મનપા સંચાલિત વિવિધ આંગણવાડીમાં બાલક-પાલક સર્જન કાર્યક્રમ યોજાયો
બાળકોના સર્વાંગી વિકાસના આયોજન અંગે માર્ગદર્શન આપ્યું
અગ્ર ગુજરાત, રાજકોટ
મ્યુનિસિપલ કમિશનર તુષાર સુમેરા, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સી.કે.નંદાણી તેમજ આઇસીડીઅએસ પ્રોગ્રામ ઓફિસર શારદાબેન દેસાઈના માર્ગદર્શન હેઠળ રાજકોટ મહાનગરપાલિકા સંચાલિત આંગણવાડી કેન્દ્રોમાં ખાતે ‘બાલક-પાલક સર્જન કાર્યક્રમ’ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય નવા શૈક્ષણિક સત્રમાં આંગણવાડીમાં પ્રવેશ મેળવતા નાના બાળકો અને તેમના વાલીઓ (પાલક) વચ્ચે સુમેળ સાધવાનો તેમજ બાળકના સર્વાંગી વિકાસમાં વાલીઓની ભૂમિકા વિશે જાગૃત કરવાનો છે. કાર્યક્રમ દરમિયાન આંગણવાડીના ઉત્સાહી કાર્યકરો અને તેડાગરો દ્વારા નવા આવતા ભૂલકાઓનું કુમકુમ તિલક અને ફૂલહારથી ભાવભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું. બાળકોને પ્રોત્સાહિત કરવા માટે રમકડાં અને શૈક્ષણિક કીટનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું, જેનાથી બાળકોના ચહેરા પર ખુશી જોવા મળી હતી.
આ કાર્યક્રમમાં ઉપસ્થિત મુખ્ય અધિકારીઓ અને આંગણવાડી સુપરવાઈઝર દ્વારા વાલીઓને બાળકના પ્રારંભિક શિક્ષણ અને પોષણનું મહત્વ સમજાવવામાં આવ્યું હતું. વક્તાઓએ જણાવ્યું કે, બાળકના માનસિક અને શારીરિક વિકાસ માટે માત્ર આંગણવાડી જ નહીં પરંતુ ઘરે માતા-પિતા દ્વારા અપાતો સમય અને સંસ્કાર પણ એટલા જ જરૂરી છે. આ ઉપરાંત, સરકાર દ્વારા ચલાવવામાં આવતી વિવિધ બાળ કલ્યાણ અને પોષણ યોજનાઓ વિશે પણ વાલીઓને વિગતવાર માહિતી પૂરી પાડવામાં આવી હતી. બાળકોમાં છુપાયેલી કળા અને સર્જનાત્મકતા બહાર લાવવા માટે કાર્યક્રમમાં ઇન્ડોર ગેમ્સ, કાગળ કામ, ચિત્રકામ અને બાળગીતો જેવી વિવિધ રસપ્રદ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ કાર્યક્રમમાં,પ્રોગ્રામ ઓફિસર, સી.ડી.પી.ઓ., મુખ્ય સેવિકા, પ્રી સ્કુલ ઇન્ટ્રકસ્ટર, આંગણવાડી કાર્યકર બહેનો, મોટી સંખ્યામાં ભૂલકાઓ તેમજ તેમના માતા-પિતા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે આંગણવાડી કાર્યકરબહેનો, તેડાગરબહેનો દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતા.


