ગાજવીજ સાથે વલસાડ-ડાંગમાં કમોસમી વરસાદ ખાબકયો
ધરમપુરના હનુમતમાળા અને ડાંગના આહવા, સુબીર પંથકમાં ઝરમરથી ભારે વરસાદ : માવઠુ પડતા વાતાવરણમાં ઠંડક પ્રસરી : પર્વતીય વિસ્તાર હોવાથી ધુમ્મસીયુ આવરણ છવાયું : લોકોને ગરમીથી રાહતમીથી રાહત મળી, ખેડૂતોની મુશ્કેલી વધી
અગ્ર ગુજરાત, રાજકોટ
ભર ઉનાળે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ ખાબકયો હતો. વલસાડ અને ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ખાબકેલા વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. લોકોને ઉકરાટમાંથી રાહત મળી હતી. જયારે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે. હવામાન નિષ્ણાંતો દ્વારા ૨૧મી સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે.
વલસાડ જિલ્લામાં અચાનક વાતાવરણમાં મોટો પલટો જોવા મળ્યો હતો. કાળઝાળ ગરમી વચ્ચે ધરમપુર તાલુકામાં મેઘરાજાનું આગમન થતા લોકોમાં ભારે આશ્ચર્ય અને આનંદ ફેલાયો છે. સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ બપોરના સમયે અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. ભર ઉનાળે વરસાદ પડવાને કારણે રસ્તાઓ ભીના થયા હતા અને વાતાવરણમાં પ્રસરેલી ઠંડકથી લોકોએ રાહત અનુભવી છે.
ધરમપુરના હનુમતમાળ અને તેની આજુબાજુના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો હતો. પર્વતીય વિસ્તાર હોવાને કારણે અહીં વરસાદનું જોર અન્ય વિસ્તારો કરતા થોડું વધુ જણાતું હતું. અચાનક ત્રાટકેલા આ કમોસમી વરસાદને કારણે માર્ગો પરથી પાણી વહેતા થયા હતા. હવામાન વિભાગની આગાહી મુજબ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર હેઠળ દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં આ પ્રકારે હળવા વરસાદની શક્યતા અગાઉથી જ વ્યક્ત કરવામાં આવી હતી.
છેલ્લા કેટલાક દિવસોથી વલસાડ જિલ્લામાં તાપમાનનો પારો 40°C ની આસપાસ રહેતા લોકો અસહ્ય ઉકળાટ અને બફારાથી પરેશાન હતા, ત્યારે આ વરસાદે કુદરતી રાહત આપી છે. જોકે, બીજી તરફ કમોસમી વરસાદ (માવઠું) પડતા ખેતીના પાક, ખાસ કરીને કેરીના પાકને નુકસાન થવાની ભીતિથી ખેડૂતોના જીવ અધ્ધર થઈ ગયા છે. વલસાડની પ્રખ્યાત હાફૂસ કેરીના તૈયાર થઈ રહેલા પાક પર આ વરસાદની નકારાત્મક અસર પડી શકે તેમ છે.
ડાંગ જિલ્લામાં આજે સવારથી જ આકાશમાં વાદળછાયું વાતાવરણ જોવા મળ્યું હતું. બપોર બાદ જિલ્લાના મુખ્ય મથક આહવા અને તેની આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોમાં અચાનક કમોસમી વરસાદી ઝાપટાં પડ્યા હતા. ધોમધખતી ગરમી અને અસહ્ય બફારા વચ્ચે મેઘરાજાના આગમનથી સમગ્ર પંથકમાં શીતલ લહેર દોડી ગઈ છે અને સ્થાનિકોને ગરમીથી મોટી રાહત મળી છે.
વરસાદની અસર માત્ર આહવા પૂરતી સીમિત ન રહેતા, સુબીર અને તેની આસપાસના અંતરિયાળ ગ્રામ્ય વિસ્તારોમાં પણ જોવા મળી હતી. આ વિસ્તારોમાં હળવા વરસાદી છાંટા પડ્યા હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. કમોસમી વરસાદને કારણે માર્ગો પર ભીનાશ જોવા મળી હતી અને પર્વતીય વિસ્તાર હોવાથી ધુમ્મસિયા વાતાવરણ જેવો માહોલ સર્જાયો હતો. હવામાન વિભાગની આગાહી મુજબ હજુ પણ આગામી થોડા કલાકો સુધી વાદળછાયું વાતાવરણ રહી શકે છે.
નસવાડીના ચામેઠા ગામે વીજળી પડતા યુવક મોત
છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકામાં કમોસમી વરસાદી માહોલ વચ્ચે વીજળી પડવાની ઘટના બની છે. તાલુકાના ચામેઠા ગામે ખેતરમાં મજૂરી કામ કરી રહેલા એક આશાસ્પદ યુવક પર આકાશી વીજળી પડતા તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. ભર ઉનાળે આવેલા વાતાવરણના પલટાએ આ પરિવાર પર આભ તોડી પાડ્યું છે. આ ઘટનાને પગલે આખું ગામ ખેતરે દોડી આવ્યું હતું અને યુવકના પરિવારમાં ભારે આક્રંદ છવાઈ ગયો હતો. સ્થાનિકો દ્વારા આ મામલે પોલીસ અને મહેસૂલ વિભાગને જાણ કરવામાં આવી છે. આ માનવીય જાનહાનિને કારણે સમગ્ર નસવાડી પંથકમાં ગમગીની વ્યાપી ગઈ છે.
કેરી અને ઉનાળુ પાકને નુકસાનની ભીતિ
કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ભારે ચિંતા જોવા મળી રહી છે. હાલમાં ઉનાળુ પાક તૈયાર થઈ રહ્યો છે અથવા કાપણીની અવસ્થામાં છે, ત્યારે અચાનક વરસાદ પડવાથી કેરી, બાજરી અને તલ જેવા પાકોને મોટું નુકસાન થવાની ભીતિ છે. ખાસ કરીને અમરેલી અને ભાવનગરના પંથકમાં કેરીના પાકને આ માવઠું ભારે પડી શકે છે.


