બકરી ઈદની જાહેર રજા હવે બુધવારના બદલે ગુરૂવારે રહેશે
બુધવારે તમામ સરકારી કચેરીઓ રાબેતા મુજબ કાર્યરત
અગ્ર ગુજરાત, ગાંધીનગર
ગુજરાત સરકારે બકરી ઈદની જાહેર રજાની તારીખમાં મહત્વપૂર્ણ ફેરફાર કર્યો છે. સામાન્ય વહીવટ વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા નવા જાહેરનામા મુજબ હવે બકરી ઈદની જાહેર રજા 27 મે 2026ના બદલે 28 મે 2026, ગુરુવારના રોજ રહેશે.
અગાઉ જાહેર કરાયેલા વર્ષ 2026ના સરકારી રજાના કેલેન્ડરમાં બકરી ઈદની રજા 27 મે, બુધવાર દર્શાવવામાં આવી હતી. જોકે તહેવારની તારીખમાં થયેલા ફેરફારને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે સુધારેલો આદેશ જાહેર કર્યો છે.
નવી સૂચના અનુસાર રાજ્યની તમામ સરકારી કચેરીઓ, બેંકો, બોર્ડ-નિગમો, પંચાયત કચેરીઓ તેમજ રાજ્ય સરકાર હેઠળની સંસ્થાઓ 27 મે, બુધવારે નિયમિત રીતે ચાલુ રહેશે. જ્યારે 28 મે, ગુરુવારે જાહેર રજાનું પાલન કરવામાં આવશે.
સામાન્ય વહીવટ વિભાગના અધિક સચિવ જ્વલંત ત્રિવેદીએ રાજ્યપાલના આદેશથી આ સુધારેલી સૂચના જાહેર કરી છે.


