ચોમાસા પૂર્વે વહીવટી તંત્ર સજ્જ: કલેક્ટરે સોમવારે પ્રિ-મોન્સુન તૈયારીઓ અંગે મહત્વની બેઠક બોલાવી
જળનિકાલ અને પૂર-વાવાઝોડા જેવી આપત્તિ સામે લડવા ‘માસ્ટર પ્લાન’ તૈયાર કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ જિલ્લામાં આગામી વર્ષાઋતુ દરમિયાન સંભવીત ભારેથી અતિ ભારે વરસાદ થવાને કારણે પુર, અતિવૃષ્ટિ જેવી પરિસ્થિતિ તેમજ વાવાઝોડા અને અન્ય આપત્તિના સમયે તાત્કાલીક તકેદારીના પગલ લઈ રાહત બચાવની કામગીરી તાકીદના ધોરણે હાથ ધરી શકાય તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે કલેકટર ડો.ઓમપ્રકાશના અધ્યક્ષસ્થાને પ્રિ-મોન્સુન- પ્રિપેર્ડનેસ અંગેની બેઠક જિલ્લા કલેકટર કચેરી ખાતે આગામી તા.4ને સોમવારે સાંજના 4 કલાકે આયોજીત કરવામાં આવી છે.
આ બેઠકમાં જિલ્લા પંચાયત, નગરપાલિકા, રેવન્યુ, જિલ્લાના તમામ મામલતદારો, પોલીસ અધિકારીઓ, આરોગ્ય અધિકારીઓ સહિતની બે ડઝન કચેરીઓ અને વિવિધ વિભાગોના અધિકારીઓને ઉપસ્થિત રહેવા ફરમાન કરવામાં આવેલ છે.
અહીં એ ઉલ્લેખનીય છે કે જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં પ્રતિવર્ષ ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો થતો હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. ત્યારે આગામી ચોમાસા દરમિયાન રહેણાંક વિસ્તારોમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય તેમજ પુર પ્રકોપ સહિતની કુદરતી આપત્તિ સમયે રાહત બચાવના પગલા તાબડતોબ લઈ શકાય તે માટે માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવશે.


