અદાલતમાં ગરીમા જાળવતા વસ્ત્રો પહેરવા જોઇએ : હાઇકોર્ટમાં
સ્થળને ધ્યાનમાં રાખી પરિધાનની પસંદગી કરવી જોઇએ, વાણીવર્તનમાં ઘમંડ ન હોવો જોઇએ : IITની છાત્રાના કેસમાં હાઇકોર્ટની ટીપ્પણી
અગ્ર ગુજરાત, અમદાવાદ
IIT ગાંધીનગરની વિદ્યાર્થિનીને ગેરશિસ્ત બદલ હોસ્ટેલમાંથી કાઢવાના વિવાદનો મામલો હાઇકોર્ટ પહોંચ્યો છે. જેમાં કેસની સુનવણી દરમિયાન અરજદાર વિદ્યાર્થીનીના પહેરવેશ, વસ્ત્રો અને વર્તનને લઇને હાઇકોર્ટે નારાજગી દર્શાવી હતી. કોર્ટે એવી ટકોર કરી હતી કે કોર્ટ ન્યાયનું મંદિર છે અને એની ગરિમા જાળવતાં વસ્ત્રો દરેકે પહેરવા જોઇએ. જો કે આ કેસની મેરિટ પણની સુનાવણી બાદ હાઇકોર્ટે IIT ગાંધીનગરને નોટિસ પાઠવીને કેસની વધુ સુનાવણી 29મી એપ્રિલે રાખી છે.
આ કેસની સુનવણીમાં હાઇકોર્ટે લાઇવ સ્ટ્રીમિંગ અટકાવ્યું હતું અને વિદ્યાર્થીના વસ્ત્રો પ્રત્યે નારાજગી દર્શાવી હતી. ત્યારબાદ ફરીથી સુનાવણી શરૂ થતાં વિદ્યાર્થીની તરફથી એડવોકેટે દલીલ કરી હતી કે કોઇ પણ અરજદારના પોષાક કે પહેરવેશથી કોર્ટના વિશેષાધિકારનો ભંગ ન થવો જોઇએ. પરંતુ એની સાથે જ એ પણ સ્પષ્ટ છે કે જ્યારે કોઇ સંસ્થાએ કોઇ વિદ્યાર્થીની સામે ગેરશિસ્તના આરોપ લગાવ્યા હોય અને એ વિદ્યાર્થીની તે નિર્ણય સામે ન્યાયની કોર્ટમાં આવી હોય ત્યારે એના વસ્ત્રો કેવા છે, એ મેટર કરે છે.
અરજદાર પક્ષે કોર્ટને કહેવામાં આવ્યું હતું કે કોર્ટને જો વિદ્યાર્થીનીનો પહેરવેશ વાંધાજનક જણાતું હોય તો એને માફ કરવામાં આવે. ત્યારે કોર્ટે કહ્યું હતું કે, પહેરવેશ વાંધાજનક હોવાની વાત જ નથી. દરેકને પોતાની પસંદ મુજબ કપડાં પહેરવાની છૂટ છે. પરંતુ જે તે વ્યક્તિ ક્યાં અને કેવા સ્થળે હાજરી આપી રહ્યો છે, એને ધ્યાનમાં રાખીને વસ્ત્રોની પસંદગી કરવી જોઇએ. એટલું જ નહીં તમારી વાણી અને વર્તનમાં તમારું ઘમંડ કે તોછડાઇ છલકાવી જોઇએ નહીં.
એડવોકેટ તરફથી કહેવામાં આવ્યું હતું કે કોર્ટ તરફથી અરજદારના વસ્ત્રો સંદર્ભે કોઇ ટકોર ન કરવામાં આવે એવી વિનંતી છે. ત્યારે હાઇકોર્ટના જજે કહ્યું હતું કે તેઓની જજશીપમાં પહેલી વાર તેઓ આવી ટકોર કરી રહ્યા છે. આ દલીલો બાદ વિદ્યાર્થીનીને કોર્ટરૂમની બહાર જવાનું સૂચન કરવામાં આવ્યું હતું. એ દરમિયાન કોર્ટે ફરી ટકોર કરી હતી કે કોઇ પણ વિદ્યાર્થી સામે શિક્ષણ સંસ્થા જીવન પ્રત્યેના તેના અભિગમ, શિસ્ત અને નિયમોના અમલને ધ્યાનમાં લઇને પગલાં લેતી હોય છે.
વિદ્યાર્થીની IIT ગાંધીનગરમાં માસ્ટર્સ કરી રહી છે. તેના તરફથી ઉપસ્થિતિ સિનિયર એડવોકેટ દ્વારા કોર્ટને આ કેસના તથ્યો જણાવતાં કહેવામાં આવ્યું હતું કે, આ કોર્સના વિદ્યાર્થીઓને ગ્રાન્ટ મળે છે અને એ મુજબ તેઓ ટ્રાવેલ કરીને ફિલ્ડ વર્ક કરવા જાય છે. પહેલો પ્રશ્ન એવો ઉપસ્થિત થયો હતો કે, અરજદારને કેટલી ગ્રાન્ટ મળશે. ત્યારે તેને એક ચોક્કસ રકમ કહેવામાં આવી હતી. એ ફિલ્ડવર્કમાં જઇને જ્યારે પરત આવી ત્યારે તેને લોઅર એમાઉન્ટ અપાશે એમ કહી 40 હજાર આપવાની અને એમાં પણ 32 હજાર તો પહેલાં જ આપી દીધાં હોવાનું કહેવામાં આવ્યું હતું. હવે 8 હજાર જ આપવાના રહે છે. તેણે આ મામલો એકાઉન્ટ ઓફિસર સામે વાંધો ઉપાડ્યો હતો.
કેસની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે ટકોર કરી હતી કે, આપણે સૌ એક સમાજમાં રહીએ છીએ અને સમાજના કેટલાક નિયમો છે, જેનાથી આપણે તમામ બંધાયેલા છીએ. આ વિદ્યાર્થિની પણ સમાજનો એક ભાગ છે અને એક માણસ છે. જેની સમજ અને જાણકારી તેણે કેળવવી જોઇએ.


