ધોરાજીના સુપેડીમાં મુરલી મનોહર મંદિર વિવાદ બાબતે ગામ સજ્જડ બંધ
મંદિરના મહંત અને સેવકને મંદિર બહાર કાઢવા માગણી : રજૂઆત નહીં સંતોષાય તો ગામ અચોક્કસ મુદત સુધી બંધની ચીમકી
અગ્ર ગુજરાત, ધોરાજી
ધોરાજી તાલુકાના સુપેડી ગામ ખાતે અત્યંત પૌરાણિક મુરલી મનોહર મંદિર માં ફરી એકવાર વિવાદ સર્જાયો છે. મંદિરના મહંત અને સેવક દ્વારા મંદિરમાં મનસ્વી વહીવટ કરાતો હોય અને ગ્રામજનોને ધાક ધમકી
અપાતી હોવાના આક્ષેપ અને ફરિયાદ સાથે સુપેડીના ગ્રામજનોએ સુપેડી ગામ સજ્જડ બંધ રાખી ધોમ ધખતા તાપ માં બહોળી સંખ્યામાં મહિલા પુરુષોને બાળકો ધોરાજી પ્રાંત કચેરી ખાતે દોડી આવ્યા હતા અને મંદિરના મહંત અને સેવકને મંદિરમાંથી હટાવવા માટે માગણી ઉચ્ચારી હતી અને મંદિરના ગેર વહીવટ અંગે લેખિત આવેદનપત્ર પાઠવી આ પ્રશ્નનો તાત્કાલિક ઉકેલ નહીં આવે તો સુપેડી ગામ અચોક્કસ મુદત સુધી બંધ રાખી સ્થાનિક સ્વરાજની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ગ્રામજનો એ ચીમકી ઉચ્ચારી હતી.
ગામના સરપંચ જતીનભાઈ અને ગામના અન્ય વરિષ્ઠ આગેવાનોએ જણાવ્યું હતું કે મંદિરના મહંત અને ડી સી પટેલ નામના સેવક દ્વારા ગ્રામજનો સાથે ઉદ્ધત વર્તન કરવામાં આવે છે અને મંદિર અમારા બાપનું છે અમે જેમ ઇચ્છીશું તે પ્રકારે મંદિરે વહીવટ થશે આ ઉપરાંત મારા પર 18 જેટલા ગુના છે તમારાથી થાય તે કરી લો તે પ્રકારની ધમકીઓ આપવામાં આવી રહી છે. તેમ જણાવ્યું હતું.
સમગ્ર બનાવને લઈ ગતરોજ સુપેડી ખાતે ગ્રામજનોની મીટીંગ યોજાઇ હતી અને મંદિરના મનસ્વી વહીવટ અને ધાગધમકીઓ સામે વળતો જવાબ આપવા માટે સમસ્ત ગ્રામજનોએ સુપેડી ગામ ની બજારો સ્વયંભૂ બંધ રાખી હતી અને સુપેડીથી મોટી સંખ્યામાં મહિલા પુરુષો અને બાળકો ટ્રેક્ટરમાં અને ખાનગી વાહનો લઇ ધોરાજી પ્રાંત કચેરી ખાતે બપોરે બળબળતા તાપમા આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા હતા.
આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે ગ્રામજનોના આક્ષેપ મુજબ, મંદિરના મહંત દ્વારા વારંવાર નજીવી બાબતોમાં ગામલોકો સાથે માથાકૂટ કરવામાં આવી રહી છે. ઉપરાંત, કેટલાક ગ્રામજનોએ એવો પણ આરોપ લગાવ્યો છે કે તેમને મંદિર ખાતે દર્શન કરવા માટે પણ રોકવામાં આવે છે, જેના કારણે ગામમાં અસંતોષનો માહોલ સર્જાયો છે. મંદિરમાં શ્રાદ્ધ વિધિ પૂજન તેમજ હિન્દુ સંસ્કૃતિના મોળાકત જેવા નાના મોટા તહેવારોમાં દીકરીઓને પૂજન કરવા દેવામાં આવતું નથી આ ઉપરાંત સરકાર હસ્તકનું મંદિર હોવા છતાં મન ફાવે તે પ્રકારે બાંધકામ કરવામાં આવે છે ધજાજી ઉત્સવમાં આવતા યજમાનો પાસે મોટી રકમ વસૂલવામાં આવી રહી છે આ ઉપરાંત મંદિરના સેવક ડી સી પટેલ દ્વારા ગ્રામજનોને ધમકી અને મંદિરનો મનસ્વી વહીવટ ચલાવવામાં આવે છે. ત્યારે આ મંદિર પુરાતત્વ વિભાગ હસ્તકનું છે જેથી સરકાર આ મંદિરનો વહીવટ સંભાળી લે અને મંદિરના મહંત અને તેના સેવકને તાત્કાલિક અસરથી મંદિરની બહાર કાઢવામાં આવે ગ્રામજનોની આ માગણી સંતોષવામાં નહીં આવે તો ગામ અચોક્કસ મુદત સુધી બંધ રાખવામાં આવશે અને તાલુકા પંચાયત જિલ્લા પંચાયતની ચૂંટણીનો મતદાનનો બહિષ્કાર કરવામાં આવશે તેવું પ્રાંત અધિકારી સમક્ષ જણાવવામાં આવ્યું હતું. ગ્રામજનોએ વિરોધ સ્વરૂપે પોસ્ટર લગાવી આગામી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચેતવણી આપી છે. તેમની મુખ્ય માંગ મંદિરના મહંત અને સેવકને હટાવવાની છે.
પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ધોરાજી તાલુકા પોલીસ ઇન્સ્પેક્ટર એમ.એમ.ઠાકોર સહિતનો પોલીસ કાફલો ગામ ખાતે પહોંચી ગયો હતો. પોલીસ દ્વારા ગ્રામજનોને સમજાવી ગામ ખોલવા અપીલ કરવામાં આવી રહી છે. અને મંદિર ખાતે કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ધોરાજી પ્રાંત કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડેલ સુપેડીના ગ્રામજનોએ સૂત્રોચારો પોકારી પ્રાંત અધિકારીને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું ત્યારે તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહીની ખાત્રી આપવામાં આવી હતી.
બીજી તરફ મંદિરના મહંત રવિન્દ્રદાસ બાપુ એ મીડિયા સમક્ષ જણાવેલ કે આ મંદિર પૌરાણિક મંદિર છે અહીં સુપેડી ઉપરાંત દૂર દૂરથી ભાવિકો શ્રદ્ધાળુ આવે છે આ મંદિર પરત્વે લોકોની આસ્થા છે. અહીં બે સમય અન્ન ક્ષેત્ર ચાલી રહ્યું છે. તમામ 18 વર્ણના લોકો માટે આ મંદિરમાં પ્રવેશવા છૂટ છે. અમારા દ્વારા કોઈનું દિલ દુખાય તેવું વર્તન ક્યારે કરવામાં આવ્યું નથી. અને મંદિરમાં મોટી સંખ્યામાં સેવક સમાજ હોય ત્યારે સેવક સમાજ દ્વારા જો કશું થયું હોય તો તેની મને જાણ નથી સાધુ માટે સેવા પૂજા અને તપ જેટલું જ કાર્ય રહે છે.
હાલ પરિસ્થિતિ તણાવપૂર્ણ પરંતુ નિયંત્રણ હેઠળ હોવાનું જાણવા મળી રહ્યું છે. પ્રશાસન દ્વારા મામલો શાંતિપૂર્ણ રીતે ઉકેલવા પ્રયાસો હાથ ધરાયા છે.


