પાંજરાપોળમાં CCTV લગાવતાં યુવાનને કરંટ લાગ્યો, ગંભીર રીતે દાઝ્યો
મોરબીના ખાખરેચી ગામે અકસ્માત બાદ સારવાર માટે રાજકોટ સિવિલમાં ખસેડાયો
અગ્ર ગુજરાત, રાજકોટ
મોરબી જિલ્લાના ખાખરેચી ગામે પાંજરાપોળ ખાતે સીસીટીવી કેમેરા ફિટિંગનું કામ કરતી વખતે એક યુવાનને અચાનક વીજ કરંટ લાગતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. કરંટ લાગતા યુવાનના શરીરના અનેક ભાગો દાઝી ગયા હતા. હાલ તેને વધુ સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અવિનાશ રમેશભાઈ ડાભી (ઉ.વ. 22), જે મોરબીના નવલખી રોડ વિસ્તાર પાસે પટેલ વાડીની બાજુમાં રહે છે, તે ગઈકાલે બપોરના સમયે ખાખરેચી ગામની પાંજરાપોળમાં CCTV કેમેરા લગાવવાનું કામ કરી રહ્યો હતો. દરમિયાન કામ કરતી વખતે તેનો સંપર્ક વીજ તાર સાથે થતાં જોરદાર કરંટ લાગ્યો હતો. અકસ્મતમાં અવિનાશને શરીરે ગંભીર દાઝા પહોંચતા તાત્કાલિક સારવાર માટે પહેલા મોરબી ખાતે ખસેડાયો હતો. ત્યારબાદ વધુ સારવારની જરૂરિયાતને ધ્યાનમાં રાખી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં રિફર કરવામાં આવ્યો હતો. બનાવ અંગે પોલીસે હોસ્પિટલ પહોંચી ઈજાગ્રસ્ત યુવાનનું નિવેદન નોંધ્યું હતું અને જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.


