મધ્યરાત્રીએ મોંઘવારીનો બોમ્બ ફૂટ્યો
પેટ્રોલ-ડીઝલ ₹3 મોંઘા, જનતાના ખિસ્સા ખાખ
યુદ્ધ અને વૈશ્વિક સંકટ વચ્ચે સરકારનો મોટો નિર્ણય, સામાન્ય માણસ પર વધ્યો બોજ ; રાત્રે 3 વાગ્યે અચાનક નવા દર લાગુ થતા વાહનચાલકો ચોંક્યા
ક્રૂડ ઓઈલ 140 ડોલર પહોંચતાં ભાવવધારો જરૂરી બન્યો : ડીલર એસોસિયેશન
ભાવ વધે છે પણ આવક નહીં : સોશિયલ મીડિયા પર લોકોનો રોષ ફાટ્યો
અગ્ર ગુજરાત, ગાંધીનગર
દેશભરમાં વધતી જતી મોંઘવારી વચ્ચે સામાન્ય માણસને વધુ એક મોટો આર્થિક ઝટકો લાગ્યો છે. ગઇકાલે મોડી રાત્રે અચાનક પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો જાહેર થતાં લોકોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે. પેટ્રોલમાં પ્રતિ લિટર ₹2.99 અને ડીઝલમાં ₹3.09નો વધારો કરવામાં આવ્યો છે. નવા ભાવ મુજબ હવે પેટ્રોલ ₹97.50 પ્રતિ લિટર અને ડીઝલ ₹93.29 પ્રતિ લિટર થયું છે.
સામાન્ય રીતે પેટ્રોલિયમ કંપનીઓ દ્વારા ઇંધણના નવા ભાવ મધરાતે 12 વાગ્યે લાગુ કરવામાં આવે છે, પરંતુ આ વખતે પ્રથમવાર રાત્રે લગભગ 3 વાગ્યે પંપ સંચાલકોને સૂચના પાઠવી તાત્કાલિક નવા ભાવ અમલમાં મુકવામાં આવતા વાહનચાલકોમાં આશ્ચર્ય સાથે અસંતોષ પણ ફેલાયો હતો. ઘણા લોકોએ સોશિયલ મીડિયા પર તેને મિડનાઈટ શોક ગણાવ્યો હતો. વહેલી સવારે પેટ્રોલ ભરાવવા ગયેલા અનેક લોકોને અચાનક વધેલા ભાવની ખબર પડતાં ચર્ચાઓનો માહોલ સર્જાયો હતો. ખાસ કરીને નોકરીયાત વર્ગ, મધ્યમવર્ગ અને દૈનિક આવક પર જીવન જીવતા લોકોમાં ચિંતા વધી છે. પગાર તો વર્ષમાં એકવાર વધે છે અને ભાવ દર મહિને વધે છે, જેવી પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા અને પેટ્રોલ પંપો પર સાંભળવા મળી રહી હતી.
આ ભાવવધારો માત્ર વાહનચાલકો પૂરતો સીમિત નથી રહેવાનો, પરંતુ તેની સીધી અસર પરિવહન, બજાર, ખેતી, ખાદ્યવસ્તુઓ અને ઘરખર્ચ સુધી પહોંચવાની શક્યતા વ્યક્ત થઈ રહી છે. આર્થિક નિષ્ણાતો માને છે કે ઇંધણના ભાવમાં વધારો એ સમગ્ર અર્થતંત્ર માટે ચેઇન રિએક્શન સમાન સાબિત થાય છે.
અમદાવાદ યુનાઈટેડ પેટ્રોલિયમ ડીલર એસોસિયેશનના પ્રમુખે જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય સ્તરે છેલ્લા ઘણા સમયથી યુદ્ધ જેવી પરિસ્થિતિને કારણે ક્રૂડ ઓઈલના ભાવમાં ભારે ઉછાળો આવ્યો છે. અગાઉ 70 થી 80 ડોલર સુધી રહેલા બેરલના ભાવ હવે 140 ડોલર સુધી પહોંચી ગયા છે. તેમણે દાવો કર્યો કે ભારત સરકારે લાંબા સમય સુધી ગ્રાહકોના હિતને ધ્યાનમાં રાખીને ભાવ વધારો અટકાવ્યો હતો, પરંતુ હવે પેટ્રોલિયમ કંપનીઓને ભારે નુકસાન સહન કરવું પડી રહ્યું હતું. તેમના કહેવા મુજબ સરકારને પેટ્રોલ પર પ્રતિ લિટર અંદાજે ₹20 અને ડીઝલ પર ₹40 જેટલું નુકસાન થઈ રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું કે હાલ પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને કોઈએ પણ ગભરાઈને પેટ્રોલ પંપ પર દોડધામ કરવાની જરૂર નથી. આગામી દિવસોમાં વધુ ભાવ વધારો થશે કે નહીં તે અંગેનો નિર્ણય કેન્દ્ર સરકાર અને આંતરરાષ્ટ્રીય બજારની સ્થિતિ પર આધારિત રહેશે.
