રેપિડો ચાલકો રસ્તા પર : ભાવ મુદ્દે કંપની સામે વિરોધ
રૂ.૧૫.૬૦ પર કિલોમીટરના ભાડામાં પ્રથમ રૂ.૧ અને બાદમાં રૂ.3નો ઘટાડો કરતા ભારે રોષ : વાહનના પૈડા થંભાવી રેલી કાઢી વિરોધ પ્રદર્શન
અનેક વખત રજુઆત કરવા છતા પણ નિરાકરણ નહી આવતા કેપ્ટનો રસ્તા પર ઉતર્યા : સરકાર દ્વારા કિલોમીટર દીઠ રૂ.૧૮નો નિયમ છતાં કંપની દ્વારા કરાતી મનમની
અગ્ર ગુજરાત, રાજકોટ
ભાવમાં ઘટાડો કરતા રાજકોટમાં રેપિડો ચાલકો દ્વારા રેલી યોજી અને વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. સરકારી ભાડા કરતા પણ ઓછુ ભાડુ ચૂકવાતુ હતું અને તેમાં પણ ત્રણ રૂપિયાનો ઘટાડો કરી નાખતા રેપીડો ચાલકોમાં ભારે રોષ ફેલાયો હતો.
રાજકોટમાં રેપિડોમાં ઓટો ચલાવતા રિક્ષાચાલકોને કંપની તરફથી અપાતા પ્રતિ કિમીના ભાડામાં 3 રૂપિયાનો ઘટાડો કરી દેવાતા રિક્ષાચાલકોમાં રોષ ફેલાયો છે. રાજકોટમાં ૫૦૦ થી ૭૦૦ જેટલા રિક્ષાચાલકોએ રેલી યોજી પ્રતિ કિમી 15 રૂપિયા ચૂકવવા માગણી કરી છે. જો કંપની દ્વારા માગણી સ્વીકારવામાં નહીં આવે તો રાજકોટમાં રેપિડોનું કામ બંધ કરી દેવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
રાજકોટમાં રેપિડોમાં ચાલતી ઓટોના ચાલકોને કંપની તરફથી પ્રતિ કિમી રૂપિયા 15ની ચૂકવણી કરવામાં આવતી હતી. પરંતુ, કોઈ કારણોસર કંપની દ્વારા પ્રતિ કિ.મી.ના ભાડામાં રૂપિયા 3નો ઘટાડો કરી રૂ. 12 ચૂકવવાની શરૂઆત કરતા રિક્ષાચાલકોમાં નારાજગી ફેલાઈ છે. આજે 300 જેટલા રિક્ષાચાલકોએ રાજકોટમાં રેલી યોજી વિરોધ પ્રદર્શિત કર્યો હતો.
રીક્ષાચાલક કેતન વોરાએ જણાવ્યું હતું કે, અત્યારે અમે શાસ્ત્રી મેદાનમાં બધા ડ્રાઈવરો ભેગા થયા છીએ. અમારી એક જ માંગણી છે કે ભાવ વધારો. પ્રતિ કિલોમીટર ₹3 કાપવામાં આવે છે જે ₹15 કરવામાં આવે તેવી માગણી છે. નહિતર અમે રાજકોટમાં રેપિડોનું કામકાજ સંપૂર્ણપણે બંધ કરી દઈશું. અત્યારે અમને રીક્ષા ચાલકોને પ્રતિ કિલોમીટર ₹12 આપવામાં આવે છે જે પહેલા ₹15.60 હતો. જે ભાવ ફરી કરી આપવામાં આવે તેવી માંગણી છે. ગુજરાતના રીક્ષા એસોસિયેશનનો નિર્ણય છે કે પ્રતિ કિલોમીટર ₹18 આપવામાં આવે. જે સરકારી ભાવ છે. જોકે અમે સરકારી ભાવની તો માંગણી કરતા નથી. અમારો જે ભાવ હતો તે પણ ઘટાડી નાખવામાં આવ્યો છે. જેના કારણે અમે અહીં બધા ભેગા થયા છીએ અને શાસ્ત્રી મેદાનથી રેલી કાઢવાના છીએ. જો રેપોડો તરફથી યોગ્ય નિર્ણય લાવવામાં નહીં આવે તો અમે તેનું કામકાજ બંધ કરી દઈશું.
જ્યારે અન્ય રીક્ષાચાલક રાહુલ પટેલે જણાવ્યું હતું કે, અમારો મુખ્ય વિરોધ એ છે કે રેપિડો દ્વારા ભાવ ઘટાડો કરવામાં આવ્યો છે. જેને કારણે પ્રતિ કિલોમીટર અગાઉ જે ₹15 મળતા હતા તે ઘટાડીને ₹12 કરી નાખવામાં આવ્યા છે. ગત 20 એપ્રિલથી ભાવ ઘટાડો કરી નાખવામાં આવ્યો છે. હાલો અમે શાસ્ત્રી મેદાન ખાતે 300 રિક્ષા ચાલકો એકત્ર થયા છીએ. જેથી અમે વિરોધ રૂપે રેલી કાઢી રેપીડો ઓફિસ ખાતે જઈ વિરોધ કરશું.
માંગ નહી સ્વીકારાય તો રાજકોટમાં રેપિડો સંપૂર્ણ બંધ થશે : મયુર ધ્રાંગીયા
ભાવમાં ત્રણ રૂપિયાનો ઘટાડો કરતા અનેક ચાલકોને આર્થિક નુકશાની થઇ રહી છે. એક રેપીડો ચાલક દૈનિક ૧૫૦થી વધુ કિલોમીટર ચલાવે છે. ત્યારે દૈનિક 3૦૦ થી ૪૦૦ની નુકશાની આવી રહી છે. જેનાથી પરિવાર આર્થિક મુશ્કેલીમાં મૂકાયા છે. માંગ નહી સ્વીકારાય તો રાજકોટમાં રેપિડો સંપૂર્ણ બંધ કરી દેવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે. તેમ રેપીડો ચાલક મયુર ધ્રાંગીયાએ જણાવ્યું હતું.
રાજકોટમાં ૪૦૦૦થી વધારે રીક્ષા ચાલકોનું રેપિડો સાથે જોડાણ
રાજકોટમાં છ હજારથી વધારે લોકો રીક્ષા વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેમાં ૪૦૦૦થી વધુ ચાલકો રેપિડો સાથે જડાયેલા છે. રીક્ષા ચાલકો ઉપરાંત બાઇક અને કારના ચાલકો પણ રેપિડો સાથે જોડાણ ધરાવે છે. ભાવ મુદ્દે રેપિડો ચાલકોએ કંપની સામે બાયો ચડાવી છે.


