ભારતની શ્રેષ્ઠ ચાર ટીમોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની હેન્ડ બોલ ટીમને સ્થાન
સેમિફાઇનલમાં રાજસ્થાન યુનિવર્સિટીની ટીમની હાર છતાં દિલ જીત્યા
અગ્ર ગુજરાત, રાજકોટ
Association of Indian Universities દ્વારા આયોજિત ઓલ ઇન્ડિયા ઇન્ટર યુનિવર્સિટી હેન્ડબોલ ભાઈઓની સ્પર્ધાનું આયોજન University of Rajasthan, Jaipur ખાતે સફળતાપૂર્વક થયું હતું. આ પ્રતિષ્ઠિત સ્પર્ધામાં Saurashtra University ની હેન્ડબોલ ટીમે ઐતિહાસિક સિદ્ધિ નોંધાવી ભારતની શ્રેષ્ઠ ચાર ટીમોમાં પોતાનું સ્થાન મજબૂત બનાવ્યું છે.
સેમિફાઇનલમાં યુનિવર્સિટી ઓફ રાજસ્થાન સામે રોમાંચક મુકાબલો આપ્યા બાદ ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ સમગ્ર ટુર્નામેન્ટ દરમિયાન ઉત્તમ પ્રદર્શન કરીને પોઇન્ટ ટેબલમાં ચોથા ક્રમે સ્થાન મેળવ્યું. બ્રોન્ઝ મેડલ માટેની હાર્ડલાઇન મેચમાં પણ માત્ર એક ગોલથી હારીને ટીમ ચોથા નંબરે રહી હતી.
આ સિદ્ધિ સાથે ગુજરાતના રમતગમત ઇતિહાસમાં નવો માઇલસ્ટોન સ્થાપિત થયો છે. અત્યાર સુધીમાં હેન્ડબોલમાં કોઈપણ ગુજરાતની યુનિવર્સિટી ટીમ ઓલ ઇન્ડિયામાં ચોથા સ્થાન સુધી પહોંચી અને ખેલો ઇન્ડિયા માટે ક્વોલિફાય થઈ હોય તેવી આ પ્રથમ ઘટના છે. હવે આવનારા ખેલો ઇન્ડિયામાં Saurashtra University ની ટીમ મેડલ માટે મજબૂત દાવેદાર તરીકે ઊભી રહેશે.
આ ઐતિહાસિક સફળતા બદલ યુનિવર્સિટીના કુલપતિ ડૉ. ઉત્પલ જોશી, રજીસ્ટ્રાર ડૉ. અજયસિંહ જાડેજા, ઇન્ચાર્જ શારીરિક શિક્ષણ નિયામક ડૉ. હરીશ રાબા તેમજ બોર્ડ ઓફ સ્પોર્ટ્સના સભ્યો, તમામ શારીરિક શિક્ષણ અધ્યાપકો અને રમતગમત પ્રેમીઓએ ખેલાડીઓ, કોચ અને મેનેજર ડૉ. ભાવેશ રાબા અને રાહુલ વેગડને હાર્દિક અભિનંદન પાઠવ્યા છે. કુલપતિએ ટીમના ઉત્કૃષ્ટ પ્રદર્શનની પ્રશંસા કરી અને આવનારા ખેલો ઇન્ડિયામાં વધુ શ્રેષ્ઠ પ્રદર્શન કરીને મેડલ જીતવાની શુભેચ્છાઓ આપી છે.
આ ભવ્ય સિદ્ધિથી સમગ્ર ગુજરાતમાં હેન્ડબોલ રમતમાં આનંદ અને ગૌરવની લાગણી છવાઈ ગઈ છે. આ પ્રથમ ઐતિહાસિક સફળતા ભવિષ્યમાં વધુ મોટી સિદ્ધિઓ માટે પ્રેરણા પૂરું પાડશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.


