પેપર લીક કૌભાંડમાં NTAની નનામી કાઢતું NSUI, પોલીસે ટીંગાટોળી કરી
વિરોધ પ્રદર્શન કરતા વિદ્યાર્થી નેતાઓની અટકાયત : જવાબદારો સામે કાર્યવાહી કરવા માંગ, ઉગ્ર સુત્રોચ્ચાર કરાયા
અગ્ર ગુજરાત, રાજકોટ
તાજેતરમાં નીટનું પેપર લીક થતાં પરીક્ષા રદ કરવામાં આવી હતી અને તેનાથી લાખો છાત્રોને ગંભીર અસર થઇ છે. જેના વિરોધમાં આજે એનએસયુઆઇ દ્વારા નેશનલ ટેસ્ટ એજન્સીની નનામી કાઢી સરકાર વિરૂધ્ધ ઉગ્ર સુત્રોચ્ચાર કરવામાં આવ્યા હતાં. વિરોધ કરનાર વિદ્યાર્થીઓની ટીંગાટોળી કરતા પોલીસ સાથે સંઘર્ષ થયો હતો. ગુજરાત પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત ૨૦ કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી.
એનએસયુઆઇએ જણાવ્યું હતું કે વર્તમાન કેન્દ્ર અને રાજ્ય સરકારના શાસનમાં દેશની પરીક્ષા પ્રણાલી સંપૂર્ણપણે પડી ભાંગી છે અને તે હવે અનિશ્ચિતતા તેમજ અરાજકતાનો પર્યાય બની ગઈ છે. NEET જેવી અત્યંત મહત્વની મૅડિકલ પ્રવેશ પરીક્ષામાં વારંવાર થતા પેપર લીક 2016, 2021, 2024 અને હવે 2026 એ સાબિત કરે છે કે કેન્દ્ર સરકાર કરોડો યુવાઓના ભવિષ્ય સાથે ગંભીર ચેડાં કરી રહી છે. વર્તમાન કેન્દ્ર સરકાર પારદર્શી રીતે પરીક્ષા લેવા માટે તદ્દન અસક્ષમ સાબિત થઈ છે. ભ્રષ્ટાચારના અડ્ડા સમાન બની ગયેલી ‘NTA’ (National Testing Agency) જેવી સંસ્થાઓને તાત્કાલિક અસરથી બેન કરવામાં આવે અને લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે રમત રમનાર નૈતિક જવાબદારી સ્વીકારી શિક્ષણ મંત્રી તાત્કાલિક રાજીનામું આપે તેવી અમારી મુખ્ય માંગ છે.
તાજેતરમાં રાજસ્થાનના સીકરમાં સામે આવેલા પુરાવાઓ અત્યંત આઘાતજનક છે. પરીક્ષા પૂર્વે જ ‘ગેસ પેપર’ ના નામે 150 પાનાનો એક દસ્તાવેજ વિદ્યાર્થીઓ વચ્ચે સર્ક્યુલેટ કરવામાં આવ્યો હતો, જેમાં કુલ 410 પ્રશ્નો હતા. તપાસમાં સામે આવ્યું છે કે આ દસ્તાવેજમાંથી 135 જેટલા પ્રશ્નો NEET ના અસલી પ્રશ્નપત્ર સાથે ડૂબહૂ મેચ થાય છે. આશ્ચર્યની વાત એ છે કે માત્ર પ્રશ્નો જ નહીં, પરંતુ પ્રશ્નોની ભાષા, વિકલ્પોનો ક્રમ અને કોમા-ફુલસ્ટોપ સુધ્ધાં અસલી પેપર જેવા જ જોવા મળ્યા છે. જીવવિજ્ઞાન (Biology) માં 90 માંથી 90 અને રસાયણ વિજ્ઞાન (Chemistry) માં 45 માંથી 45 પ્રશ્નો આ કથિત ‘ગેસ પેપર’ માંથી બેઠા પૂછાયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. આટલી મોટી ગેરરીતિ છતાં હજુ સુધી FIR નોંધવામાં કેમ વિલંબ થઈ રહ્યો છે, તે સરકારની દાનત પર સવાલ ઉભા કરે છે.
આ કૌભાંડમાં આર્થિક વ્યવહારોની વિગતો પણ અત્યંત ગંભીર છે. અમારો આરોપ છે કે કાઉન્સિલરો દ્વારા આ પેપરની કિંમત શરૂઆતમાં 5 લાખ રૂપિયા રાખવામાં આવી હતી અને પરીક્ષા નજીક આવતા તે 25 થી 30 હજાર રૂપિયામાં વેચવામાં આવ્યું હતું. વધુમાં, આ પ્રશ્નો હાથથી લખીને ટેલિગ્રામ મારફતે કેરળ સુધી મોકલવામાં આવ્યા હોવાનું પણ સામે આવ્યું છે. આ પ્રકારની ડૂબહૂ નકલ કોઈ ‘અંદરની મિલીભગત’ વગર શક્ય નથી. લાખો મધ્યમવર્ગીય અને ગરીબ વિદ્યાર્થીઓ જે રાત-દિવસ મહેનત કરે છે, તેમના સપનાઓને ભાજપ સરકારના મળતિયાઓ દ્વારા વેચવામાં આવી રહ્યા છે. NSUI આ મામલે તટસ્થ તપાસ, દોષિતો સામે કડક કાર્યવાડી અને પીડિત વિદ્યાર્થીઓને ન્યાય મળે તેવી ઉગ્ર માંગણી કરે છે. જો વિદ્યાર્થીઓના હિતમાં ત્વરિત નિર્ણયો લેવામાં નહીં આવે, તો NSUI સમગ્ર રાજ્યમાં ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરશે.


