જેતપુરમાં પેસેન્જરની નજર ચૂકવી ચોરી કરતી રીક્ષા ગેંગ ઝડપાઈ
રોકડ, વાહન સહિત ચાર આરોપી પાસેથી ૧.3૯ લાખનો મુદામાલ જપ્ત કરાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ ગ્રામ્યના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.પી. રાવના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાની ટીમ પેટ્રોલીંગમાં હતી, તે દરમિયાન બાતમીના આધારે જેતપુર સીટી પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેસેન્જર બેસાડી નજર ચૂકવીને ચોરી કરતી કુખ્યાત રીક્ષા ગેંગને ગણતરીની કલાકોમાં જ સંપૂર્ણ મુદ્દામાલ સાથે ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે.
મળતી માહિતી મુજબ, ગત તારીખ ૨૭/૦૭/૨૦૨૬ના રોજ ફરિયાદી દિનેશભાઈ મંગળીયાભાઈ ડામોર જેતપુર સરદાર ચોકથી એક પેસેન્જર રીક્ષામાં બેસી જેતલસર તરફ જઈ રહ્યા હતા. તે દરમિયાન રીક્ષામાં અગાઉથી જ બેઠેલા ચાર શખ્સોએ ફરિયાદીને વાતોમાં ભોળવી અને નજર ચૂકવીને તેમના પેન્ટના ખિસ્સામાંથી રોકડા રૂપિયા ૧૫,૦૦૦/- ની ચોરી કરી લીધી હતી. જે અંગે જેતપુર સીટી પોલીસ સ્ટેશન ખાતે BNS-૨૦૨૩ ની કલમ ૩૦૩(૨), ૩(૫) મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ખાનગી બાતમીના આધારે સઘન તપાસ કરી આ ભેદ ઉકેલી નાખ્યો છે.
પોલીસે આ ગુનામાં સંડોવાયેલા ૧. હુસેન ઉર્ફે દાઉદ દાઉદભાઈ મલેક (રહે. શાપર, તા. કોટડા સાંગાણી, જી. રાજકોટ), ૨. વસિમ ઉર્ફે રાજા અજયસિંગ રાજપૂત (રહે. રાજકોટ, માનસરોવર આવાસ ક્વાર્ટર, હનુમાન મંદિર પાસે), ૩. ભરતભાઈ મૂળજીભાઈ ચંદ્રાપાલ (રહે. રાજકોટ, માનસરોવર આવાસ ક્વાર્ટર, હનુમાન મંદિર સામે), ૪. રવિ રમેશભાઈ ચૌહાણ (રહે. માયાણી ચોક આવાસ ક્વાર્ટર, રાજકોટ) નામના ચાર રીઢા આરોપીઓને ઝડપી પાડ્યા હતા.
પોલીસ પૂછપરછ દરમિયાન પકડાયેલા ચારેય આરોપીઓએ એક પછી એક અનેક ચોરીઓની ચોંકાવનારી કબૂલાતો કરી હતી કે ગઈ તારીખ ૨૨/૦૭/૨૦૨૬ના રોજ શાપર ખાતેથી એક પુરુષ પેસેન્જરને રીક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રૂ. ૪,૦૦૦/- રોકડા કાઢી લીધાની કબૂલાત આપી છે. ગત તારીખ ૨૭/૦૭/૨૦૨૬ના રોજ રાજકોટથી રીક્ષા લઈને જેતપુર આવતી વખતે રસ્તામાં ભુણાવા ગામના પાટીયા પાસે અન્ય એક પેસેન્જરને બેસાડી તેના ખિસ્સામાંથી રૂ. ૭૦૦/- રોકડા ચોરી લીધા હતા. તારીખ ૨૭/૦૭/૨૦૨૬ના રોજ જ જેતપુર સરદાર ચોકથી જૂનાગઢ તરફ જતા રસ્તા પરથી પેસેન્જરને બેસાડી, માર્કેટીંગ યાર્ડ આગળ ઉતારીને તેના ખિસ્સામાંથી રૂ. ૧૫,૦૦૦/- રોકડા તફડાવી લીધા હતા. જે બાબતે જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલ છે.
આરોપી હુસેન દાઉદભાઈ મલેક વિરુદ્ધ પોરબંદર કીર્તિમંદિર અને કમલાબાગ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન એક્ટ હેઠળ કુલ ૬ ગુનાઓ તેમજ રાજકોટ ગ્રામ્યના શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશનનો ૧ ગુનો નોંધાયેલ છે. આરોપી ભરત મૂળજીભાઈ ચંદ્રાપાલ અત્યંત રીઢો ગુનેગાર છે, જેની સામે રાજકોટ શહેર (બી-ડિવિઝન, પ્રદ્યુમનનગર, ભક્તિનગર, તાલુકા, આજીડેમ), જૂનાગઢ બી-ડિવિઝન, આટકોટ તેમજ મોરબી વાંકાનેર સીટી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, આઈ.પી.સી. કલમ ૩૭૯ (ચોરી), બળાત્કાર (કલમ ૩૭૬) અને BNS કલમ ૩૦૩ હેઠળ કુલ ૧૩ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આરોપી વસિમ અજયસિંગ રાજપૂત વિરુદ્ધ રાજકોટ શહેરના આજીડેમ, માલવિયાનગર, તાલુકા, ડી.સી.બી. તેમજ રાજકોટ ગ્રામ્યના આટકોટ પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન, BNS કલમ ૨૨૩ તથા જી.પી. એક્ટ હેઠળ કુલ ૫ ગુનાઓ નોંધાયેલા છે.
પોલીસે આરોપીઓ પાસેથી રોકડ રકમ રૂા. ૧૯,૦૦૦/-, ૪ મોબાઇલ ફોન (કિંમત રૂા. ૨૦,૦૦૦/-) અને ગુનામાં વપરાયેલ રીક્ષા (RTO નં. GJ-03-CT-2203, કિંમત રૂા. ૧,૦૦,૦૦૦/-) સહિત કુલ રૂા. ૧,૩૯,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કર્યો છે.


