ગોંડલમાં કરૂણ ઘટનાએ સમગ્ર પંથકને હચમચાવ્યું
ધંધામાં નુકસાનથી તૂટી પડેલા પિતાએ પુત્ર-પુત્રીની હત્યા બાદ આપઘાત કર્યો
નુકસાની ભરપાઈ કરતા કરતા હું ગાંડો થઈ જઈશ એટલે આ અંતિમ પગલું ભરી રહ્યો છું, તેવું કહી પિતરાઈને વિડિયો મોકલ્યો
પિતા, બંને સંતાનોની વતન સાંઢવાયા ગામે કરાઈ અંતિમવિધિ, અંતિમયાત્રા સમયે આખું ગામ હીબકે ચડ્યું
અગ્ર ગુજરાત, ગોંડલ
ગોંડલ તાલુકા અને કોટડાસાંગાણી પંથકને હચમચાવી નાખે તેવી હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ધંધામાં સતત નુકસાન અને માનસિક તણાવથી તૂટી પડેલા એક યુવાને પોતાના બે માસૂમ સંતાનોને મોતને ઘાટ ઉતાર્યા બાદ પોતે પણ ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. આ કરૂણ બનાવ બાદ સમગ્ર સાંઢવાયા ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો હતો.
મળતી માહિતી મુજબ, કોટડાસાંગાણી તાલુકાના સાંઢવાયા ગામના વતની અને ઘોઘાવદર રોડ પર ગાયત્રી સિમેન્ટ નામે કારખાનું ચલાવતા જયપાલભાઈ વિઠ્ઠલભાઈ તોગડીયાએ આ અંતિમ પગલું ભર્યું હતું. તેઓ છેલ્લા કેટલાક સમયથી ધંધામાં નુકસાન અને આર્થિક સંકટને કારણે ભારે ચિંતામાં રહેતા હોવાનું સામે આવ્યું છે.
ઘટના દિવસે બપોરના સમયે જયપાલભાઈ પોતાના 17 વર્ષીય પુત્ર મિશ્ર અને 10 વર્ષની પુત્રી રીવાને સાથે લઈને કારખાને ગયા હતા. પરિવારજનો માટે આ સામાન્ય બાબત હતી, પરંતુ કોઈએ કલ્પના પણ નહોતી કરી કે પિતા પોતાના જ સંતાનો માટે કાળ બની જશે.
પ્રાથમિક તપાસ મુજબ, બપોરે અઢીથી પોણા ત્રણ વાગ્યાની વચ્ચે જયપાલભાઈએ પોતાના બંને સંતાનોને દોરડાથી ગળાટૂંપો આપી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ તેમણે પણ કારખાનામાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
આ ભયાનક ઘટનાની સૌથી કરૂણ બાબત એ છે કે આત્મહત્યા કરતા પહેલાં જયપાલભાઈએ પોતાના પિતરાઈ ભાઈ અલ્પેશભાઈને એક સેલ્ફી વીડિયો મોકલ્યો હતો. વીડિયોમાં તેમણે પોતાનું દુઃખ વ્યક્ત કરતાં કહ્યું હતું કે તેમનો ધંધો બરાબર ચાલતો નથી અને સતત ચિંતાના કારણે તેઓ માનસિક રીતે તૂટી ગયા છે. વિડિયોમાં તેમણે જણાવ્યું હતું કે, મારો ધંધો ચાલતો નથી. મારામાં બીજી કોઈ આવડત નથી કે બીજો ધંધો કરી શકું. છેલ્લા છ મહિનાથી ચિંતામાં ઊંઘ આવતી નથી. હવે હું ગાંડો થઈ જઈશ એવું લાગે છે, એટલે આ અંતિમ પગલું ભરી રહ્યો છું. મારા માતા-પિતા અને પત્નીનો કોઈ વાંક નથી, તેમને કંઈ કહેતા નહીં.બપોરે અંદાજે 2:21 કલાકે આ વીડિયો મળતા જ અલ્પેશભાઈ અને અન્ય પરિવારજનો ગભરાઈને કારખાને દોડી ગયા હતા. જોકે તેઓ ત્યાં પહોંચે તે પહેલાં જ બધું સમાપ્ત થઈ ચૂક્યું હતું. અંદરનું દ્રશ્ય જોઈ પરિવારજનોના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી.