આ વખતે સૌથી વધુ ચર્ચાનો વિષય રહ્યો તે ભાવવધારો અમલમાં મૂકવાનો સમય. સામાન્ય રીતે મધરાતથી લાગુ થતા નવા દરો આ વખતે વહેલી સવારે લાગુ કરવામાં આવતા લોકોમાં અનેક સવાલો ઉભા થયા છે. ઘણા લોકોએ આરોપ લગાવ્યો કે સરકાર અને ઓઈલ કંપનીઓએ લોકોમાં ગભરાટ ન ફેલાય તે માટે મોડી રાત્રે નિર્ણય અમલમાં મૂક્યો. કેટલાકે તેને ચુપચાપ ભાવવધારો ગણાવ્યો હતો. વહેલી સવારે ટેક્સી ડ્રાઈવરો, રિક્ષાચાલકો અને ટ્રાન્સપોર્ટર્સમાં ખાસ કરીને ભારે નારાજગી જોવા મળી હતી. અનેક ડ્રાઈવરોનું કહેવું હતું કે ભાડાં વધારવા દેવામાં આવતા નથી અને બીજી તરફ ડીઝલ સતત મોંઘું બનતું જાય છે.
લોકોનું કહેવું હતું કે, દરેક વખત સરકાર કહે છે કે આંતરરાષ્ટ્રીય બજાર જવાબદાર છે, પરંતુ સામાન્ય માણસ માટે તો દર મહિને ઘર ચલાવવું મુશ્કેલ બની રહ્યું છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સીધી રીતે મધ્યમવર્ગના બજેટને હચમચાવી નાખે છે. રોજ ઓફિસ જવા-આવતા નોકરીયાત વર્ગ માટે માસિક ખર્ચમાં મોટો વધારો થશે. એક સામાન્ય બાઈકચાલક જો દર મહિને 25 થી 30 લિટર પેટ્રોલ વાપરે છે તો માત્ર આ વધારાને કારણે જ માસિક ₹90 થી ₹120 જેટલો વધારાનો ખર્ચ થશે. કારચાલકો અને વ્યાવસાયિક વાહનચાલકો માટે આ આંકડો વધુ મોટો બનશે.
ઘણા લોકોએ માંગ કરી હતી કે જો સરકાર વારંવાર ભાવ વધારતી હોય તો પગારમાં પણ મોંઘવારી પ્રમાણે આપમેળે વધારો થવાનો નિયમ બનાવવો જોઈએ. સોશિયલ મીડિયા પર ભાવ વધે તો પગાર પણ વધવો જોઈએ જેવી પોસ્ટ્સ વાયરલ થઈ રહી છે.
ડીઝલના ભાવમાં વધારો થતાં ટ્રાન્સપોર્ટ ક્ષેત્રમાં સૌથી વધુ અસર થવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. ટ્રક ઓપરેટરો, ખાનગી બસ સંચાલકો અને માલવાહક વાહનચાલકો માટે ખર્ચમાં વધારો થવાનો છે. પરિવહન ખર્ચ વધતા તેની સીધી અસર શાકભાજી, અનાજ, દૂધ, ફળો અને રોજિંદી વપરાશની ચીજવસ્તુઓના ભાવ પર જોવા મળી શકે છે. વેપારીઓનું કહેવું છે કે પરિવહન ખર્ચ વધે એટલે આખી સપ્લાય ચેઇન મોંઘી બની જાય છે. ખાસ કરીને કૃષિ આધારિત માલસામાન દૂરના વિસ્તારોમાંથી શહેરોમાં લાવવા વધુ ખર્ચ થશે. જેના કારણે બજારમાં આગામી દિવસોમાં વધુ મોંઘવારી જોવા મળે તેવી શક્યતા નકારી શકાય નહીં.
પેટ્રોલ અને ડીઝલના ભાવમાં આ પ્રકારનો વધારો લગભગ 2022 બાદ પ્રથમવાર જોવા મળ્યો છે. છેલ્લા કેટલાક વર્ષોથી આંતરરાષ્ટ્રીય બજારમાં ઊથલપાથલ છતાં સરકાર ભાવ સ્થિર રાખવાનો પ્રયાસ કરી રહી હતી, પરંતુ હવે વધતા વૈશ્વિક દબાણ વચ્ચે વધારો અનિવાર્ય બન્યો હોવાનું માનવામાં આવે છે.
