“મધર ડે પર એક પોલીસ માતાની હૃદયસ્પર્શી સંઘર્ષગાથા”
“ખાખી પાછળનું માતૃત્વ” : 7 વર્ષથી દીકરીથી દૂર રહી ફરજ નિભાવતા PSI વી.એલ. વાઘેલાની સંઘર્ષગાથા
મોરબી: પોલીસની ખાખી માત્ર ફરજ અને કડકાઈનું પ્રતિક નથી, પરંતુ તેની પાછળ અનેક ત્યાગ, લાગણીઓ અને અધૂરા માતૃત્વની પીડા પણ છુપાયેલી હોય છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા PSI વી.એલ. વાઘેલાની કહાની એવી જ એક હૃદયસ્પર્શી સંઘર્ષગાથા છે, જે મધર ડેના અવસરે અનેક માતાઓને પ્રેરણા આપે છે.
મજૂરી કરતા સામાન્ય પરિવારમાંથી ઊભી થઈ PSI જેવી જવાબદારીભરી પોસ્ટ સુધી પહોંચવાની તેમની સફર સરળ નહોતી. ભારે મહેનત, સંઘર્ષ અને અનેક મુશ્કેલીઓ પાર કર્યા બાદ તેમણે ખાખી પહેરી. પરંતુ નોકરી શરૂ થયા પછી માતૃત્વ અને ફરજ વચ્ચેનો સૌથી મોટો સંઘર્ષ શરૂ થયો.
PSI વાઘેલાએ દીકરીને જન્મ આપ્યો, પરંતુ નોકરીના સમયપત્રક અને સંજોગોને કારણે દીકરીની સંભાળ રાખવા માટે કોઈ ન હોવાથી તેમણે ભારે મનથી દીકરીને સાસરીમાં રાખવાનો નિર્ણય લીધો. દીકરી જન્મથી આજદિન સુધી પોતાની ફઈબાની પાસે જ રહે છે. છેલ્લા 7 વર્ષથી દીકરી માતાથી દૂર રહી રહી છે અને માત્ર વેકેશન દરમિયાન જ માતા સાથે સમય વિતાવી શકે છે.
ત્યારબાદ પુત્રનો જન્મ થયો, જે હાલ તેમની સાથે રહે છે. નોકરીમાંથી ઘરે પરત ફરતાં દીકરો તેમની રાહ જોતો ઉભો હોય છે. એક તરફ પોલીસની કઠિન ફરજ અને બીજી તરફ માતાની જવાબદારી — બંનેને સંતુલિત રાખવું તેમના માટે રોજની ચેલેન્જ છે. છતાં પતિના સહયોગથી PSI વાઘેલા આ બંને ફરજો નિષ્ઠાપૂર્વક નિભાવી રહ્યા છે.
પરંતુ આજે પણ એક વાતનું દુઃખ તેમને અંદરથી કચવતું રહે છે — “નોકરીના કારણે હું મારી દીકરીના બાળપણમાં તેની સાથે રહી શકી નથી.” મધર ડેના અવસરે PSI વી.એલ. વાઘેલાની આ કહાની એ દરેક કામકાજી માતાના ત્યાગ, સંઘર્ષ અને અડગ હિંમતને સલામ કરે છે.


