રામનાથપરા ગરુડ ગરબી ચોકમાં કુખ્યાત મહિલા સહિત 3 પેડલર ગાંજા સાથે ઝડપાયા
જાહેર રોડ પર ગાંજાની હેરાફેરી પહેલાં એ ડિવિઝન પોલીસે દબોચી લીધા ; 3.34 લાખનો મુદ્દામાલ કબ્જે
અગ્ર ગુજરાત, રાજકોટ
રાજકોટ શહેરમાં નશાના દૂષણ વિરુદ્ધ ચાલી રહેલી પોલીસ ઝુંબેશ વચ્ચે એ-ડિવિઝન પોલીસને મહત્વની સફળતા મળી છે. શહેરના રામનાથપરા વિસ્તારમાં આવેલા ગરુડ ગરબી ચોક પાસે પોલીસે દરોડો પાડી ગાંજાની હેરાફેરી કરતા ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓ પાસેથી અંદાજે રૂ.2.04 લાખ કિંમતનો ચાર કિલોથી વધુ ગાંજો, મોબાઈલ ફોન અને સીએનજી ઓટો રિક્ષા સહિત કુલ રૂ.3.34 લાખનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે. આરોપીઓમાં રાજકોટની એક કુખ્યાત મહિલા તથા બોટાદના બે શખ્સોનો સમાવેશ થાય છે.
શહેર પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝા, એડીશનલ પોલીસ કમિશનર ચૈતન્ય માંડલીક અને ડીસીપી હેતલ પટેલના માર્ગદર્શન હેઠળ રાજકોટ શહેરમાં સે નો ટુ ડ્રગ્સ અભિયાન અંતર્ગત નશીલા પદાર્થોનું વેચાણ અને સેવન કરનારાઓ વિરુદ્ધ કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે એ-ડિવિઝન પોલીસ મથકની ટીમ સતત પેટ્રોલિંગ અને બાતમીદારો મારફતે શંકાસ્પદ હલચલ પર નજર રાખી રહી હતી.
આ દરમિયાન પીઆઈ જે.વી. વાઢિયાની રાહબરી હેઠળ પીએસઆઇ એસ.એમ. રાણા તથા પોલીસ ટીમ પેટ્રોલિંગમાં હતી. ત્યારે હેડ કોન્સ્ટેબલ કરણભાઈ વિરસોડીયા, સાગરભાઈ માવડીયા, ધર્મેશભાઈ પરમાર અને ધર્મેશભાઈ ખાંડેખાને ચોક્કસ બાતમી મળી હતી કે રામનાથપરા ગરુડ ગરબી ચોક નજીક વીરાણી વાડી પાસે જાહેર રોડ પર મહિલા સહિત કેટલાક શખ્સો ગાંજાના જથ્થા સાથે ઉભા છે અને તેની હેરાફેરી કરવાની તૈયારીમાં છે.
મળેલી માહિતીના આધારે પોલીસે તરત જ સ્થળ પર દરોડો ગોઠવ્યો હતો. પોલીસે સ્થળ પરથી ત્રણેય આરોપીઓને ઝડપી પાડ્યા હતા. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી કુલ 4.099 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો, જેની બજાર કિંમત રૂ.2,04,950 જેટલી હોવાનું સામે આવ્યું છે. સાથે જ આરોપીઓ પાસે રહેલા મોબાઈલ ફોન અને એક સીએનજી ઓટો રિક્ષા પણ કબ્જે લેવામાં આવ્યા હતા. કુલ મળી પોલીસે રૂ.3.34 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
પોલીસે ઝડપાયેલા આરોપીઓમાં સોહીલ ફીરોજ સીપાઈ (ઉં.વ.26, રહે. પંચપીર દરગાહ પાસે, ભાવનગર રોડ, બોટાદ), ફિરોજ હારુન ગાંજા (ઉં.વ.36, રહે. બારશાખવાળી શેરી, જુમ્મા મસ્જિદ પાસે, બોટાદ) અને શબાનાબેન ઉર્ફે શબુ અલી સુમરા (ઉં.વ.34, રહે. રામનાથપરા શેરી નં.16, રાજકોટ) ની ઓળખ કરી હતી. પ્રાથમિક તપાસમાં એવું સામે આવ્યું છે કે બોટાદના બંને શખ્સો રાજકોટ આવી શબાનાબેનને ગાંજાનો જથ્થો પહોંચાડવા આવ્યા હતા. પોલીસે ત્રણેય આરોપીઓની અટકાયત કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે. સમગ્ર મામલાની આગળની તપાસ યુનિ. પોલીસને સોંપવામાં આવી હોવાનું પણ જાણવા મળ્યું છે.
પોલીસ તપાસમાં વધુ એક મહત્વની બાબત સામે આવી છે કે ઝડપાયેલી શબાનાબેન ઉર્ફે શબુ અગાઉ પણ ગંભીર ગુનામાં સંડોવાઈ ચૂકી છે. વર્ષ 2013માં ગાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલા હત્યાના ગુનામાં તેનું નામ ખુલ્યું હતું. આ ઉપરાંત બોટાદના આરોપી સોહીલ સીપાઈ સામે પણ અગાઉ નાર્કોટિક્સ અને પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. તેની સામે વર્ષ 2024માં બોટાદ સિટી પોલીસ સ્ટેશન તેમજ વર્ષ 2021માં રાણપુર પોલીસ સ્ટેશનમાં ગુના નોંધાયેલા હોવાનું પોલીસે જણાવ્યું હતું. જ્યારે ફિરોજ હારુન ગાંજા વિરુદ્ધ પણ બોટાદ સિટી પોલીસ સ્ટેશનમાં પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હોવાનું બહાર આવ્યું છે.
શહેરમાં છેલ્લા કેટલાક સમયથી યુવાનોમાં નશાની લત વધતી હોવાની ચિંતાજનક પરિસ્થિતિ વચ્ચે પોલીસ દ્વારા સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે. ખાસ કરીને ગાંજો, ચરસ અને અન્ય નશીલા પદાર્થોની હેરાફેરી રોકવા માટે શહેર પોલીસ દ્વારા અલગ-અલગ વિસ્તારોમાં વોચ ગોઠવવામાં આવી છે. પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ નશાના કારોબાર સાથે સંકળાયેલા તત્વો સામે આગામી દિવસોમાં પણ વધુ કડક કાર્યવાહી ચાલુ રહેશે.
આ સમગ્ર કાર્યવાહી બાદ સ્થાનિક વિસ્તારમાં ભારે ચકચાર મચી ગઈ હતી.


