ગુજરાતમાં ફરી એકવાર કેસરીયો માહોલ છવાયો
સ્થાનિક સંસ્થાઓમાં ભાજપનો દબદબો કાયમ
૧૫ મહાનગરપાલિકા, 3૪ જિલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત અને ૮૪ નગરપાલિકાના પરિણામો જાહેર : ૨૫૫3૭ ઉમેદવારોના ભાવી નક્કી થયા
ભાજપે મજબૂત સંગઠન શકિતના આધારે જીત જાળવી રાખી : કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણ કેટલીક બેઠકો પર નોંધપાત્ર પ્રદર્શન કરીને રાજકીય સ્પર્ધાને જીવંત રાખી
આગામી વિધાનસભાની ચૂંટણીનો રોડ મેપ તૈયાર થયો : વિધાનસભાના સમીકરણોને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીના પરિણામોએ વધુ રસપ્રદ બનાવ્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓની ચૂંટણીના પરિણામો આજે જાહેર કરવામાં આવ્યા છે. ગુજરાતમાં ૧૫ મહાનગરપાલિકા, 3૪ જિલ્લા પંચાયત, ૨૬૦ તાલુકા પંચાયત અને ૮૪ નગરપાલિકાની કુલ ૧૦૦3૯ બેઠકનું મતદાન તા.૨૬મીએ પૂર્ણ થયું હતું. જેનું આજરોજ પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. આ પરિણામમાં ભાજપે સ્થાનિક સ્વરાજયની સંસ્થાઓમાં પોતાનો દબદબો કાયમ રાખ્યો છે. મોટાભાગની સંસ્થાઓમાં ભાજપનો બહુમતીથી વિજય થતાં ગુજરાતમાં ફરી કેસરીયો માહોલ છવાયો છે. પરંતુ ઘણી બેઠકો પર ભાજપને અપસેટનો સામનો પણ કરવો પડયો છે. ભાજપે પોતાનો દબદબો કાયમ રાખતા અને મોટા ભાગના ઉમેદવારોની જીત થતાં સમગ્ર ગુજરાતમાં કાર્યકરો દ્વારા જીતનો જશ્ન મનાવવામાં આવી રહ્યો છે.
૨૦૨૭ વિધાનસભાની ચૂંટણી પહેલની સેમિફાઇનલ ગણાતી સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં શહેરી વિસ્તારથી લઇ ગ્રામ્ય વિસ્તાર સુધીના મતદારોએ પોતાના ભવિષ્યનો ફેંસલો આપ્યો છે. મોટા ભાગના વિસ્તારોમાં પ્રજાજનોએ ભાજપને જ પોતાના પક્ષ તરીકે ચૂંટી કાઢયો છે. મોટાભાગના વિસ્તારોમાં ભાજપે પોતાની મજબૂત સંગઠન શકિતનો પરિચય આપીને સુધરાઇ સંસ્થાઓમાં પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. પરંતુ આ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ ભાજપના મહત્વના ગણાતા કેટલાક ગઢોમાં ગાબડા પાડી જીત મેળવી હતી અને કેટલીક બેઠકો પર નોંધપાત્ર પ્રદર્શન કરીને રાજકીય સ્પર્ધાને જીવંત રાખી છે.
ઉત્તર ગુજરાતથી લઇ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર કચ્છની સંસ્થાઓમાં ભાજપે જીત મેળવી છે. દક્ષિણ ગુજરાતમાં પાંચ જિલ્લાઓની ૧3૨ બેઠકો પર ભાજપ બીનહરીફ જાહેર થયું છે. જે ભાજપ પાર્ટીની મજબૂત સંગઠન શકિત દર્શાવે છે. ઉલ્લેખનીય છે કે ચૂંટણી પહેલા જ ભાજપે ૭૦૦થી વધુ બેઠકો બીનહરીફ જીતી લીધી હતી. સુરત, અમદાવાદ, ગાંધીનગર, રાજકોટ, વડોદરા, જામનગર સહિતની મહાનગરપાલિકાઓમાં ભાજપે પોતાની સત્તા જાળવી રાખી છે. જયારે નવી રચાયેલી મોરબી અને પોરબંદરનગર મહાનગરપાલિકામાં ભાજપે પોતાનો દબદબો કાયમી રાખ્યો છે. મોરબી મહાનગરપાલિકાના ૧3 વોર્ડમાં ભાજપ આગળ જોવા મળ્યું હતું. જયારે પોરબંદરમાં પણ જીત મેળવી હતી.
પરિણામો જાહેર થતાં અનેક વિસ્તારોમાં ભાજપના કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી. જયાં સીટો કપાવવાની ચર્ચા થઇ રહી હતી તે બેઠકો પર ભાજપના ઉમેદવારોએ જીત મેળવી હતી. સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ ભાજપે જીતની લય જાળવી રાખી છે. મોટા ભાગના વિસ્તારોમાં મજબૂત પ્રદર્શન કર્યુ છે. જયારે આમ આદમી પાર્ટીએ પણ કેટલીક બેઠકો પર મહત્વપૂર્ણ જીત મેળવી છે. ખાસ કરીને કેશોદ તાલુકા પંચાયત બેઠક પર ટાઇ થયા બાદ ચીઠ્ઠી ઉછાળીને થયેલી જીતે સૌનું ધ્યાન ખેંચ્યું છે. કેશોદ તાલુકા પંચાયતની મોટી ઘસરી બેઠક પર ભાજપ-આમ આદમી પાર્ટીને સરખા મત મળતાં પરિણામ ટાઇ થયું હતું. ચૂંટણી નિયમ મુજબ ચીઠ્ઠી ઉછાળવાની પ્રક્રિયા કરવામાં આવી હતી. જેમાં નસીબે આમ આદમી પાર્ટીને સાથ આપ્યો હતો. અને ઉમેદવાર વિજેતા જાહેર થયા હતાં. જૂનાગઢ, કેશોદ અને ગીર પંથકમાં મીશ્ર પરિણામ જોવા મળ્યા હતાં. જેમાં માંગરોળ તાલુકા પંચાયતની ચંદવાણા બેઠક પર ભાજપ, મેંદરડા તાલુકા પંચાયતની આલીદ્રા બેઠક પર આપ, વિસાવદર બેઠકમાં આપ અને કેશોદ સહિતના આસપાસ વિસ્તારમાં ભાજપ અને આપ વચ્ચે ટક્કર જોવા મળી હતી.


