દાહોદના અભલોડમાં લગ્નના જમણવાર બાદ ૪૦૦થી વધારે મહેમાનોને ઝાડા-ઉલ્ટીની અસર
કેરીનો રસ, દાળભાત અને પનીરનું શાક ખાધા બાદ ખોરાકની ઝેરી અસર થતા અફરા-તફરી : સારવારમાં ખસેડાયા : આરોગ્ય વિભાગમાં દોડધામ : સેમ્પલ લેવાયા
અગ્ર ગુજરાત, દાહોદ
દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના અભલોડ ગામમાં યોજાયેલા એક લગ્નપ્રસંગમાં જમણવાર લીધા બાદ મોટી દુર્ઘટના સર્જાઈ છે. લગ્ન દરમિયાન પીરસવામાં આવેલા ભોજન બાદ 400થી વધુ લોકો ફૂડ પોઈઝનિંગનો શિકાર બનતાં સમગ્ર પંથકમાં હાહાકાર મચી ગયો છે. મોટી સંખ્યામાં લોકો અચાનક બીમાર પડતાં ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગામમાં લગ્નપ્રસંગ હોવાથી મોટી સંખ્યામાં મહેમાનો જમવા માટે એકત્ર થયા હતા. જોકે, ભોજન લીધાના થોડા સમય બાદ જ લોકોને ઝાડા-ઊલટીની ગંભીર તકલીફો શરૂ થઈ હતી. એકસાથે મોટી સંખ્યામાં લોકો બીમાર પડતાં પરિવારજનો અને ગ્રામજનો ગભરાઈ ગયા હતા. તાત્કાલિક અસરથી 108 એમ્બ્યુલન્સ સેવા અને ખાનગી વાહનોની મદદથી અસરગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી.
ડૉક્ટર રાજીવ ડામોરે જણાવ્યું કે, ગરબાડા નજીક અભલોડ ગામ તળાવ ફળિયામાં લગ્નપ્રસંગ હોવાથી ત્યાં જમણવારમાં રાત્રે 7 થી 8 વાગ્યાની વચ્ચે પનીરનું શાક, પુરી અને દાળભાત સહિત કેરીનો રસ જમ્યા બાદ રાત્રે 11 વાગ્યે આ ઘટના બની હતી. જેમાં ૪00 જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગ થયું છે. હાલમાં સારવાર ચાલુ છે અને બાકીના દર્દીઓને 108 મારફતે લાવવામાં આવી રહ્યા છે.
સદનસીબે, અત્યાર સુધી આ ઘટનામાં કોઈ પણ જાનહાનિના અહેવાલ નથી, પરંતુ કેટલાક દર્દીઓની તબિયત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.
ઘટનાની જાણ થતાં જ જિલ્લા આરોગ્ય વિભાગ અને ફૂડ સેફ્ટી વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. પ્રાથમિક તપાસ અને લોકોના નિવેદનોના આધારે, લગ્નમાં પીરસવામાં આવેલા ‘કેરીનો રસ’ અને ‘પનીરનું શાક’ ફૂડ પોઈઝનિંગનું કારણ હોવાની શંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પરથી શંકાસ્પદ ખાદ્ય પદાર્થોના નમૂનાઓ એકત્ર કરી તપાસ અર્થે લેબોરેટરીમાં મોકલી આપ્યા છે. જવાબદાર વ્યક્તિઓ અને કેટરર્સ સામે તપાસના આધારે કડક કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે તેવી ખાતરી તંત્ર દ્વારા આપવામાં આવી છે.
દર્દીઓની સ્થિતિ અને સારવાર
આ બનાવમાં કુલ 400થી વધુ લોકો પ્રભાવિત થયા છે, જેમના માટે વિવિધ સ્તરે સારવારની વ્યવસ્થા કરવામાં આવી છે:
- ઝાયડસ હોસ્પિટલ: 50થી વધુ ગંભીર દર્દીઓને અહીં દાખલ કરવામાં આવ્યા છે.
- ખાનગી હોસ્પિટલો: આશરે 150થી વધુ લોકો વિવિધ ખાનગી દવાખાનાઓમાં સારવાર લઈ રહ્યા છે.
- સ્થાનિક સારવાર: લગભગ 200 જેટલા લોકોને ગામમાં જ તબીબોની ટીમ દ્વારા પ્રાથમિક સારવાર પૂરી પાડવામાં આવી રહી છે.


