ખેડબ્રહ્માના ઉમ્બોરા ગામમાં ચૂરમુ ખાધા બાદ ૧૦૦ લોકોને ઝેરી અસર
બાળકો સહિતનાઓને ઉલ્ટી, પેટમાં દુ:ખાવો, ચક્કર આવતા સારવારમાં ખસેડાયા
અગ્ર ગુજરાત, ખેડબ્રહ્મા
સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા તાલુકાના ઉમ્બોરા ગામમાં ફૂડ પોઈઝનિંગની ગંભીર ઘટના સામે આવી છે. ગામમાં આયોજિત એક કાર્યક્રમ દરમિયાન ચુરમું ખાવા બાદ લગભગ 70 જેટલા બાળકોને અચાનક તબિયત બગડવાની ફરિયાદ થઈ હતી. ત્યારબાદ પરિસ્થિતિ વધુ ગંભીર બનતા ગામમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
મળતી માહિતી મુજબ ચુરમું ખાધા બાદ બાળકોને ઉલટી, પેટમાં દુખાવો અને ચક્કર આવવાની ફરિયાદો શરૂ થઈ હતી. થોડા જ સમયમાં અન્ય બાળકોમાં પણ સમાન લક્ષણો દેખાતા તાત્કાલિક આરોગ્ય વિભાગને જાણ કરવામાં આવી હતી. આરોગ્ય ટીમો તાત્કાલિક ગામમાં પહોંચી અને અસરગ્રસ્ત બાળકોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
કુલ મળીને 100થી વધુ લોકોને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી, જેમાંથી અનેક બાળકોને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. ડોક્ટરોના જણાવ્યા મુજબ તમામ બાળકોની હાલત હાલ સ્થિર છે અને કોઈ ગંભીર સ્થિતિ નોંધાઈ નથી. છતાં, તબીબી ટીમો સતત પરિસ્થિતિ પર નજર રાખી રહી છે. આ ઘટનાથી સમગ્ર ઉમ્બોરા ગામ અને આસપાસના વિસ્તારોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે. વાલીઓમાં પણ પોતાના બાળકોની સલામતીને લઈને ચિંતા જોવા મળી રહી છે.
આરોગ્ય વિભાગે ઘટનાની ગંભીરતા ધ્યાનમાં રાખીને ખાદ્ય નમૂનાઓ એકત્રિત કર્યા છે અને તેની તપાસ શરૂ કરી છે. મળતી માહિતી મુજબ ખોરાકમાં થયેલી ખામી અથવા બગડેલા ખાદ્ય પદાર્થના કારણે ફૂડ પોઈઝનિંગ થયું હોવાનું માનવામાં આવી રહ્યું છે. હાલ સમગ્ર મામલાની વિગતવાર તપાસ ચાલી રહી છે અને જવાબદારો સામે જરૂરી કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવવામાં આવી છે.


