ચાર માસ પહેલા જ લગ્નના તાંતણે બંધાયેલા યુવાન કારખાનેદારનું કરૂણ મોત
શાપરના 30 વર્ષીય યુવાનને આવેલો હાર્ટ એટેક જીવલેણ નીવડ્યો
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં હાર્ટ એટેકના બનાવોમાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ નજીક શાપર-વેરાવળમાં વધુ એક કરૂણ ઘટના સામે આવી છે. 30 વર્ષીય યુવાન કારખાનેદાર જેનીશ રાજેશભાઈ પીપળવાનું હૃદય બંધ પડી જતાં મોત નિપજ્યું હતું. ઘટનાથી પરિવાર પર દુઃખનો પહાડ તૂટી પડ્યો છે. કરૂણ બાબત એ છે કે, હજુ ચાર મહિના પહેલા જ તેમના લગ્ન થયા હતા અને ઘરમાં ખુશીનો માહોલ હતો, ત્યાં અચાનક યુવાનના નિધનથી પરિવાર ગમગીન બની ગયો છે.
મળતી માહિતી મુજબ, શાપર-વેરાવળમાં રહેતા જેનીશભાઈને ગત રોજ અચાનક છાતીમાં ભારે દુખાવો ઉપડ્યો હતો. પરિવારજનોએ તાત્કાલિક તેમને સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. હોસ્પિટલમાં ડોક્ટરો દ્વારા સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન જ તેમનું મોત નીપજ્યું હતું. હોસ્પિટલ તરફથી બનાવની જાણ શાપર પોલીસને કરવામાં આવતા પોલીસ ટીમ રાજકોટ પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. બાદમાં મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડવામાં આવ્યો હતો. પ્રાથમિક તપાસમાં હાર્ટ એટેકના કારણે મોત થયાનું સામે આવ્યું છે.
મૃતક જેનીશભાઈ બે ભાઈમાં મોટા હતા અને શાપરમાં પોતાનું કારખાનું ચલાવતા હતા. યુવાન વયે જ મહેનત અને વ્યવસાયથી પરિવારમાં જવાબદારી સંભાળતા હતા. તેમના અચાનક અવસાનથી પરિવારજનોમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. પરિવાર માટે સૌથી વધુ કરૂણ વાત એ છે કે, હજુ ચાર મહિના પહેલા જ જેનીશભાઈના લગ્ન થયા હતા. લગ્નની ખુશીઓ અને નવા જીવનની શરૂઆત વચ્ચે જ આ દુર્ઘટના સર્જાતા નવપરિણીત પત્ની પર આભ તૂટી પડ્યું છે. જેના હાથની મહેંદી હજુ સુકાઈ પણ નહોતી ત્યાં જ ચુડી-ચાંદલો છીનવાઈ જતા પરિવાર સહિત સગાસંબંધીઓમાં ભારે દુઃખનો માહોલ સર્જાયો છે. યુવાન દીકરાના મોતથી માતા-પિતા પણ આઘાતમાં ગરક થઈ ગયા છે.


