સ્થાનિક સ્વરાજયની અને બંગાળની જીત બાદ પ્રથમ મુલાકાત
વડાપ્રધાન રવિવાર-સોમવારે સૌરાષ્ટ્રમાં
સોમનાથ અને વડોદરામાં વિવિધ કાર્યક્રમમાં હાજરી આપશે : બંને શહેર સહિત સૌરાષ્ટ્રમાં પ્રધાનમંત્રીને આવકારવા પ્રજાજનો અને સ્થાનિક તંત્ર સજ્જ
વડોદરામાં PMનો ભવ્ય રોડ-શો યોજાશે, રોડ-શોના રૂટમાં ૧૫ સ્ટેજ પર વિવિધ રાજયોની સાંસ્કૃતિક ઝલક રજૂ કરાશે
અગ્ર ગુજરાત, રાજકોટ
બંગાળમાં જીત મેળવ્યા બાદ અને સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં ભગવો લહેરાવ્યા બાદ વડાપ્રધાન પ્રથમ વખત ગુજરાતના પ્રવાસે આવી રહ્યાં છે. ભાજપના ગઢ અને વતનમાં વડાપ્રધાનને આવકારવા લોકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. તંત્ર પણ તૈયારીઓ અને બંદોબસ્તમાં લાગી ગયું છે. તા.૧૦ અને ૧૧મીએ વડાપ્રધાન સોમનાથ અને વડોદરામાં હાજરી આપશે.
વડોદરામાં આગામી સોમવાર તા. 11 મેના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરદારધામ 3ના લોકાર્પણ માટે આવી રહ્યા છે. લોકાર્પણ કાર્યક્રમ બાદ તેઓના ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે. ગદા સર્કલથી એરપોર્ટ સુધી સાંજે રોડ શો યોજવામાં આવશે. જેમાં વડોદરાના લોકો તેઓનું અભિવાદન કરશે.
ભાજપે બંગાળમાં ભવ્ય જીત હાંસલ કરી છે. આ ઉપરાંત તાજેતરમાં જ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ સંપન્ન થઇ છે અને તેમાં પણ ભાજપનો ભવ્ય દેખાવ જોવા મળ્યો છે. આ જીત બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રથમ વખત ગુજરાત મુલાકાતે આવી રહ્યા છે. જેના કારણ લોકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે વડોદરાની જનતા વડાપ્રધાનનું અભિવાદન કરશે.
સોમવારે સાંજે 7:30 કલાકે રોડ શોની શરૂઆત કરવામાં આવશે. આ રૂટ પર 15 સ્ટેજ ઉભા કરવામાં આવશે. આ સ્ટેજ પરથી વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પ્રસ્તુત કરવામાં આવશે. વડોદરા મહાનગર તેમજ જિલ્લામાંથી પણ લોકો આવીને વડાપ્રધાનના રોડ શોમાં જોડાશે. આ સ્ટેજ પરથી ગુજરાત, બંગાળ, આસામ સહિતના રાજ્યની સાંસ્કૃતિક ઝાંખી રજૂ કરવામાં આવશે. હાલ વડોદરા મહાનગરપાલિકા દ્વારા તડામાર તૈયારીઓ શરુ કરવામાં આવી છે. રોડ શોના રૂટ પર સ્વચ્છતા ઉપર ખાસ ભાર મુકવામાં આવ્યો છે.
વડાપ્રધાનના રોડ શોના રૂટ પર સખત સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અંદાજે દોઢ કિમિ જેટલા રૂટ ઉપર ઠેર ઠેર સુરક્ષા જવાનો તહેનાત રહેશે. આ બે દિવસ રૂટનું સઘન ચેકિંગ કરવામાં આવશે.આ ઉપરાંત વિવિધ વિસ્તારમાં ધાબા પોઇન્ટ, ડ્રોન સર્વેલન્સ સહિતનો પણ ઉપયોગ કરવામાં આવશે. આ વિસ્તારના અસામાજિક તત્વો ઉપર પણ પોલીસની નજર રહેશે. શહેરનું તંત્ર હાલ વીવીઆઈપી મૂવમેન્ટને લઈને એક્શન મોડમાં આવી ગયું છે. વડાપ્રધાનનો આ રોડ શો ભવ્ય સાબિત થાય તે માટેની તૈયારીઓ શરુ કરી દેવામાં આવી છે.
