વડાપ્રધાનની અપીલ બાદ ત્વરીત અમલવારી
ગુજરાત સરકારે મિનિમમ ગવર્મેન્ટ ખર્ચનું મોડલ અપનાવ્યું
પેટ્રોલ-ડિઝલના સંકટને ટાળવા અને બચત કરવા સરકારનો નિર્ણય: નોન-કેટેગરી મંત્રીઓને કોન્વોય સુવિધા નહીં અપાય
સત્તાવાર પરિપત્ર જાહેર થવાની રાહ, જોકે વહીવટી સ્તરે નિર્ણયને અમલમાં મૂકવાની પ્રક્રિયા શરૂ
અગ્ર ગુજરાત, ગાંધીનગર
બંગાળ અને વડોદરામાં PM મોદીની પેટ્રોલ-ડીઝલ બચવવાની અપીલ બાદ ગુજરાત સરકાર દ્વારા સુરક્ષા અને સરકારી ખર્ચને લઈને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારના નવા નિર્દેશ મુજબ હવે રાજ્યના નોન-કેટેગરી મંત્રીઓને કોન્વોય (Convoy) સુવિધા આપવામાં નહીં આવે. આ નિર્ણય બાદ હવે માત્ર મુખ્યમંત્રી અને ઉપમુખ્યમંત્રીને જ સત્તાવાર કોન્વોય કેટેગરી હેઠળ સુરક્ષા કાફલો ઉપલબ્ધ રહેશે.
મળતી માહિતી અનુસાર રાજ્ય સરકાર દ્વારા સુરક્ષા વ્યવસ્થાના પુનર્મૂલ્યાંકન બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે. અત્યાર સુધી કેટલાક મંત્રીઓને સત્તાવાર પ્રવાસ અને કાર્યક્રમો દરમિયાન કોન્વોય વાહનો આપવામાં આવતા હતા, પરંતુ હવે નવી વ્યવસ્થા હેઠળ “નોન કેટેગરી”માં આવતા તમામ મંત્રીઓ માટે આ સુવિધા બંધ કરવામાં આવશે.
નવી માર્ગદર્શિકા મુજબ હવે રાજ્યમાં માત્ર CM અને DyCM ને જ કોન્વોય કેટેગરી હેઠળ સુરક્ષા કાફલો ફાળવવામાં આવશે. બાકીના તમામ મંત્રીઓને સામાન્ય સુરક્ષા વ્યવસ્થા હેઠળ જ પ્રવાસ કરવો પડશે.
સરકારી વર્તુળોમાં ચર્ચા છે કે આ નિર્ણય પાછળ બે મુખ્ય કારણો છે – એક તરફ સુરક્ષા તંત્ર પરનો વધતો ભાર ઘટાડવો અને બીજી તરફ સરકારી ખર્ચ તથા ઈંધણ બચત તરફ આગળ વધવું. છેલ્લા કેટલાક સમયથી રાજ્યમાં સરકારી કાફલાઓના વધતા ઉપયોગને લઈને પ્રશ્નો ઉઠતા રહ્યા હતા.
તાજેતરમાં વૈશ્વિક સ્તરે વધતી ઈંધણ અનિશ્ચિતતા અને કેન્દ્ર સરકાર દ્વારા પણ ઈંધણ બચત અંગે આપવામાં આવેલી અપીલ વચ્ચે ગુજરાત સરકારનો આ નિર્ણય મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યો છે. સરકારી કાફલાઓમાં અનેક વાહનોનો ઉપયોગ થતો હોવાથી ઈંધણનો મોટો ખર્ચ થતો હતો.
રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે સરકાર હવે “મિનિમમ ગવર્નમેન્ટ ખર્ચ”ના મોડલ તરફ આગળ વધી રહી છે. તમને જણાવી દઈએ કે ગુજરાતના રાજ્યપાલ Acharya Devvratએ પણ હેલિકોપ્ટર અને સરકારી વિમાનનો ઉપયોગ ટાળીને ટ્રેન અને ST બસમાં મુસાફરી કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. હવે મંત્રીઓ માટે કોન્વોય સુવિધા મર્યાદિત કરવાનો નિર્ણય પણ એ જ દિશામાં એક મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યો છે.
હાલ સરકાર તરફથી આ નિર્ણય અંગે સત્તાવાર વિગતવાર પરિપત્ર જાહેર થવાની રાહ જોવામાં આવી રહી છે. જોકે, વહીવટી સ્તરે આ નિર્ણયને અમલમાં મૂકવાની પ્રક્રિયા શરૂ થઈ ગઈ હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.
CM બે કાર સાથે અમરેલી પહોંચ્યા
અમરેલી જિલ્લાના રાજુલા ખાતે ₹22 કરોડના ખર્ચે નિર્મિત અત્યાધુનિક 108 બેડની હોસ્પિટલના ટ્રોમા સેન્ટરનું લોકાર્પણ કરવા પહોંચેલા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ‘વીઆઈપી કલ્ચર’ ઘટાડવાની અપીલને અક્ષરશઃ સાર્થક કરી બતાવી છે. સામાન્ય રીતે 10થી વધુ વાહનોના લશ્કરી કાફલા સાથે ફરતા મુખ્યમંત્રીએ શિસ્તનું ઉદાહરણ પૂરું પાડતા માત્ર બે જ કાર સાથે રાજુલા પહોંચીને સૌને ચોંકાવી દીધા હતા.
ST-ટ્રેનનો રાજ્યપાલ ઉપયોગ કરશે
ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે પર્યાવરણ જાળવણી અને ઈંધણ બચતના ઉમદા હેતુથી એક પ્રેરણાદાયી નિર્ણય લીધો છે, જે અંતર્ગત તેઓ હવે હેલિકોપ્ટર કે વિમાન સેવાના બદલે ST બસ અને ટ્રેનમાં મુસાફરી કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઈંધણ બચાવવાની અપીલને પ્રતિસાદ આપતા રાજ્યપાલે પોતાના કાફલામાં પણ ગાડીઓની સંખ્યા ન્યૂનતમ રાખવાનો નિર્ણય કર્યો છે. આ સાથે જ તેમણે નાગરિકોને પણ પ્રદૂષણ ઘટાડવા માટે સાયકલ અને ઇલેક્ટ્રિક વ્હીકલ (EV) નો મહત્તમ ઉપયોગ કરવા ખાસ અનુરોધ કર્યો છે.
ડેપ્યુટી CM અમેરિકાના પ્રવાસે નહીં જાય
મે મહિનાના છેલ્લા સપ્તાહમાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ફેડરેશન ઓફ ગુજરાતી એસોસિએશન ઓફ યુએસએ (FOGAUSA) દ્વારા આયોજિત બીજા ગુજરાતી કન્વેન્શનમાં હાજરી આપવાના હતા. જોકે વડાપ્રધાનની એક વર્ષ માટે વિદેશ પ્રવાસો ટાળવાની અપીલને અનુસરીને તેમણે આ પ્રવાસ રદ કર્યો છે. હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે, દેશની આર્થિક આત્મરક્ષા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી તમામ અપીલમાં ગુજરાતના નાગરિકોએ સહયોગ કરવો જોઇએ.


