વેરાવળ પાલીકાની ચુંટણીના મતદાન પુર્વે કોંગ્રેસના બે ઉમેદવારોએ કેસરીયા કર્યા
ચૂંટણી પહેલા જ પક્ષપલટાથી શહેરનો રાજકીય માહોલ ગરમાયો: કોંગ્રેસને વધુ એક ઝટકો
અગ્ર ગુજરાત, વેરાવળ
વેરાવળ પાટણ નગરપાલિકાની ચૂંટણી પહેલાં જ રાજકારણમાં ભારે ઉથલપાથલ જોવા મળી રહી છે. જેમાં કોંગ્રેસને મોટો ફટકો પડ્યો હોય તેમ વોર્ડ નં.1 ની કોંગ્રેસની ઉમેદવાર પ્રીતિબેન ધનેશા અને વોર્ડ નં. 7 ની ઉમેદવાર અનિલાબેન પોરિયાએ અચાનક પક્ષપલટો કરી ભાજપનો કેસરિયો ધારણ કરી લીધો છે. આ રાજકીય પક્ષપલટાની ઘટનાએ સમગ્ર જ
આ બંન્ને કોંગ્રેસની મહિલા ઉમેદવારોને જીલ્લા ભાજપ પ્રમુખ ડો.સંજય પરમારે સન્માનપૂર્વક ભાજપનો ખેસ પહેરાવી પક્ષમાં આવકારતાં હોવાના દ્રશ્યો સામે આવતા કોંગ્રેસમાં ખળભળાટ મચી ગયો છે. ચૂંટણી પૂર્વે જ કોંગ્રેસના બે ઉમેદવારોના પક્ષપલટાએ “એક સાંધે ત્યાં તેર તૂટે” જેવી સ્થિતિ ઉભી કરી દીધી છે.
વોર્ડ નંબર 1 માં ઉમેદવારી પરત ખેંચવાના અંતિમ દિવસે કોંગ્રેસના ઉમેદવાર બાલુ મેરામણ ઘાટીયાએ ફોર્મ પરત ખેંચતા ભાજપના ઉમેદવાર પ્રહલાદ શામળા બિનહરીફ જાહેર થયા છે. ત્યારબાદ કોંગ્રેસની પ્રીતિબેન ધનેશાએ પણ પક્ષ છોડતા હવે વોર્ડ નં.1 માં કોંગ્રેસમાંથી માત્ર એક ઉમેદવાર જ મેદાનમાં છે. આ રીતે, ચૂંટણી પહેલા જ કોંગ્રેસના કુલ ત્રણ ઉમેદવારોના બહાર નીકળી જવાથી પાર્ટી માટે પરિસ્થિતિ વધુ જટીલ બની ગઈ છે.
ભાજપમાં જોડાયેલા બંન્ને ઉમેદવારોએ જાહેરમાં જણાવ્યું કે તેઓ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની વિકાસવાદી નીતિથી પ્રેરાઈને આ નિર્ણય લીધો છે. તો બીજી તરફ કોંગ્રેસ શહેર પ્રમુખ દિપક ખોરાબાએ ભાજપ પર આકરા પ્રહાર કરતાં આરોપ લગાવ્યો છે કે ભાજપ પોતાની સંભવિત હારને જોઈને લોકશાહી વિરુદ્ધ કામ કરીને ઉમેદવારોને તોડવાની નીતિ અપનાવી રહી છે.વેરાવળના જાગૃત મતદારો ભાજપને યોગ્ય જવાબ આપશે.
વેરાવળ નગરપાલિકા ચૂંટણી પહેલા જ ઉભી થયેલી આ પરિસ્થિતિ કોંગ્રેસ માટે કપરા ચઢાણ સમાન બની રહી છે. જ્યારે ભાજપ માટે આ રાજકીય રીતે મજબૂતી દર્શાવતું પગલું માનવામાં આવી રહ્યું છે. હવે જોવાનું એ રહેશે કે આ પક્ષપલટાનો મતદારો પર કેટલો પ્રભાવ પડે છે અને ચૂંટણી પરિણામોમાં કઈ પાર્ટી બાજી મારે છે.


