્ત કરાય તેવી શક્યતા છે.