ઘટનામાં જીવ ગુમાવનાર મિશ્ર અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી હતો. તેણે તાજેતરમાં જ ધોરણ 10ની પરીક્ષા સફળતાપૂર્વક પાસ કરી હતી. પરિવાર અને ગામમાં તેની સિદ્ધિને લઈને ખુશીનો માહોલ હતો. જ્યારે નાની રીવા રામોદની ખાનગી શાળામાં ધોરણ 5માં અભ્યાસ કરતી હતી. બંને બાળકો હસમુખા અને સૌના લાડકવાયા હતા. સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, જયપાલભાઈ છેલ્લા ઘણા વર્ષોથી સિમેન્ટના વ્યવસાય સાથે સંકળાયેલા હતા. બહારથી પરિવાર સામાન્ય અને સુખી દેખાતો હતો, પરંતુ અંદરથી તેઓ ભારે માનસિક દબાણમાં જીવતા હોવાનું હવે સામે આવી રહ્યું છે.
ઘટનાની જાણ થતાં ગોંડલ એ ડિવિઝન પોલીસ અને 108 એમ્બ્યુલન્સની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી. પોલીસે ત્રણેય મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યા હતા. સરકારી હોસ્પિટલમાં પેનલ ડોક્ટરો દ્વારા પોસ્ટમોર્ટમની કાર્યવાહી કરવામાં આવી હતી.
મોડી સાંજે જ્યારે પિતા, પુત્ર અને પુત્રીના મૃતદેહ સાંઢવાયા ગામે પહોંચ્યા ત્યારે સમગ્ર ગામ શોકમાં ગરકાવ થઈ ગયું હતું. પરિવારજનોના હૈયાફાટ રુદનથી વાતાવરણ ગમગીન બની ગયું હતું. ગામના લોકો પણ આ દુર્ઘટનાથી સ્તબ્ધ બની ગયા હતા.
રાત્રે ત્રણેયની અંતિમયાત્રા નીકળી ત્યારે મોટી સંખ્યામાં ગામલોકો અને સગાસંબંધીઓ જોડાયા હતા. સ્મશાનમાં પિતા અને બંને સંતાનોની ચિતાને અગ્નિદાહ આપવામાં આવ્યો ત્યારે હાજર લોકોની આંખો ભીની થઈ ગઈ હતી. એક જ પરિવારના ત્રણ સભ્યોની એકસાથે અંતિમવિધિ થતી જોઈ દરેકનું હૃદય દ્રવી ઉઠ્યું હતું.
ઘટનાને લઈને પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે. મૃતકના પિતરાઈ ભાઈ અલ્પેશભાઈ વશરામભાઈ તોગડીયાની ફરિયાદના આધારે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સમગ્ર મામલે વધુ તપાસ પી.આઈ. જે.આર. ઝાલા ચલાવી રહ્યા છે.
આ ઘટનાએ સમાજમાં વધતા માનસિક તણાવ અને આર્થિક સંકટના પ્રશ્નોને ફરી એકવાર ઉજાગર કર્યા છે. બહારથી સામાન્ય દેખાતી વ્યક્તિ અંદરથી કેટલા ભારે દબાણમાં જીવતી હોય શકે તેનો આ બનાવ કરૂણ ઉદાહરણ બની રહ્યો છે. સાંઢવાયા ગામ આજે પણ આ ઘટનાના આઘાતમાંથી બહાર આવી શક્યું નથી. એક તરફ યુવાન પિતાનો કરૂણ અંત અને બીજી તરફ બે નિર્દોષ બાળકોના મોતે સમગ્ર પંથકને શોકમાં ડૂબાડી દીધું છે.