સોમનાથ મંદિર ખાતે આગામી તા. 11 મેના રોજ આધ્યાત્મિક ગૌરવ, રાષ્ટ્રીય અભિમાન અને સાંસ્કૃતિક વૈભવનો અદ્વિતીય મહોત્સવ સર્જાવા જઈ રહ્યો છે. દેશના પ્રધાનમંત્રી તથા સોમનાથ મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ નરેન્દ્ર મોદી ‘સ્વાભિમાન પર્વ’ અંતર્ગત અમૃત મહોત્સવમાં સોમનાથ પધારવાના હોવાથી સમગ્ર દેવભૂમિ ભક્તિ અને ભવ્યતાના રંગે રંગાઈ ગઈ છે. નૂતન સોમનાથ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં તા. 8થી 12 મે દરમિયાન પાંચ દિવસીય વૈદિક અને ધાર્મિક મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. પરંતુ સમગ્ર કાર્યક્રમમાં 11 મેનો દિવસ ઐતિહાસિક અને વિશેષ આકર્ષણોથી ભરપૂર બની રહેવાનો છે. સોમનાથમાં માત્ર ધાર્મિક ઉત્સવ નહીં, પરંતુ રાષ્ટ્રીય ગૌરવનો મહાસંગમ સર્જાવાનો છે.
વડાપ્રધાન એરપોર્ટથી સરદારધામ અને ત્યાંથી પરત ફરતી વખતે ગદા સર્કલથી એરપોર્ટ સુધી ભવ્ય રોડ શો યોજીને લોકોનું અભિવાદન ઝીલશે, જેના પગલે સમગ્ર રૂટ પર સઘન બેરિકેટિંગ, બોમ્બ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડ દ્વારા સુરક્ષા ચકાસણી કરવામાં આવી રહી છે. મ્યુનિસિપલ કમિશનર અને ભાજપ શહેર પ્રમુખ સહિતના ઉચ્ચ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કરી જાહેર જનતાની સુવિધા અને ભવ્ય સ્વાગત અંગે આયોજનની સમીક્ષા કરી છે.
વડોદરાના આંગણે આશરે ₹150 કરોડના ખર્ચે તૈયાર થયેલું સરદાર ભવન માત્ર રહેવા માટેની હોસ્ટેલ જ નહીં, પરંતુ વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટેનું કેન્દ્ર બની રહેશે. 4.75 લાખ સ્ક્વેર ફૂટમાં પથરાયેલા આ સંકુલમાં 2000 દીકરા-દીકરીઓ માટે અત્યાધુનિક સુવિધાઓ અને સ્પર્ધાત્મક પરીક્ષાઓના કોચિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને જરૂરિયાતમંદ દીકરીઓ માટે માત્ર 1 રૂપિયો ફી અને હાઈટેક સુરક્ષા પ્રણાલી આ પ્રોજેક્ટને સાચા અર્થમાં ‘સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ’ના મંત્રને સાર્થક કરતો બનાવે છે. આ આધુનિક સંકુલનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે 11 મેના રોજ કરવામાં આવશે.
જામનગરમાં રવિવારે રાત્રી રોકાણ
જામનગર શહેરમાં આગામી 10મી તારીખે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું રાત્રિ રોકાણ નિર્ધારિત થયું છે. વડાપ્રધાન આ મુલાકાત દરમિયાન શહેરના સર્કિટ હાઉસ ખાતે રોકાણ કરશે. પીએમના આગમન પૂર્વે જામનગર મહાનગરપાલિકા અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા શહેરને સુશોભિત કરવાની વિશેષ અને ભવ્ય કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવી છે. શહેરના પ્રતિષ્ઠિત ગૌરવ પથ માર્ગને ખાસ આકર્ષક બનાવવામાં આવી રહ્યો છે. ટાઉન હોલથી સાત રસ્તા સર્કલ સુધીના આ માર્ગના ડિવાઇડરો અને સ્ટ્રીટ લાઇટના થાંભલાઓ પર ઝગમગતી રંગબેરંગી રોશની લગાડવાની કામગીરી અત્યંત ઝડપથી ચાલી રહી છે, જે માર્ગની શોભામાં અભિવૃદ્ધિ કરશે.
જનમેદની માટે કોર્પોરેટરો દોડવા લાગ્યા
મહાનગરપાલિકામાં હાલમાં ચૂંટાયેલા તમામ કોર્પોરેટરોને પોતાના વોર્ડમાંથી 1000 નાગરિકોને રોડ શોમાં લાવવા માટેનું ટાસ્ક આપવામાં આવ્યું છે. રોડ શોને ભવ્ય બનાવવા માટે વધુમાં વધુ જનમેદની એકત્રિત થાય તે માટેના આયોજનમાં ભાજપ લાગી ગયું છે. શહેર ભાજપના પ્રમુખ ડો. જયપ્રકાશ સોનીના અધ્યક્ષ સ્થાને સતત મીટિંગોનો દોર પણ ચાલી રહ્યો છે. આ ઉપરાંત પોલીસ કમિશનર, મ્યુન્સિપલ કમિશનર સહિતના અધિકારીઓ હાલ કાર્યક્રમની તૈયારીઓમાં લાગી ગયા છે.


