રામાશ્રય પાંડે એ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો
વ્યવસ્થાપન અને પ્રશાસનનો કુશળ અને વિશાળ અનુભવ
અગ્ર ગુજરાત, રાજકોટ
ભારતીય રેલ એન્જિનિયર્સ સેવા (IRSE)ના 1990 બેચના વરિષ્ઠ અધિકારી રામાશ્રય પાંડે એ શુક્રવાર, તા. 10 એપ્રિલ, 2026ના રોજ પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકે કાર્યભાર સંભાળ્યો છે. પશ્ચિમ રેલવેના મહાપ્રબંધક તરીકેની તેમની નિમણૂક પહેલાં તેઓ પૂર્વ મધ્ય રેલવે, પટણા ખાતે મુખ્ય પ્રશાસનિક અધિકારી (નિર્માણ/દક્ષિણ) તરીકે કાર્યરત હતા.
તેમના ઉત્તમ કારકિર્દી દરમિયાન પાંડે ઉત્તર પૂર્વ રેલવેના વારાણસી મંડળમાં મંડળ રેલ પ્રબંધક (DRM) તરીકે તેમજ ઉત્તર રેલવે, નવી દિલ્હીમાં મુખ્ય એન્જીનીયર તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમણે ગોરખપુર અને સમસ્તીપુર ખાતે ઉપ મુખ્ય એન્જીનીયર તરીકે, રેલવે બોર્ડમાં સભ્ય એન્જિનિયરિંગના વિશેષ કાર્ય અધિકારી (OSD) તરીકે, રેલવે બોર્ડમાં નિદેશક સતર્કતા તરીકે તેમજ હાજીપુર ખાતે ઉપ મુખ્ય સતર્કતા અધિકારી તરીકે અનેક મહત્વપૂર્ણ હોદ્દાઓ સંભાળ્યા છે. તેઓ રેલ વિકાસ નિગમ લિમિટેડ (RVNL)માં ગ્રુપ જનરલ મેનેજર તરીકે પણ કાર્યરત રહ્યા હતા, જ્યાં તેમણે અનેક મહત્વપૂર્ણ આધારભૂત ઢાંચાકીય પ્રોજેક્ટ્સનું સફળ અમલીકરણ કર્યું હતું.
પાંડે એ IIT Roorkeeમાંથી બી.ટેક. તથા IIT Delhiમાંથી એમ.ટેક.ની ડિગ્રી પ્રાપ્ત કરી છે, રેલવે ઓપરેશન તથા આધારભૂત ઢાંચા વ્યવસ્થાપન ક્ષેત્રોમાં તેમણે વ્યાપક આંતરરાષ્ટ્રીય પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે. તેમણે ઇટાલી ખાતે ટ્રેક રેકોર્ડિંગ, સિંગાપુર અને મલેશિયામાં એડવાન્સ્ડ મેનેજમેન્ટ પ્રોગ્રામ, સ્પેનમાં હાઈ-સ્પીડ ટ્રેન ઓપરેશન તેમજ તુર્કી અને નૉર્વેમાં ટનલ નિર્માણ તકનીકો અંગે પ્રશિક્ષણ પ્રાપ્ત કર્યું છે.
પાંડે પાસે આધારભૂત ઢાંચાના નિર્માણ, વ્યવસ્થાપન અને પ્રશાસનનો વિશાળ અનુભવ છે. તેઓ અધિકારીઓ અને કર્મચારીઓમાં સમાન રીતે લોકપ્રિય છે અને પૂરો વિશ્વાસ છે કે તેમના ગતિશીલ નેતૃત્વ હેઠળ પશ્ચિમ રેલવે નવી સિદ્ધિઓ હાંસલ કરીને નવી ઊંચાઈઓ સર કરશે.