નિષ્ણાતો માને છે કે જો આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઈલના ભાવ સતત ઊંચા રહેશે તો આગામી સમયમાં વધુ વધારો પણ શક્ય છે. ખાસ કરીને વૈશ્વિક યુદ્ધ, સપ્લાય ચેઇન પર અસર અને ડોલર સામે રૂપિયાની સ્થિતિ પણ ઇંધણના ભાવ નક્કી કરવામાં મહત્વનો ભાગ ભજવે છે.
સામાન્ય માણસમાં વધતી બેચેની
મોંઘવારી પહેલેથી જ લોકો માટે સૌથી મોટી સમસ્યા બની રહી છે. ઘરભાડું, સ્કૂલ ફી, દૂધ, શાકભાજી અને દવાઓના વધતા ખર્ચ વચ્ચે હવે પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો સામાન્ય માણસ માટે વધુ મુશ્કેલી ઉભી કરી રહ્યો છે.
ઘણા પરિવારો હવે અનાવશ્યક મુસાફરી ઘટાડવાનો વિચાર કરી રહ્યા છે. કેટલાક લોકો જાહેર પરિવહન તરફ વળવાની ચર્ચા કરી રહ્યા છે. શહેરોમાં ઇલેક્ટ્રિક વાહનો પ્રત્યે રસ પણ વધી શકે છે. આ સમગ્ર પરિસ્થિતિમાં લોકોનો મુખ્ય સવાલ એ જ છે કે જો દરેક વસ્તુ મોંઘી બનતી જાય છે તો આવકમાં વધારો કેમ થતો નથી?
મોંઘવારીનો નવો ચક્ર શરૂ થશે?
ઇંધણના ભાવમાં વધારો થતાની સાથે જ લગભગ દરેક વસ્તુના પરિવહન ખર્ચમાં વધારો થાય છે. જેના કારણે આગામી અઠવાડિયામાં શાકભાજી, અનાજ, દૂધ અને FMCG પ્રોડક્ટ્સના ભાવમાં વધારો જોવા મળી શકે છે. મોંઘવારીનો દર ફરી ઊંચો જઈ શકે છે.
ટ્રાન્સપોર્ટ અને લોજિસ્ટિક્સ ખર્ચ વધશે
ટ્રક, બસ અને માલવાહક વાહનો માટે ડીઝલ સૌથી મોટો ખર્ચ હોય છે. ડીઝલ મોંઘું થતાં ટ્રાન્સપોર્ટ કંપનીઓ ભાડાં વધારશે. તેની અસર સીધી રીતે બજારમાં વેચાતી વસ્તુઓના અંતિમ ભાવ પર પડશે.
શેરબજારમાં કયા સેક્ટરને ફાયદો-નુકસાન?
ઓઈલ માર્કેટિંગ કંપનીઓને થોડો રાહત મળી શકે છે, પરંતુ એરલાઈન્સ, ટ્રાન્સપોર્ટ અને કન્ઝ્યુમર સેક્ટરને દબાણ આવી શકે છે. ઇંધણ ખર્ચ વધવાથી કંપનીઓના ઓપરેશનલ ખર્ચમાં વધારો થશે. રોકાણકારો માટે બજારમાં અસ્થિરતા વધી શકે છે.
સામાન્ય માણસનો માસિક બજેટ ખોરવાશે
દૈનિક ઓફિસ જનારાઓ, ટેક્સી-રિક્ષા ચાલકો અને નાના વેપારીઓ માટે સીધી અસર જોવા મળશે. પેટ્રોલ-ડીઝલ પાછળનો ખર્ચ વધતા ઘરખર્ચનું સંતુલન બગડવાની શક્યતા છે. બચત ઘટી શકે છે.
ઇલેક્ટ્રિક વાહનો તરફ વળવાનો ટ્રેન્ડ વધશે?
વારંવારના ઇંધણ ભાવવધારાને કારણે લોકો હવે ઇલેક્ટ્રિક સ્કૂટર અને કાર તરફ વધુ આકર્ષાઈ શકે છે. સરકાર માટે પણ EV ઈન્ફ્રાસ્ટ્રક્ચર વધારવાનો દબાણ વધી શકે છે.
