ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે માથાકુટમાં અમદાવાદમાં યુવકની હત્યા
જુહાપુરામાં લોહીયાણ બનાવ : ત્રણ આરોપી બે મિત્રો પર છરી વડે તૂટી પડયા
અગ્ર ગુજરાત, અમદાવાદ
અમદાવાદ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હોય તેમ 24 કલાકમાં હત્યાનો બીજો બનાવ બન્યો છે. 22 એપ્રિલની મોડી રાત્રે જુહાપુરા વિસ્તારમાં આયશા મસ્જિદની પાછળ 19 વર્ષના યુવકની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. મૃતક અને આરોપી વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે થયેલી બબાલની અદાવતમાં આ લોહિયાળ ખેલ ખેલાયો હતો. હુમલામાં મૃતકનો મિત્ર પણ ગંભીર રીતે ઘાયલ થયો છે, જે હાલ સારવાર હેઠળ છે. વેજલપુર પોલીસે ગણતરીના કલાકોમાં જ મુખ્ય આરોપી સહિત ત્રણની ધરપકડ કરી છે.
જુહાપુરામાં રહેતા મોહમ્મદસાલિક શેખને સ્થાનિક રેહાન પઠાણ સાથે રમઝાન સમયથી તકરાર ચાલતી હતી. બંને વચ્ચે ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી મૂકવા બાબતે અગાઉ ઝઘડો થયો હતો. મોહમ્મદસાલિકે સોશિયલ મીડિયા પર મૂકેલી એક સ્ટોરીની અદાવત રાખી રેહાન પઠાણે તેને વાત કરવા માટે આયશા મસ્જિદ પાસે બોલાવ્યો હતો.
મોહમ્મદસાલિક જ્યારે તેના મિત્ર કાશીબ સૈયદ સાથે મસ્જિદ પાસે પહોંચ્યો ત્યારે ત્યાં રેહાન પઠાણ તેના સાગરીતો ફૈઝલ પઠાણ અને ફૈઝાન પઠાણ સાથે હાજર હતો. બંને પક્ષો વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ મામલો મારામારી પર પહોંચ્યો હતો. આ દરમિયાન રેહાને ઉશ્કેરાઈને સાલીકના પેટના ભાગે છરીના ઘા ઝીંકી દીધા હતા, જેના કારણે તે લોહીલુહાણ હાલતમાં ત્યાં જ ઢળી પડ્યો હતો. આરોપીઓએ કાશીબને પણ છરી મારી પથ્થરમારો કર્યો હતો. લોકોના ટોળા એકઠા થતા આરોપીઓ ત્યાંથી નાસી છૂટ્યા હતા.
ગંભીર ઈજાઓને કારણે મોહમ્મદસાલિકનું હોસ્પિટલ પહોંચતા પહેલા જ કરુણ મોત નીપજ્યું હતું, જ્યારે ઘાયલ કાશીબ હાલ સારવાર લઈ રહ્યો છે. વેજલપુર પોલીસે મોડી રાત્રે અલગ-અલગ ટીમો બનાવી તપાસ હાથ ધરી હતી અને મુખ્ય આરોપી રેહાન પઠાણ, ફૈઝલ પઠાણ તથા ફૈઝાન પઠાણની ધરપકડ કરી છે. પોલીસ તપાસ કરી રહી છે કે હત્યા પાછળ માત્ર ઇન્સ્ટાગ્રામ સ્ટોરી જ કારણભૂત છે કે અન્ય કોઈ જૂની અદાવત.


