બેકાબુ ટ્રકનો તાંડવ: ચાર વાહનોને ટક્કર બાદ સ્થાનિકોએ કર્યો ચક્કાજામ
80 ફૂટ રોડ પર શ્યામલ ઉપવન પાસે મોડી રાત્રે બનેલી ઘટનાથી પોલીસ દોડી ગઈ ; જાનહાનિ ટળી, ડ્રાઈવર સામે ગુનો નોંધાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં મોડી રાત્રે એક બેકાબુ ટ્રકના કારણે ભયજનક અકસ્માત સર્જાયો હતો. પૂરપાટ ઝડપે દોડતા ટ્રકે એક્ટિવા સહિત ત્રણ કારને ટક્કર મારતા ઘટનાસ્થળે હાહાકાર મચી ગયો હતો. સદનસીબે આ બનાવમાં જાનહાનિ ટળી હતી, પરંતુ ઘટનાએ સ્થાનિકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો.
મળતી વિગતો મુજબ, શહેરના 80 ફૂટ રોડ પર શ્યામલ ઉપવન નજીક હાઈ સ્ટ્રીટ એપાર્ટમેન્ટ પાસે આ બનાવ બન્યો હતો. ટ્રક નંબર GJ-03-CU-9753નો ચાલક અચાનક બેકાબુ બન્યો અને માર્ગ પર ઊભેલા વાહનોને એક પછી એક ટક્કર મારતો ગયો હતો. પ્રથમ એક્ટિવાને ટક્કર મારી તેને નુકસાન પહોંચાડ્યું અને ત્યારબાદ આગળ ઊભેલી ઇનોવા, ફોર્ડ ફીગો અને ઇકો કારને પણ હડફેટે લીધી હતી.
આ ઘટનાથી સ્થળ પર દોડધામ અને નાસભાગ મચી ગઈ હતી. અકસ્માત સમયે એક્ટિવા પાસે ઊભેલી બે મહિલાઓ સમયસર દૂર સરકી જતા તેઓને ઇજા પહોંચી નહોતી. જોકે વાહનોને ભારે નુકસાન થયું હતું.
આ મામલે એક્ટિવાના માલિક રાજેશભાઈ બાલુભાઈ બાંભણિયા (ઉ.વ.27), જે હાલ મધુવન સોસાયટી વિસ્તારમાં રહે છે, તેમની ફરિયાદ પરથી પોલીસ કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તેઓએ જણાવ્યું હતું કે, પરિવાર સાથે બહાર નીકળ્યા દરમિયાન તેઓ આઈસ્ક્રીમ લેવા દુકાનમાં ગયા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો. ઘટના બાદ વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થયા હતા. ટ્રક ચાલકની બેદરકારી સામે લોકોમાં ભારે આક્રોશ ફાટી નીકળ્યો હતો અને લોકોએ રસ્તા પર ઉતરી વાહન વ્યવહાર અટકાવી ચક્કાજામ કર્યો હતો. પરિસ્થિતિની જાણ થતાં તાલુકા પોલીસ મથકનો સ્ટાફ તેમજ ક્રાઈમ બ્રાન્ચની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે સમજાવટ કરીને લોકોનો રોષ શાંત કર્યો અને ટ્રાફિક ફરી શરૂ કરાવ્યો હતો.
પોલીસે આ બનાવમાં ટ્રક ચાલક શૈલેષ હરિભાઈ ચૌહાણ (ઉ.વ.46), રહે. ખીરસરા, તા. લોધિકા સામે ગુનો નોંધ્યો છે અને તેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.