CNG પર પણ મોંઘવારીનો માર : ગેસના ભાવમાં પ્રતિ કિલો રૂ.૨નો વધારો
ઈરાન અને મધ્ય પૂર્વમાં સર્જાયેલા ભૂરાજકીય તણાવની અસર હવે ભારતના સામાન્ય નાગરિકોના ખિસ્સા પર સીધી રીતે જોવા મળી રહી છે. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થયા બાદ હવે સીએનજી (CNG)ના દરમાં પણ વધારો કરવામાં આવ્યો છે. દેશની અગ્રણી ગેસ વિતરણ કંપનીઓએ શુક્રવારથી સીએનજીના ભાવમાં પ્રતિ કિલોગ્રામ રૂ.૨નો વધારો જાહેર કર્યો છે, જેના કારણે વાહનચાલકો અને રોજિંદા પરિવહન ખર્ચ પર વધુ ભાર વધવાનો છે.
નવી કિંમતો અનુસાર, દિલ્હીમાં સીએનજી હવે પ્રતિ કિલોગ્રામ રૂ.૭૯.૦૯ના દરે મળશે. માત્ર દિલ્હી જ નહીં પરંતુ નોઈડા, ગ્રેટર નોઈડા, ગાઝિયાબાદ અને ગુરુગ્રામ સહિત સમગ્ર એનસીઆર વિસ્તારમાં પણ નવા દર અમલમાં આવ્યા છે. ગેસ કંપનીઓએ વધતા આયાત ખર્ચ અને વૈશ્વિક પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો હોવાનું જણાવ્યું છે.
મધ્ય પૂર્વમાં વધી રહેલા તણાવ અને ખાસ કરીને હોર્મુઝ સ્ટ્રેટ વિસ્તારમાં પુરવઠા પર ઉભી થયેલી અનિશ્ચિતતાને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં તેલ અને ગેસના ભાવમાં સતત ઉછાળો જોવા મળી રહ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટ વિશ્વના સૌથી મહત્વપૂર્ણ તેલ માર્ગોમાંથી એક માનવામાં આવે છે. અહીંથી થતો પુરવઠો ખોરવાતા અનેક દેશોની ઊર્જા વ્યવસ્થા પર અસર પહોંચી રહી છે. ભારત પણ તેમાં અપવાદ નથી, કારણ કે દેશ પોતાની કુદરતી ગેસની જરૂરિયાતનો મોટો હિસ્સો આયાત દ્વારા પૂરો કરે છે.
માહિતી અનુસાર, ભારત લગભગ ૬૦ ટકા કુદરતી ગેસ વિદેશમાંથી આયાત કરે છે. આવી સ્થિતિમાં વૈશ્વિક બજારમાં થતા વધારાની સીધી અસર દેશની ગેસ વિતરણ કંપનીઓ પર પડી રહી છે. ઈન્દ્રપ્રસ્થ ગેસ લિમિટેડ (IGL) અને મહાનગર ગેસ લિમિટેડ (MGL) જેવી કંપનીઓએ સ્પષ્ટ કર્યું છે કે આયાત ખર્ચ સતત વધી રહ્યો હોવાથી ભાવ વધારો ટાળવો મુશ્કેલ બની ગયો હતો.
તાજેતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઇંધણ બચાવવા માટે અપીલ કરી હતી. ત્યારબાદ કેન્દ્રીય પેટ્રોલિયમ મંત્રી હરદીપ સિંહ પુરી અને આરબીઆઈ ગવર્નર સંજય મલ્હોત્રાએ પણ સંકેત આપ્યા હતા કે આંતરરાષ્ટ્રીય બજારમાં ચાલી રહેલા દબાણ વચ્ચે ઇંધણના ભાવ લાંબા સમય સુધી સ્થિર રાખવા શક્ય નહીં બને. તેમના નિવેદન બાદ પહેલા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો હતો અને હવે સીએનજી પણ મોંઘી બની છે. સીએનજીના ભાવમાં વધારાની સૌથી મોટી અસર જાહેર પરિવહન, ઓટોરિક્ષા, ટેક્સી અને સીએનજી આધારિત ખાનગી વાહનો ચલાવતા લોકો પર પડશે. અનેક શહેરોમાં હવે ઓટો અને ટેક્સીના ભાડામાં પણ વધારો થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. બીજી તરફ સામાન્ય નાગરિકોમાં સતત વધી રહેલી મોંઘવારીને લઈને ચિંતા વધી રહી છે. ઊર્જા ક્ષેત્રના નિષ્ણાતોનું માનવું છે કે જો મધ્ય પૂર્વમાં હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી યથાવત રહેશે તો આગામી દિવસોમાં ઇંધણના ભાવમાં વધુ વધારો પણ જોવા મળી શકે છે.


